ડેનિંગ, લૉર્ડ (જ. 23 જાન્યુઆરી 1899, વ્હાઇટ ચર્ચ, ઇંગ્લૅન્ડ; અ. 5 માર્ચ 1999) : બ્રિટનના વિખ્યાત ધારાશાસ્ત્રી, વિચક્ષણ ન્યાયાધીશ અને સમર્થ વક્તા. મૂળ નામ આલ્ફ્રેડ થૉમસન. પછીથી તે બૅરન ડેનિંગ ઑવ્ વ્હાઇટ ચર્ચ નામે ઓળખાયા. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1923માં તે વકીલાતના વ્યવસાયમાં જોડાયા અને 1938માં કિંગ્ઝ કાઉન્સેલ બન્યા. 1944માં હાઈકોર્ટ જજ તરીકે નિમણૂક પામ્યા. 1948માં તેમને ‘લૉર્ડ જસ્ટિસ ઑવ્ અપીલ’નો હોદ્દો આપવામાં આવ્યો. 1957માં તેઓ ‘લૉર્ડ ઑવ્ અપીલ ઇન ઑર્ડિનરી’ના હોદ્દે નિમાયા. પછી તે ‘લાઇફ પીઅર’ થયા. 1962માં ન્યાયતંત્રનો ઉચ્ચતમ હોદ્દો ‘માસ્ટર ઑવ્ રોલ્સ’ તેમણે સંભાળ્યો (1962–82).

1963માં ઇંગ્લૅન્ડના સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર વૉર સર જ્હૉન પ્રોફ્યુમોના નામ સાથે સંકળાયેલા ‘પ્રોફ્યુમો કૌભાંડ’ની તપાસનું કાર્ય તેમને સોંપવામાં આવ્યું.

માસ્ટર ઑવ્ રોલ્સ તરીકે તેમણે આપેલા ચુકાદાઓમાંથી ઘણા ચુકાદા વિવાદાસ્પદ રહ્યા છે. ન્યાયાધીશ તરીકેનો એમનો અભિગમ સ્વીકૃત ચીલાચાલુ કાયદો લાગુ કરવા કરતાં ન્યાયી પરિસ્થિતિ ઉત્પન્ન કરવાનો રહ્યો હતો.

‘સ્મિથ્સ લીડિંગ કેસીસ’નું સંપાદન એમણે કરેલું છે. એમની સાથેની મુલાકાતોની ત્રણ ટેપ ઉપલબ્ધ છે.

કાયદામાં ન્યાય અને સુધારો એે તેમના પ્રિય વિષયો રહ્યા છે. તેમનું ‘વૉટ નેકસ્ટ ઇન લૉ’ પુસ્તક આ ઉદ્દેશથી લખાયેલું છે. ‘લૉ લૉર્ડ્ઝ’ વિશે તે જણાવે છે કે સામાન્ય માન્યતા એવી છે કે તે કદાપિ ભૂલ કરતા નથી, પરંતુ હવે અનુગામી લૉ લૉર્ડ્ઝને પ્રતીતિ થઈ છે કે તેઓ પણ ભૂલો કરે છે. ખટલામાં રજૂ થતી દલીલો લેખિત નહિ પરંતુ મૌખિક હોવી જોઈએ. કાયદાના ક્ષેત્રમાં વકીલોની જરૂરત હોવી જ ન જોઈએ અને કાયદો સાધારણ માણસને સમજાય તેવી ભાષામાં હોવો જોઈએ એમ તે માને છે.

લૉર્ડ ડેનિંગે આપેલા ચુકાદાઓમાં ‘શીખ ટર્બન કેસ’ (1982) જાણીતો છે, જે અપીલમાં કોર્ટમાં કાયમ રહ્યો પરંતુ આ ચુકાદાને જુલમી અને લૉર્ડ ડેનિંગને વંશીય લઘુમતીઓની વિરુદ્ધના જજ તરીકે ઓળખાવવામાં આવ્યા. પછીથી આ ચુકાદાને હાઉસ ઑવ્ લૉડર્ઝે ઉલટાવી નાખ્યો.

જ્યૂરી અને બ્લૅક જજીઝ વિશેના તેમના વિચારોએ 1982માં તેમની સામે એક પ્રચંડ વિરોધ ઉત્પન્ન કર્યો અને તેમના પર બદનક્ષીનો દાવો માંડવામાં આવે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. બ્લૅક જજીઝ તરફથી એમને નિવૃત્ત કરવાની માગ થઈ. મુક્ત વર્તમાનપત્રો માટે તેમણે  ઘણી તરફદારી કરી હતી.

કાયદો અને તેના અમલ વિશેનાં તેમનાં પુસ્તકોમાં ‘ધ ડીસિપ્લીન ઑવ્ લૉ’ (1979), ‘ધ ડ્યુ પ્રોસેસ ઑવ્ લૉ’ (1980), ‘ધ ફૅમિલી સ્ટોરી’ (1981), ‘વૉટ નેક્સ્ટ ઇન લૉ’ (1982), ‘ધ ક્લોઝિંગ ચૅપ્ટર’ (1983), ‘લૅન્ડમાર્ક્સ ઇન ધ લૉ’ (1984) ઉપરાંત એમણે આપેલાં વ્યાખ્યાનો ‘ફ્રીડમ અન્ડર ધ લૉ,’ ‘ધ ચેન્જિંગ લૉ’ અને ‘ધ રોડ ટુ જસ્ટિસ’ નોંધપાત્ર છે.

ભાનુપ્રસાદ મ. ગાંધી