ડેવી, (સર) હમ્ફ્રી [જ. 17 ડિસેમ્બર 1778, પેન્ઝાન્સ (Penzance) (ઇંગ્લૅન્ડ); અ. 29 મે 1829, જિનીવા] : સોડિયમ, પોટૅશિયમ જેવી ધાતુઓ તથા ખાણિયા માટેના સલામતી દીવાના શોધક અંગ્રેજ રસાયણવિદ. તેઓ મધ્યમવર્ગનાં માતાપિતાના પુત્ર હતા. તેમના પિતા રૉબર્ટ લાકડા પર કોતરકામ કરનાર એક નાના ખેડૂત હતા. શરૂઆતનું શિક્ષણ પેન્ઝાન્સની ગ્રામર સ્કૂલમાં અને 1793માં ટ્રુરો(Truro)માં. 1795માં પિતાના અવસાન બાદ તબીબી અભ્યાસ શરૂ કર્યો પણ 1797માં લેવોઇઝિયર અને નિકોલ્સનનાં લખાણોથી પ્રભાવિત થઈને રસાયણશાસ્ત્ર તરફ વળ્યા. 1798માં ડૉ. બેડૉસે સ્થાપેલા ન્યૂમૅટિક ઇન્સ્ટિટ્યૂશનના તે સહાયક નિમાયા. તેમણે 1799માં હાસ્યપ્રેરક વાયુ(laughing gas – N2O)ના નિશ્ચેતક તરીકેના ગુણો તપાસી દંતવિદ્યામાં તેનો ઉપયોગ સૂચવ્યો. જળવાયુ(CO + H2)ની ઘાતક અસર પણ તેમણે તપાસી હતી. જુદા જુદા વાયુની શ્વાસોચ્છવાસ પરત્વેની અસર ચકાસવામાં બે વાર જાન જતાં બચ્યો. 1800માં તેમનો સંશોધનગ્રંથ ‘રિસર્ચીઝ : કેમિકલ ઍન્ડ ફિલૉસૉફિકલ’ બહાર પડ્યો. 1801માં રૉયલ ઇન્સ્ટિટ્યૂશન (લંડન) ખાતે કાઉન્ટ રમફોર્ડના હાથ નીચે સહાયક વ્યાખ્યાતા અને 1802માં પ્રાધ્યાપક નિમાયા. 1813માં પ્રગટ થયેલું ‘એલિમેન્ટ્સ ઑવ્ ઍગ્રિકલ્ચરલ કેમિસ્ટ્રી’ ખેતીવિષયક રસાયણનો પ્રમાણભૂત ગ્રંથ બની રહ્યો. 1828માં તેમણે ‘Salmonias or Days of fly Fishing’ નામનું પુસ્તક લખ્યું હતું. ‘Elements of Chemical Philosophy’નો એક ભાગ પણ તેમણે પ્રકાશિત કર્યો હતો.
1801માં ચાપ દીવા(arc lamp)ની અને 1802માં તાપદીપ્ત દીવા-(incandescent lamp)ની શોધ કરી પણ તેમને વધુ રસ વિદ્યુતરસાયણમાં હતો. 1807માં પીગળેલા સોડિયમ અને પોટૅશિયમ ક્લોરાઇડના વિદ્યુતવિભાજનથી અનુક્રમે સોડિયમ અને પોટૅશિયમ ધાતુની અને 1808માં કૅલ્શિયમ, સ્ટ્રૉન્શિયમ, બેરિયમ અને મૅગ્નેશિયમ ધાતુની શોધ કરી. બોરૉન તત્વની શોધમાં તે પણ ગૅલ્યુસેકની સાથે હતા.
