ડેલહાઉસી : હિમાચલપ્રદેશ રાજ્યના ચમ્બા જિલ્લામાં આશરે ઉ. 32° 32´ અક્ષાંશવૃત્ત અને 76° 01´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું ગિરિમથક. તેનો વિકાસ અંગ્રેજોએ કર્યો હતો. તે પઠાણકોટથી ઉત્તર પૂર્વમાં લગભગ 42 કિમી. દૂર હિમાલયની તળેટીમાં 2300 મી.ની ઊંચાઈ પર વસેલું છે. તે પઠાણકોટ અને જિલ્લામથક ચમ્બા સાથે સડકમાર્ગે સંકળાયેલું છે.
એક બાજુ ચમ્બા-ખીણ અને બીજી બાજુ વૃક્ષોથી આચ્છાદિત હરિયાળી હિમગિરિમાળા વચ્ચે શોભતા આ લોકપ્રિય ઉનાળુ વિહારધામમાં આવતા પ્રવાસીઓ નીરવ શાંતિનો અનુભવ કરે છે. દક્ષિણનાં મેદાનોમાં જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડે છે ત્યારે અહીં પ્રવાસીઓની ભારે ભીડ જામે છે. અહીં ખાનગી હોટેલો, હિમાચલ પ્રદેશ પ્રવાસન નિગમ-સંચાલિત યૂથ હૉસ્ટેલ અને ટૂરિસ્ટ બંગલાઓની સુવિધાઓ છે. અહીં પંચપુલ્લા, કાલા ટોપ, જંઘ્રી ઘાટ, બ્રાકોત હિલ્સ, ડૅનકુંડ વગેરે જોવાલાયક સ્થળો છે. ડેલહાઉસીની નજીકમાં ઉત્તરે કૅન્ટોનમેન્ટમાં બલૂનનું કેન્દ્ર આવેલું છે.
વસ્તી 7051 (2011).
બીજલ પરમાર