ડૅન્યૂબ : યુરોપની એક મોટી નદી. ભૌગોલિક સ્થાન મુખ્ય ભાગ : 45° 10´ ઉ. અ. અને 29° 50´ પૂ. રે. લંબાઈની બાબતમાં આ ખંડની નદીઓમાં વૉલ્ગા પછી તેનો બીજો ક્રમ આવે છે. લંબાઈ આશરે 2860 કિમી. જર્મનીના બ્લૅક ફૉરેસ્ટ પર્વતમાંથી તે ઉદભવે છે અને કાળા સમુદ્રને મળે છે. તે મધ્ય અને દક્ષિણ-પૂર્વ યુરોપના જર્મની, ઑસ્ટ્રિયા, ચેક પ્રજાસત્તાક અને સ્લોવાકિયા, હંગેરી, સ્લોવેનિયા ક્રોએશિયા, બલ્ગેરિયા, રુમાનિયા અને રશિયા – એમ નવ દેશોમાંથી પસાર થાય છે.

બુડાપેસ્ટ નગર પાસે વહેતી ડૅન્યૂબ નદી

તેને મળતી ઉપનદીઓની સંખ્યા લગભગ 300 જેટલી છે, જેમાંથી 34 વહાણવટા માટે યોગ્ય છે. તેનો તટપ્રદેશ આશરે 8,16,000 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલો છે.

આ નદી એક વ્યાપારી જળમાર્ગ તરીકે ઉત્તમ સેવા પૂરી પાડે છે. જોકે તેના પ્રવાહ સાથે તે જે બોજ ઘસડી લાવે છે તેમાં ક્વાટર્ઝના કણોનું પ્રમાણ 95 % જેટલું હોય છે, જે નદીતળમાં આગળ ને આગળ ખસતા રહે છે અને ખરાબા કે રેતાળ ટેકરીઓ(shoals)ની રચના કરે છે. આ નદી પર અનેક બંદરો આવેલાં છે. આ પૈકી રશિયાનાં ઇઝમાઇલ અને રેની; રુમાનિયાનાં ગૅલાટી, બ્રેઇલા અને ગ્યુર્જુ; સ્લોવેનિયાનાં રુઝ, લોમ અને બેલગ્રેડ; હંગેરીનાં ડ્યુનોહવારોસ અને બુડાપેસ્ટ; ચેક પ્રજાસત્તાકનાં કોમાર્નો અને બ્રૅટિસ્લાવા; ઑસ્ટ્રિયાનાં વિયેના અને લિન્ઝ તેમજ જર્મનીના રેગેન્સ્બર્ગ જેવાં બંદરો મુખ્ય છે.

ખેતીમાં સિંચાઈ કરવા માટે ડૅન્યૂબનાં જળ ઉપયોગમાં લેવાય છે. એવી જ રીતે ઘણાં ઔદ્યોગિક મથકોને પણ તે પાણી પૂરું પાડે છે. આ નદી પર ભૂતપૂર્વ યુગોસ્લાવિયા અને રુમાનિયાની આ  સહિયારી ‘જેરડૅપ ઉચ્ચબંધ અને આયર્ન ગેટ જળવિદ્યુત મથક’ નામની પરિયોજના થઈ છે, જે 1,05,200 કિ.વૉ.ની જળવિદ્યુત ઉત્પાદનક્ષમતા ધરાવે છે. વળી રુમાનિયા અને બલ્ગેરિયાએ ડૅન્યૂબ નદી પર બંધ બાંધવાનું આયોજન કર્યું છે.

રહાઇન અને ડૅન્યૂબને તેમજ ડૅન્યૂબ, ઓડર અને એલ્બ નદીઓને નહેરો દ્વારા સાંકળવા માટેનું આયોજન થયેલું છે.

બીજલ પરમાર