ડૅવિડસન, ઍલન કીથ (જ. 14 જૂન 1929, લીસારોવ, ન્યૂ સાઉથવેલ્સ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ડાબોડી ઑલરાઉન્ડર ક્રિકેટ-ખેલાડી. પ્રારંભમાં ડાબા હાથે ચાઇનામેન પ્રકારની સ્પિન ગોલંદાજી કરનાર ડેવિડસન પોતાની ઊંચાઈ, મજબૂત ખભા અને કદાવર બાંધાને કારણે પંદર ફાળ ભરીને દડો વીંઝતાં ઝડપી ગોલંદાજ બન્યા. નવા દડાને હવામાં અને પીચ પડ્યા પછી વિલંબથી (લેઇટ) વળાંક આપી શકતા ડેવિડસને 1953માં ઇંગ્લૅન્ડના ટેન્ટબ્રિજના મેદાન પર ખેલીને ટેસ્ટપ્રવેશ કર્યો. સફળ ઝડપી ગોલંદાજ, આક્રમક બૅટ્સમૅન અને વિકેટની નજીક અને દૂરના કુશળ ફિલ્ડર તરીકે જાણીતા ડૅવિડસન ટેસ્ટમાં વિરલ સફળતા મેળવનાર ખેલાડી ગણાય છે. 1958–59માં ઇંગ્લૅન્ડની શ્રેણીમાં 24 વિકેટો ઝડપી હતી. 1960–61માં વેસ્ટ ઇન્ડિઝ સામે તેમણે 18–54ની સરેરાશથી 33 વિકેટો ઝડપી હતી. બ્રિસ્બેન ખાતે 1961માં ‘ટાઇ’ થયેલી. ઑસ્ટ્રેલિયા-વેસ્ટઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટમાં તેમણે બંને દાવમાં મળી 100 ઉપરાંત રન નોંધાવ્યા હતા અને કુલ 11 વિકેટો ઝડપી હતી. એક જ ટેસ્ટમાં કુલ 100 રન અને 10 વિકેટ મેળવનાર ક્રિકેટવિશ્વના તે પ્રથમ ખેલાડી બન્યા. 1959–60ના ભારતપ્રવાસ દરમિયાન કાનપુરની ટેસ્ટમાં તેમણે એક દાવમાં 7 વિકેટો ઝડપી હતી.
ઍલન ડેવિડસને 1949થી 1963ના ગાળામાં પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 32.86ની સરેરાશથી કુલ 6804 રન નોંધાવ્યા હતા, જેમાં 9 સદીનો સમાવેશ થાય છે. કુલ 20.90ની સરેરાશથી 672 વિકેટો ઝડપી હતી અને 168 કેચ ઝડપ્યા છે. 44 ટેસ્ટ મૅચોમાં તેમણે કુલ 1328 રન નોંધાવ્યા હતા અને 186 વિકેટો તથા 42 કૅચ ઝડપ્યા હતા. બૅંકમાં કારકુન, મૅનેજર અને સ્પૉટર્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર તરીકે કામગીરી બજાવનાર ઍલન ડેવિડસનને ક્રિકેટની રમતમાં કરેલા પ્રદાન માટે ‘ઓબીઈ’ (Officer of the Order of the British Empire) ખિતાબ મળ્યો છે.
કુમારપાળ દેસાઈ
જગદીશ બિનીવાલે