ડૂશાં, માર્સેલ (જ. 28 જુલાઈ 1887, બ્લેનવિલ, ફ્રાંસ; અ. 2 ઑક્ટોબર 1968, ફ્રાંસ) : ફ્રાંસના ચિત્રકાર તથા કલાસિદ્ધાંતના પ્રણેતા. 1915માં તે ન્યૂયૉર્ક ગયા અને ન્યૂયૉર્કની દાદાવાદની કલાઝુંબેશના એક અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા. વળી ભવિષ્યવાદ (futurism) અને ઘનવાદ (cubism) જેવા નવતર કલાપ્રવાહો સાથે પણ તે સંકળાયેલા હતા. તેમનાં ચિત્રોની સંખ્યા ઝાઝી નથી પરંતુ વીસમી સદીના કલાપ્રવાહ વિશે પ્રભાવ જમાવનાર કેટલીક મહાન પ્રતિભામાં તેમની ગણના થાય છે. 1907 પહેલાંનાં તેમનાં ચિત્રો સચવાયાં નથી. 1907થી 1910 વચ્ચે તેમણે સેઝૉનની કેટલીક અસર અપનાવી તથા ફોવવાદ(fauvism)ના પ્રભાવ હેઠળ અસામાન્ય ભડક અને અન્-અપેક્ષિત રંગો વાપરી ચિત્રો કર્યાં; પણ તેમાં જર્મન અભિવ્યક્તિવાદ(expressionism)ના રંગોની બરછટતા જોવા મળે છે. પછીનાં ચિત્રો એકરંગી (monochromatic) છે, તેથી તેમને રંગધર્મી (colourist) ચિત્રકાર ન કહી શકાય.
‘ધ સનાટા’ તેમનું પ્રથમ મહત્વનું ચિત્ર છે. જૅક્વેવિલો પાસેથી તેમણે નાજુક રંગો સાથે પારદર્શકતા દર્શાવતો ઘનવાદ અપનાવ્યો. ત્યારબાદ તેમનાં ચિત્રોના તૈલ રંગોમાં જળરંગો જેવી પારદર્શકતા ઊપસી આવી. એ પારદર્શકતા સેઝૅનનાં છેલ્લાં તૈલ ચિત્રોને મળતી આવે છે. આ ઉપરાંત એમનાં મહત્વનાં ચિત્રો છે. ‘તુ’ મ’, ‘સૅડ યંગ મૅન ઇન અ ટ્રેન’, ‘ન્યૂડ ડિસેન્ડિંગ અ સ્ટરકેસ’ (1911 અને 1912 એમ બે ચિત્રો), ‘જર્ની ફ્રૉમ વર્જિન ટૂ બ્રાઇડ’, બ્રાઇડ ઇન ન્યૂડ પોઝ’, ‘કિંગ ઍન્ડ ક્વીન સરાઉન્ડેડ બાય ન્યૂડ ફિગર્સ, તથા ‘ચૉકલિટ ગ્રાઇન્ડર’.
આ ચિત્રોમાં ઘનવાદની જેમ ચોસલાબદ્ધ તથા નળાકાર જેવા ભૌમિતિક આકારો રૂપે માનવઆકૃતિઓનું નિરૂપણ તો છે જ પરંતુ ભવિષ્યવાદની માફક આકૃતિઓનું પુનરાવર્તન કરીને તેમાં ગતિમયતા આલેખી છે. ઠંડો કે ગરમ નહિ પણ તટસ્થ તપખીરિયો, ભૂખરો, કાળો, સફેદ જેવા રંગોનો ઉપયોગ થયો છે.
1912માં તેમણે નવો કલાપ્રકાર શોધ્યો અને તેનું નામકરણ કર્યું ‘રેડી-મેડ’. જથ્થાબંધ ધોરણે બનતી વસ્તુઓ(જેમ કે સાઇકલ)માંથી કોઈ મનસ્વી રીતે પસંદ કરીને નિશ્ચિત ઢબે પ્રદર્શિત કરવાની આ શૈલી અનોખી હતી. ‘રેડી-મેડ’ની કેટલીક મહત્વની કૃતિઓ તે આ : ‘બાઇસિકલ વ્હીલ’, ‘બૉટલરૅક’, ‘નેટવર્ક ઑવ્ સ્ટૉપેજિઝ’, ‘ન્યૂ વિન્ડો’ તથા ‘વૉટર વ્હીલ’. આમાં પણ ભૌમિતિક આકારોનું પ્રાધાન્ય રહ્યું છે.
તેમની સૌથી ઉલ્લેખનીય કૃતિ તે ‘ધ બ્રાઇટ સ્ટ્રિપ્ડ બૅર બાય હર બૅચલર્સ, ઇવન’ અથવા ‘ધ લાર્જ ગ્લાસ’ નામની 3.048 મીટરની ઊંચી વિશાળ કૃતિ. 1915થી 1923 એમ આઠ વર્ષના પરિશ્રમ વડે તૈયાર કરેલી આ કાચકૃતિમાં લોખંડના તાર તથા ઍલ્યુમિનિયમના રંગીન વરખનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ‘ન્યૂડ ડિસેન્ડિંગ અ સ્ટેરકેસ’ વડે તેમણે તેમની પેઢીને ચોંકાવી મૂકી હતી. એ જ રીતે 1919માં ‘મોનાલીસા’ને દાઢીમૂછ લગાડીને એ વિખ્યાત ચિત્રકૃતિનું નવસર્જન કરીને તેમણે ભારે ઉત્તેજના ફેલાવેલી. આ ‘રેડી-મેડ’ કૃતિના સર્જન-ઇતિહાસ વિશે તેમણે ‘ગ્રીન બૉક્સ’(1933)માં વિગતનોંધ આપી. તેમણે અમેરિકાના કલા-સામયિક ‘VVV’નું સંપાદન પણ કર્યું (1942–44). જીવનનાં છેલ્લાં 40 વર્ષ તેમણે મોટેભાગે ચેસની રમત પાછળ ગાળ્યાં. કાબેલ ખેલાડી તરીકે તેમણે ચાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ફ્રાંસનું પ્રતિનિધિત્વ કર્યું.
આધુનિક કલાના ક્ષેત્રે શોધકબુદ્ધિ ધરાવનાર કલાકાર, વિવિધ ખ્યાલોમાંથી મુક્તિ અપાવનાર પરિબળ તથા વિભાવનાત્મક કલા-(conceptual art)ના સર્જક તરીકે તેમની ગણના થાય છે. જીવન અને કલા વચ્ચે કોઈ પણ ભેદરેખા નથી એ વિચારના તે સર્વોચ્ચ પુરસ્કર્તા રહ્યા. આવી આત્યંતિક નકારાત્મકતા તથા કલાકૃતિની યથાર્થ સર્જનપ્રક્રિયા પરત્વેની ઘૃણાના પરિણામે ઘેરી હતાશા જન્મે એમ બને. છેવટે સૌંદર્યલક્ષી કલાની વિભાવનાને નાબૂદ કરવાના પ્રયાસોમાં પોતે નિષ્ફળ નીવડ્યા હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.
અમિતાભ મડિયા