1813ની યુરોપની સફર દરમિયાન જેનોઆમાં તેમણે ટૉર્પીડો માછલીનો અભ્યાસ કર્યો જ્યારે ફ્લૉરેન્સમાં Academia del Cimentoના મોટા જ્વાલક (burning) કાચનો ઉપયોગ કરી ડ્યૂક ઑવ્ ટસ્કનીના હીરાને ઑક્સિજનમાં બાળીને સાબિત કર્યું કે હીરો એ કાર્બનનું એક સ્વરૂપ છે. આ જ ગાળામાં તેમણે દર્શાવ્યું કે ઑક્સિમ્યૂરિયેટિક ઍસિડમાંથી ઑક્સિજન મળી શકતો નથી પણ એક અન્ય સાદું તત્વ મળે છે. તેને માટે તેમણે ક્લોરિન નામ સૂચવ્યું. આમ તેમણે લેવોઝિયરના ઍસિડ માટેના ઑક્સિજનવાદનું ખંડન કર્યું. પાછલાં વર્ષોમાં તેમણે ક્લોરિનનાં નાઇટ્રૉજન, ફૉસ્ફરસ અને ઑક્સિજન સાથેનાં સંયોજનો તેમજ હાઇડ્રોજન ફૉસ્ફાઇડ (ફૉસ્ફિન) અને હાઇડ્રોજન ટેલ્યુટાઇડ બનાવ્યાં.
1815માં લંડન પાછા આવી તેમણે ડેવીના સલામતી દીવા (safety lamp) તરીકે ઓળખાતા ખાણિયા માટેના સલામતી દીવાની શોધ કરી. તેમણે તેનો પેટન્ટ પણ કઢાવ્યો ન હતો. આ શોધ બદલ 1817માં ખાણોના માલિકો તથા કામદારોએ તેમનું બહુમાન કર્યું. તેમના વસિયતનામા મુજબ આ બહુમાનમાં મળેલો ચાંદીનો સેટ પાછળથી ગાળી નાખી મળેલી રકમ (£ 736)માંથી રૉયલ સોસાયટી દ્વારા યુરોપ અને ઍંગ્લો–અમેરિકામાં રસાયણશાસ્ત્રમાં મહત્વની શોધ બદલ ડેવી ચંદ્રકનો પ્રારંભ કરાયો. 1820માં તે રૉયલ સોસાયટીના પ્રમુખ બન્યા અને 1827 સુધી તે પદ પર રહ્યા. 1823માં તેમણે રૉયલ સોસાયટી માટે વહાણોના તાંબાના બાહ્ય પડ પર દરિયાના પાણીનું ક્ષારણ નિવારવા જસતનાં પતરાં લગાડવાની પદ્ધતિ તૈયાર કરી. પણ તેના ઉપર સમુદ્રી ઉગારો (marine-growth) થતો હોવાના કારણે આચ્છાદન દૂષિત બનતું હોવાથી નૌકાવિભાગ માટે તે પદ્ધતિ અસ્વીકાર્ય બની હતી.
તેમની કલમ બહુ સરળ અને પ્રવાહી હતી અને તેઓ સુંદર કવિતા લખી શકતા. રૂપક અલંકારનું પ્રભુત્વ વધારવા કૉલરિજ ખાસ તેમનાં વ્યાખ્યાનો સાંભળવા જતા.
તેમને મળેલા માન-સન્માનમાં 1802માં ગૅલ્વેનિઝમ માટે ઉત્કૃષ્ટ પ્રયોગ કરવા બદલ નેપોલિયન દ્વારા સ્થાપિત ફ્રેન્ચ ઇન્સ્ટિટ્યૂટનો ચંદ્રક, રૉયલ સોસાયટીની ફેલોશિપ (1803), કોપ્લે ચંદ્રક (1805), ‘નાઇટહૂડ’ (1812), ઉદ્યોગક્ષેત્રે પ્રદાન બદલ ‘બૅરોનેટ’ (1818), રૉયલ સોસાયટીનું પ્રમુખપદ (1820) અને તેનો રૉયલ ચંદ્રક (1826) મુખ્ય છે.
જીવનના છેલ્લા મહિના તેમણે ‘કૉન્સલેશન્સ ઇન ટ્રાવેલ ઑર ધ લાસ્ટ ડેઝ ઑવ્ એ ફિલૉસૉફર’ લખવામાં ગાળ્યા. તેમના અવસાન બાદ તે 1830માં પ્રગટ થયું. તેમની વધુ પડતી વૈજ્ઞાનિક પ્રવૃત્તિને લીધે તબિયત બગડવાથી 1829માં તેમનું અવસાન થયું. 1812માં ડેવીએ સ્કૉટિશ વિધવા જેન એપ્રીસ (Jane Apreece) સાથે લગ્ન કર્યાં હતાં.
જ. દા. તલાટી