ડૉપ્લર અસર (Doppler effect) : તરંગ સ્રોત અને નિરીક્ષકની સાપેક્ષ ગતિને કારણે ઉદભવતો આવૃત્તિ – તફાવત. ‘ડૉપ્લર અસર’નું પ્રથમ વાર વર્ણન ઑસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી ડૉપ્લર ક્રિસ્ટિઆન જોહાને 1842માં કર્યું હતું. સ્રોતમાંથી ઉદભવતો ધ્વનિ કે પ્રકાશનો તરંગ નિરીક્ષક પાસે પહોંચે ત્યારે તેની આવૃત્તિ, મૂળ આવૃત્તિ કરતાં વધે છે, દૂર જતાં ઘટે છે. બંને આવૃત્તિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ હોય છે. તે ધ્વનિ કે પ્રકાશના તરંગના સ્રોત અને નિરીક્ષકની સાપેક્ષ ગતિને કારણે ઉદભવતો હોય છે.

‘ડૉપ્લર અસર’ સરળતાથી સમજી શકાય તેવાં અસંખ્ય ઉદાહરણો છે. વાહનનું હૉર્ન કે રેલવે-એન્જિનની વ્હિસલ સાંભળનારની નજીક આવે તેમ એનો અવાજ વધુ ને વધુ તીક્ષ્ણ (sharp) થતો જાય છે અને તે પસાર થઈ ગયા પછી અવાજ ક્ષીણ થતો જાય છે. ‘ડૉપ્લર અસર’નું આ અત્યંત સરળ ઉદાહરણ છે. એ જ રીતે પૃથ્વી પરથી કોઈ તારાના પ્રકાશનું નિરીક્ષણ કરવામાં આવે ત્યારે નિરીક્ષક અને તારા વચ્ચેનું અંતર વધતાં તારાના પ્રકાશને અનુરૂપ વર્ણપટરેખા વર્ણપટના લાલ છેડા તરફ ખસે છે અને અંતર ઘટતાં તે વર્ણપટના જાંબલી છેડા તરફ ખસે છે. ‘ડૉપ્લર અસર’નો ઉપયોગ ખગોળશાસ્ત્રીય માપનમાં, મેસબાઉર અસરના અભ્યાસમાં, રડારમાં, અદ્યતન નૌકાશાસ્ત્રમાં, તારાઓની ગતિના અભ્યાસમાં તેમજ યુગ્મ તારાની શોધ માટે થાય છે. ‘ડૉપ્લર અસર’ વિશ્વના અદ્યતન સિદ્ધાંતોમાં અગત્યનું સ્થાન ધરાવે છે.

રાજેશ શર્મા