ડેથ ઑવ્ અ સેલ્સમૅન (1949) : અમેરિકન લેખક આર્થર મિલરનું નાટક. પ્રથમ વાર ભજવાયું અને પ્રકાશન પામ્યું કે તરત જ વિવેચકો તરફથી તેને સહજ આવકાર સાંપડ્યો. ન્યૂયૉર્ક સિટીના મૉરોસ્કો થિયેટરમાં તેના 742 પ્રયોગો થયા અને પુલિત્ઝર પ્રાઇઝ તેમજ ન્યૂયૉર્ક ડ્રામા ક્રિટિક્સ સર્કલ ઍવૉર્ડ એમ  બંને ઇનામોનું તે વિજેતા બન્યું.

નાટ્યવસ્તુના કેન્દ્રસ્થાને છે બિલી લોમન  નામનો ફરતો સેલ્સમૅન. પોતાની સફળતા વિશે તેણે પોતાના પરિવાર તથા મિત્રો સમક્ષ જૂઠાણું ચલાવ્યું હોય છે. કમાણી રળવા અને પોતાનું વ્યક્તિત્વ ઉપસાવવા તેણે 35 વર્ષ સુધી રસ્તે રસ્તે ફરીને વેચાણ વધારવા કોશિશ કરી છે. વેચાણ વધે તો પોતાની કિંમત ઊંચી અંકાય એવી તેની ગણતરી છે. પરંતુ 35 વર્ષના લગભગ નિષ્ફળ પરિશ્રમ પછી હવે તે થાક્યો છે, તે રસ્તા ભૂલી જાય છે અને મોટર પણ ઘણી વાર રસ્તાની બાજુ પર ચઢાવી દે છે. તેની પ્રેમાળ પત્ની લિંડા તથા માતાપિતાને મળવા આવેલા બે ઉંમરલાયક પુત્રો બિફ તથા હૅપી બિલીની ચિંતા કરતા હોય છે.

બિલી યુવાન વયે જેટલું વેચાણ કરતો હતો એટલું હવે નથી કરી શકતો એ કારણસર તેને છેવટે નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે. તે પોતાના ભૂતકાળના મહત્વના પ્રસંગો વાગોળવા માંડે છે. એક વખત તેણે પોતાના પુત્રને સફળતા તથા ચાહના મેળવવામાં જરૂર પડ્યે જૂઠાણું ચલાવવા પ્રોત્સાહન આપ્યું હતું; એક વખત પિતાની સલાહ લેવા તેમના હોટેલ-રૂમ પર અચાનક જઈ પહોંચેલો તેમનો મોટો  પુત્ર તેમને પરસ્ત્રી સાથે જોઈ ગયો હોય છે. જિંદગીમાં સફળ નીવડેલાં પોતાનાં ભાઈબહેન સાથે તે કાલ્પનિક વાતો કરતો હોય છે.  છેવટે તે નક્કી કરે છે કે જીવતા રહેવા કરતાં તે મૃત્યુ  પામે તો તેની કિંમત વધારે અંકાશે. કારણ કે તેના વીમાનાં  નાણાંથી તેના કુટુંબને ટેકો મળી રહેશે અને જીવનમાં  પ્રગતિ કરવામાં બિફને પણ એ નાણાં  સહાયરૂપ નીવડશે. આવો નિર્ણય કરીને તે પોતાની કારની અંતિમ સફરમાં મૃત્યુને નોતરે છે.

નાટકના નાયકના આત્મહત્યાના આ પગલામાં, અમેરિકાવાસીના સપનાનું અંતિમ હતાશાભર્યું તથા કારુણ્યલક્ષી પ્રતિપાદન લેખવું કે કાયરતા તથા આપમતલબીપણાના કૃત્ય તરીકે લેખવું એ વિશે મતભેદ  રહ્યો છે.

મહેશ ચોકસી