ડેલવાર : યુ.એસ.ની પૂર્વમાં ઍટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 40o 53´ ઉ. અ. 75o 03´ પ. રે.. વિસ્તાર : 2490 ચોકિમી. વસ્તી : 10,03,384 (2021). ડેલવાર નદીને કિનારે વિકસેલું આ રળિયામણું શહેર આજે ઔદ્યોગિક પ્રદૂષણનું શિકાર બન્યું છે. ન્યૂજર્સી રાજ્યનું આ મહત્ત્વનું ઔદ્યોગિક શહેર ખનિજતેલ શુદ્ધીકરણ, વિશાળ જહાજવાડો તેમજ લોખંડ-પોલાદનાં અનેક ઔદ્યોગિક નિગમો ધરાવે છે. ઍપેલિશિયન પર્વતમાળામાં આવેલાં લોખંડ અને કોલસાનાં વિશાળ ક્ષેત્રોની નજીક આ શહેર આવેલું છે. શહેરની ઉત્તરે યુ.એસ.નું સૌથી મોટું અને મહત્ત્વનું ન્યૂયૉર્ક બંદર આવેલું છે, જ્યારે તેની દક્ષિણે ઔદ્યોગિક શહેર ફિલાડેલ્ફિયા આવેલું છે. લેકા વૅક્સન અને ડેલવાર નદીના ત્રિકોણપ્રદેશ(delta)માં આવેલું આ શહેર જળ, જમીન અને હવાઈ માર્ગે યુ.એસ.ના ન્યૂજર્સી રાજ્યનાં ઘણાં મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે.
જૂના વસાહતીઓ દ્વારા ઊભી થયેલી ઇમારતો સાથે ગગનચુંબી ઇમારતોથી શોભતું ન્યૂજર્સી રાજ્યનું આ શહેર સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વહીવટી દૃષ્ટિએ પણ મહત્ત્વનું છે.
સૌપ્રથમ અંગ્રેજ, ત્યાર બાદ ડચ અને છેલ્લે સ્વીડિશ પ્રજા અહીં આવીને વસી હતી. 1643માં સ્વીડનથી લશ્કરી અધિકારી જ્હૉન પ્રિન્ટ્ઝની આગેવાની હેઠળ એક વસાહતી જૂથ અહીં આવીને રહેલું. જોકે આ અગાઉ અહીં ડચ પ્રજાએ આગવી કિલ્લેબંધી કરી દીધી હતી.
મહેશ મ. ત્રિવેદી