ડેલબ્રુક, મૅક્સ (જ. 4, સપ્ટેમ્બર 1906, બર્લિન, જર્મની; અ. 10 માર્ચ 1981, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : જર્મન વિજ્ઞાની. તેમને આલ્ફ્રેડ ડી. હર્ષી અને સાલ્વેડોર એડવર્ડ લુરિયા સાથે વિષાણુઓની જનીની સંરચના (genetic structure) અને સંખ્યાવૃદ્ધિની પ્રવિધિઓ અંગેના સંશોધન માટે 1969નું શરીરક્રિયા વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. તેઓ ભૌતિકશાસ્ત્રી નેઇલ્સ બોહરના વિદ્યાર્થી હતા અને કુદરતી પ્રક્રિયા(natural phenomenon)ની ગાણિતિક તપાસણી અંગે શીખ્યા હતા. તેમણે તેમની તપાસ-પ્રણાલી માટે
ઈ. કોલી જીવાણુને અસર કરતો ‘I’ ભક્ષી પ્રકારનો જીવાણુભક્ષી (bacteriophage) વિષાણુને પસંદ કર્યો હતો. તેમણે તેના સંવર્ધન માટે પ્રમાણો નક્કી કર્યાં, તેનો ‘ગ્રહણકાળ’ (eclipse period) અને અવ્યક્ત કાળ (latent period) દર્શાવ્યા તથા સંતતિ(progeny)ના ઉત્પાદનનું પ્રમાણ પણ દર્શાવ્યું. વારસાગત વિકૃત વિષાણુઓ શોધ્યા (1940) અને સહ-ચેપ(co-infection)ની પ્રક્રિયા દ્વારા ભક્ષી-જનીનનો જનીની નકશો તૈયાર કર્યો. 1943માં પ્રકાશિત થયેલાં લુરિયાના સહકારમાં તેમણે લખેલાં સંશોધનપત્રો નોંધપાત્ર હતાં.
શિલીન નં. શુક્લ