ડેહમેલ્ટ હાન્સ જ્યૉર્જ

June, 2024

ડેહમેલ્ટ, હાન્સ જ્યૉર્જ (Dehmelt, Hans George) (જ. 9 સપ્ટેમ્બર 1922, ગોર્લિટ્ઝ, જર્મની; અ. 7 માર્ચ 2017, સીઍટલ, વૉશિંગ્ટન, યુ.એસ.એ.) : આયન પાશ કાર્યપદ્ધતિ માટે 1989નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. નોબેલ પુરસ્કારનો અર્ધભાગ તેમની અને વુલ્ફગૅંગ પૉલ વચ્ચે વિભાજિત થયો હતો.

દસ વર્ષની ઉંમરે ડેહમેલ્ટે બર્લિનની એક લૅટિન શાળામાં પ્રવેશ મેળવ્યો જ્યાં તેમને શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ હતી. શાળાકીય શિક્ષણ બાદ તેઓ જર્મન સૈન્યમાં સ્વયંસેવક તરીકે જોડાયા અને સૈન્ય દ્વારા 1943માં તેમને યુનિવર્સિટી ઑફ બ્રેસાલુમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવાની ફરજ પાડવામાં આવી. એક વર્ષના અભ્યાસ બાદ બલ્જના યુદ્ધ (Battle of Bulge) દરમિયાન તેમની ધરપકડ થઈ. તેમાંથી મુક્ત થયા બાદ તેમણે યુનિવર્સિટી ઑફ ગૉટિન્ગનમાં ફરીથી ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. અહીંથી તેમણે 1948માં અનુસ્નાતકની પદવી તથા 1950માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ તેમને અમેરિકાની ડ્યૂક યુનિવર્સિટી તરફથી પોસ્ટડૉક્ટરલ સહકાર્યકર્તા તરીકે નિમંત્રણ મળ્યું અને 1952થી તેઓ અમેરિકામાં સ્થાયી થયા. ક્રમશઃ 1961માં યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટન, સિઍટલમાં તેમણે પૂર્ણ પ્રાધ્યાપકનું સ્થાન મેળવ્યું.

1955માં તેમણે પ્રથમ વખત ઇલેક્ટ્રૉન સંઘાત નળીનું નિર્માણ કર્યું તથા ધ્રુવીભૂત પરમાણુ અને મુક્ત ઇલેક્ટ્રૉનમાં અનુચુંબકીય અનુનાદ પર પ્રયોગો કર્યા.  1960માં ડેહમેલ્ટ તથા તેમના વિદ્યાર્થીઓએ હાઇડ્રોજન તથા હીલિયમ આયનના સ્પેક્ટ્રમ વિજ્ઞાન પર કાર્ય કર્યું. અંતે 1973માં ઇલેક્ટ્રૉનને અલગ પાડવામાં આવ્યો. 1976માં તેમણે પ્રથમ જિયોનિયમ પરમાણુ મેળવ્યો જેનો ઉપયોગ તેમણે ઇલેક્ટ્રૉન અને પૉઝિટ્રૉનના પરિશુદ્ધ ચુંબકીય આધૂર્ણના માપન માટે કર્યો. તેમના માર્ગદર્શન હેઠળ તેમના સંશોધન જૂથે 1979મા પરમાણુનું પ્રથમ ચિત્રણ (photo) મેળવ્યું. આયન પાશ પદ્ધતિ માટે તેમને 1989નો નોબેલ પુરસ્કાર મળ્યો. યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનમાં નિવૃત્તિ સુધી તેઓએ આયન પાશ પર કાર્ય ચાલુ રાખ્યું.

તેમને 1970માં ડૅવિસન-ગર્મર ઇનામ, 1985માં રુમ્ફર્ડ ઇનામ તથા 1995માં નૅશનલ મેડલ ઑફ સાયન્સ પ્રાપ્ત થયાં.

પૂરવી ઝવેરી