ડેક્સ્ટ્રોપોપૉક્સિફૅન : અફીણાભ (opioid) જૂથનું પીડાનાશક ઔષધ. તેના 4 ત્રિપરિમાણી સમસંરચિત (stereoisomers) પ્રકારો છે જેમાંના આલ્ફા ઉપપ્રકાર(racemate)ને પ્રોપૉક્સિફૅન કહે છે અને તે દુખાવો ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. તેના ડેકસ્ટ્રૉચક્રીય (dexrorotatory) સમસંરચિત પ્રકારને ડી-પ્રોપૉક્સિફૅન કહે છે અને તેમાં પીડાનાશનનો ગુણધર્મ રહેલો છે. તે એક કેન્દ્રીય ચેતાતંત્ર પર અસર કરતો મંદ પ્રકારનો પીડાનાશક (analgesic) છે. તેની સંરચના મિથાડોનને મળતી આવે છે.
ઔષધશાસ્ત્રીય ક્રિયાઓ : તે મૉર્ફિન અને અન્ય અફીણાભ ઔષધો જે મ્યુ-અફીણાભ સ્વીકારકો (receptors) સાથે જોડાઈને તેમની કેન્દ્રીય ચેતાતંત્ર પર વિવિધ અસરો ઉપજાવે છે, તેની સાથે જોડાય છે તથા દુખાવો ઘટાડે છે. તેની ક્ષમતા કોડિન કરતાં અર્ધી કે બેતૃતીયાંશ જેટલી જ છે. તેને મુખમાર્ગે અપાય છે તે પછી 1થી 2 કલાકમાં તેની રુધિર-સપાટી (blood lavel) ટોચ પર પહોંચે છે. તેનો અર્ધસાંદ્રતાકાળ (half life) 6થી 12 કલાક છે અને તેથી તેટલા સમયમાં તેની રુધિર-સપાટી અર્ધા જેટલી થઈ જાય છે. તેનું ચયાપચય થાય છે અને તેનું મુખ્ય ચયાપચયી શેષદ્રવ્ય નોરપ્રોપૉક્સિફૅન છે, જે N-ડીમિથાઇલેશન નામની પ્રક્રિયા વડે ઉત્પન્ન થાય છે. નોરપ્રોપૉક્સિ-ફૅનનો અર્ધસાંદ્રતાકાળ 30 કલાકનો છે.
વિષતા : તે ક્યારેક શ્વસનક્રિયાને મંદ કરે છે. તેની આ પ્રકારની ઝેરી અસર કોડિન કરતાં ત્રીજા ભાગની છે. જો મોટી માત્રામાં લેવાય તો તે કેન્દ્રીય ચેતાતંત્ર તથા શ્વસનતંત્રનું અવદાબન કરે છે. ક્યારેક ખેંચ અથવા આંચકી (convulsion), વિભ્રમ (debution), ભ્રાંતિ (hallucination), માનસિક ગૂંચવણ (confusion), હૃદય પર ઝેરી અસરો, ફેફસામાં પાણી ભરાવું અથવા ફેફ્સીશોફ (pulmonary oedema) વગેરે વિવિધ આડઅસરો પણ કરે છે. તેની ઝેરી અસરો સામે નેલોક્ઝોન અસરકારક અને ઉપયોગી ઔષધ છે. તેથી તેને તેનું પ્રતિવિષ (antidote) કહે છે. તેનાથી ક્યારેક વ્યસનાસક્તિ થાય છે તેથી તેનો કુપ્રયોગ (abuse) થવાની સંભાવના રહે છે. તેને ચામડી નીચે કે નસમાં આપવામાં આવે ત્યારે તે નસો અને પેશીઓને ઈજા પહોંચાડે છે અને ત્યાં ચચરાટ અને બળતરા થાય છે. તેથી તે ફક્ત મુખમાર્ગે જ અપાય છે.
ઔષધિઓ અને ચિકિત્સાલક્ષી ઉપયોગો : તે હંમેશાં પેરાસિટેમોલ કે આઇબ્રુપ્રોફૅન જેવાં પીડાનાશકો સાથે જ અપાય છે અને તેનો મુખ્ય ઉપયોગ મંદ કે મધ્યમ તીવ્રતાવાળા દુખાવાને કાબૂમાં લેવા માટે કરાય છે.
શિલીન નં. શુક્લ
સંજીવ આનંદ