ડેમોસ્થિનિસ (જ. ઈ. સ. પૂ. 384, ઍથેન્સ; અ. 12 ઑક્ટોબર ઈ. સ. પૂ. 322, કેલોરિયા) : ઍથેન્સનો રાજનીતિજ્ઞ પુરુષ અને પ્રાચીન ગ્રીસનો એક મહાન લોકશાહીપ્રેમી, વક્તા તથા વિદ્વાન. તેનો જન્મ શ્રીમંત કુટુંબમાં થયો હતો. શરૂઆતમાં એનું શારીરિક સ્વાસ્થ્ય નબળું હતું. એની જીભ થોથવાતી હતી. પણ એણે દરિયાકિનારે અને અરીસા સામે એકાંતમાં બોલવાની તાલીમ લઈને આ ખામી દૂર કરી હતી. તેણે સગાંઓ સામે લડીને પોતાની ગયેલી મિલકત પાછી મેળવી હતી. અદાલતમાં એ પોતે જ પોતાનો મુકદ્દમો લડ્યો હતો. તેણે ગ્રીસના ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો. થુસીડાઇડ્ઝે લખેલા પેલોપોનેશિયન યુદ્ધના ઇતિહાસને આત્મસાત્ કરવા એણે આઠ વખત એની નકલ કરી હતી. એ ઘણી મહેનત કરીને પ્રવચન કરવાની કળા અને દલીલો કરવાની પદ્ધતિ શીખ્યો હતો. શરૂઆતમાં એ અન્યને પ્રવચનો લખી આપીને પણ આવક ઊભી કરતો.

એણે મેસિડોનિયાના ફિલિપ (સિકંદરના પિતા) વિરુદ્ધ જે પ્રવચનો આપ્યાં હતાં તે ‘ફિલિપિક્સ’ તરીકે ઓળખાય છે. ઈ. સ. પૂ. 330માં એણે ‘ઑન ધ ક્રાઉન’ નામનું જે પ્રવચન આપ્યું એ એની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રવચન હતું. ઍથેન્સમાં એસ્કીનસ નામનો નેતા અને વક્તા તેનો પ્રબળ દુશ્મન હતો. ઍથેન્સમાં એસ્કીનસ  મેસિડોનિયાના ફિલિપની તરફેણ કરતો હતો  જ્યારે ડેમોસ્થિનિસ ફિલિપને સામ્રાજ્યવાદી અને જંગલી વિજેતા ગણતો હતો. તેણે 30 વર્ષ સુધી ઍથેન્સના લોકોની આગેવાની લઈને ફિલિપનો વિરોધ કર્યો; છતાં ફિલિપ અને એના પુત્ર સિકંદરે લશ્કરી તાકાતથી ગ્રીસનાં રાજ્યો જીતી લીધાં.

ડેમોસ્થિનિસ

ડેમોસ્થિનિસનાં અંતિમ વર્ષોમાં લાંચ લીધાના આક્ષેપ હેઠળ તેને જેલની સજા થઈ. તે જેલમાંથી ફરાર થયો અને ઍથેન્સ છોડી ગયો. એ પછી એ  ઘણો હેરાન થયો. યાતનાઓમાંથી બચવા એણે ઝેર પીને જીવનનો અંત આણ્યો.

ડેમોસ્થિનિસ પ્લેટો અને ઍરિસ્ટોટલનો સમકાલીન હતો. તે લોકશાહીના ચાહક અને મહાન વક્તા તરીકે પ્રસિદ્ધ છે. રોમન રાજકારણી સિસેરો, ઇંગ્લૅન્ડનાં રાણી ઇલિઝાબેથ પ્રથમ, ફ્રેન્ચ મુત્સદ્દી જ્યૉર્જ ક્લેમેન્શો વગેરેએ ડેમોસ્થિનિસનાં પ્રવચનોનો અભ્યાસ કરી એમાંથી પ્રેરણા અને જ્ઞાન પ્રાપ્ત કર્યાં હતાં.

મુગટલાલ પોપટલાલ બાવીસી