ડેલ, સર હેન્રી હેલેટ (જ. 9 જૂન, 1875, લંડન; અ. 23 જુલાઈ, 1968, કેમ્બ્રિજ) : ઑટો લોએવી સાથે 1936નું નોબેલ પારિતોષક મેળવનાર અંગ્રેજ વિજ્ઞાની. ડેલ અંગ્રેજ શરીરક્રિયાવિદ (physiologist) અને ઔષધવિદ (pharmacologist) હતા. તેઓ કેમ્બ્રિજ, લંડન અને ફ્રૅન્કફર્ટ ખાતે મેડિસિન ભણ્યા. 1904માં તે વેલકમ લૅબોરેટરીમાં જોડાયા. તેમણે જી. બર્જર સાથે કામ કરીને અર્ગટમાંના હિસ્ટામિન અને એસિટાઇલ કોલિન દ્રવ્યોનો અભ્યાસ કર્યો. ચેતા-આવેગ(nerve impulse)ના વહનમાં એસિટાઇલ કૉલિનના કાર્ય અંગેના સંશોધન માટે તેમને નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.
તેમના સંશોધનને લીધે ઍલર્જી તથા તીવ્ર પ્રતિરક્ષાલક્ષી આઘાત (anaphylactic shock) વિશેની સમજ વધી. તેઓ 1928-42 સુધી ઇંગ્લૅન્ડની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિસિનના નિયામક રહ્યા. તેમનાં લખાણોમાં ‘ઍડવેન્ચર્સ ઇન ફિઝિયોલૉજી’ (1953) તથા ‘ઑટમ ગ્લિનિંગ્સ’ (1954) મુખ્ય છે. તેમને 1932માં ‘નાઇટ’નો ખિતાબ એનાયત થયો હતો.
શિલીન નં. શુક્લ