ડેઇલી મેઇલ : બ્રિટનનું સવારનું લોકપ્રિય અંગ્રેજી દૈનિક વર્તમાનપત્ર. તે લંડનથી પ્રસિદ્ધ થાય છે. આલ્ફ્રેડ હાર્મ્સવર્થે (જે પાછળથી વાઇકાઉન્ટ નૉર્થક્લિફ કહેવાયા) 1896માં તેની સ્થાપના કરેલી. અત્યાર સુધી બ્રિટિશ પત્રોમાં સ્થાનિક સમાચાર પર વિશેષ ધ્યાન અપાતું. ‘ડેઇલી મેઇલે’ તેનો વ્યાપ વિસ્તાર્યો. તેમાં પરદેશોની નોંધપાત્ર ઘટનાઓને આવરી લેવાનો પ્રયાસ થયો. એ સમયમાં બ્રિટિશ સામ્રાજ્ય વિશ્વભરમાં પથરાયેલું હતું. તેથી મેઇલના આ અભિગમને વાચકોએ વધાવી લીધો. બ્રિટિશ સામ્રાજ્યવાદી માનસને પારખીને આ પત્રે પણ તેની નીતિમાં સામ્રાજ્યવાદી વલણને સમર્થન આપી ટૂંકા સમયમાં ભારે લોકચાહના મેળવી. ઉદાહરણો : ‘અંગ્રેજ શાસન સામે બળવો કરી પોતાને પંજાબના મહારાજા ઘોષિત કરવા માગતા લાલા લજપતરાયના પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવાયા, પ્રસંગ : અઢારસો સત્તાવનના વિપ્લવની સુવર્ણજયંતી. જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી મેઇલે હત્યાકાંડના સર્જક જન. ડાયરના કૃત્યને ઉચિત ઠરાવતો સમાલાપ પ્રસિદ્ધ કર્યો. 1903માં નૉર્થક્લિફે અડધા કદના સચિત્ર વૃત્તપત્ર તરીકે ‘ડેઇલી મિરર’ની સ્થાપના કરી. તેમાં વ્યક્તિલક્ષી સનસનાટીભર્યાં વૃત્તાંતોનું પ્રાધાન્ય રહ્યું. આ બે પત્રોએ બ્રિટનનાં પ્રતિષ્ઠિત ‘ધ ટાઇમ્સ’ અને ‘ડેઇલી ટેલિગ્રાફ’ જેવાં વૃત્તપત્રોના ફેલાવાને અસર કરી. અત્યારે 1996માં ‘ડેઇલી મેઇલ’ લંડનથી પ્રકાશિત થતાં વર્તમાનપત્રોમાં ‘સન’ અને ‘ડેઇલી મિરર’ પછી ત્રીજા ક્રમનું સૌથી મહત્વનું દૈનિક ગણાય છે. તેનો વર્તમાન ફેલાવો દૈનિક 17 લાખ ઉપરાંત નકલોનો છે, જે ‘ડેઇલી ટેલિગ્રાફ’ના ફેલાવા કરતાં પોણાબે ગણો અને ‘ધ ટાઇમ્સ’ના ફેલાવા કરતાં સવાચાર ગણો કરતાં વધારે છે.
મહેશ ઠાકર