ડેનવર : યુ.એસ.ના કૉલોરાડો રાજ્યનું પાટનગર તથા મહત્વનું વ્યાપારી મથક. ભૌ. સ્થાન : 39o 44’ ઉ.અ. અને 104o 59’ પ.રે. રૉકી પર્વતમાળાની પૂર્વે 16 કિમી. અંતરે સાઉથ પ્લૅટ નદી પર તે વસેલું છે. સમુદ્રની સપાટીથી 16 કિમી. ઊંચાઈ પર હોવાથી ‘હાઈ સિટી’ તરીકે તે ઓળખાય છે. નગરનો કુલ વિસ્તાર 155 ચોકિમી. તથા નગરની કુલ વસ્તી આશરે 9 લાખ (2022). મહાનગર સાથેની કુલ વસ્તી 39,63,821 (2022) છે.

જાન્યુઆરી માસમાં ત્યાંનું સરેરાશ તાપમાન 2° સે. તથા જુલાઈ માસમાં તે 23° સે. હોય છે. નગરમાં વાર્ષિક સરેરાશ વરસાદ 405 મિમી. પડે છે.

રૉકી પર્વતમાળા વિસ્તારના ઉત્પાદન, વહેંચણી અને વાહન-વ્યવહારના કેન્દ્ર તરીકે આ નગરનો વિકાસ થયેલો છે. નગરમાં ઔદ્યોગિક ચીજવસ્તુઓ, ખાદ્યપ્રક્રમણ, વાહનવ્યવહારનાં ઉપકરણો, લશ્કરની જરૂરિયાતનાં સાધનો, રબરની ચીજવસ્તુઓ, ઊર્જાને લગતાં ઉપકરણો તથા ઉચ્ચકક્ષાની ટૅક્નૉલૉજી સાથે સંકળાયેલ સાધનોનું  ઉત્પાદન થાય છે. ઉપરાંત, તે ઢોરઢાંખરના મહત્ત્વના ઉછેરકેન્દ્ર તરીકે ખ્યાતિ ધરાવે છે.

નગરમાં ખ્યાતિ ધરાવતાં વસ્તુસંગ્રહાલયો, સ્ટેટ હિસ્ટૉરિકલ મ્યુઝિયમ, સિમ્ફની ઑર્કેસ્ટ્રા અને નાટ્યગૃહો આવેલાં છે. ત્યાં ફૂટબૉલ તથા બાસ્કેટબૉલ ખૂબ લોકપ્રિય છે. શિયાળાની રમતોનું તે જાણીતું કેન્દ્ર છે. પર્વતીય વિસ્તારના પર્યટકો માટે આ નગર પ્રવેશદ્વાર ગણાય છે. નગરમાં 1740 હેક્ટર જમીન પર તથા આજુબાજુના ડુંગરાળ વિસ્તારમાં 5500 હેક્ટર જમીન પર જાહેર ઉદ્યાનો ઊભાં કરવામાં આવ્યાં છે.

નગરમાં આવેલ યુનિવર્સિટી ઑવ્ કૉલોરાડો તથા યુનિવર્સિટી ઑવ્ ડેનવર (1864) ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે.

1858માં ડેનવરમાં સોનાની ખાણોની શોધ થતાં ત્યાં વસવાટ શરૂ થયો. 1861માં તેને નગરનો દરજ્જો એનાયત થયો. 1870માં ડેનવર પૅસિફિક રેલવેનો પ્રકલ્પ પૂરો થયો ત્યારપછી નગરની વસ્તીમાં ઝડપથી વધારો થતો ગયો. 1880–1900 દરમિયાન ચાંદીની ખાણો  મળી આવતાં વસ્તી વધવાની પ્રક્રિયાને વધુ વેગ મળ્યો. 1910માં ત્યાં વ્યાપાર અને વાણિજ્યનું પ્રાદેશિક કેન્દ્ર સ્થાપવામાં આવ્યું. સાથોસાથ નગરના અગ્નિ દિશાના વિશાળ વિસ્તારમાં ડેનવર ટૅક્નિકલ સેન્ટર અને વિવિધ કાર્યાલયોનાં સંકુલ ઊભાં કરવામાં આવ્યાં, જ્યાં સેંકડો કંપનીઓએ પોતાનાં મુખ્યાલયો કેન્દ્રિત કર્યાં છે. 1927માં પર્વતીય વિસ્તારને આવરી લેતા રેલમાર્ગોનો વિકાસ થયો જેને લીધે પર્યટન વ્યવસાયને પ્રોત્સાહન મળ્યું. અહીં લશ્કરનાં મથકો અને ટંકશાળ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે