ડૂંખ અને ફળની ઇયળ : રીંગણની આ એક અગત્યની જીવાત છે. તેને લ્યુસીનોડસ ઓર્બોનાલીસના વૈજ્ઞાનિક નામથી ઓળખવામાં આવે છે. તેનો રોમપક્ષ શ્રેણીના પાયરેલીડી કુળમાં સમાવેશ થયેલો છે. રીંગણ ઉપરાંત તેનો ઉપદ્રવ બટાટાના પાકમાં પણ જોવા મળે છે. આ કીટકનું ફૂદું મધ્યમ અને સફેદ પાંખો પર મોટા તપખીરિયા રંગના ડાઘાવાળું હોય છે. માથું અને છાતીનો ભાગ કાળાશ પડતા બદામી રંગનો હોય છે. તેની ઇયળો ઝાંખા સફેદ કે આછા ગુલાબી રંગની અને આશરે 12થી 16 મિમી. જેટલી લંબાઈની હોય છે.

આ કીટકની માદા ફૂદી પાનની સપાટી પર સફેદ અને ચપટાં ઈંડાં છૂટાંછવાયાં મૂકે છે. ત્રણથી પાંચ દિવસમાં ઈંડાં સેવાતાં તેમાંથી નીકળેલી નાની ઇયળ શરૂઆતમાં છોડની ડૂંખો કોરી ખાય છે. પરિણામે ડૂંખ ચીમળાઈ જાય છે. ફળ બેસવાનું શરૂ થતાં ઇયળો ફળને કોરીને તેમાં ભરાઈ રહે છે. ઉપદ્રવની કોઈ પણ નિશાની ફળમાં દેખાતી નથી. ફળ ઉપર જે મોટાં કાણાં દેખાય એે ઇયળોને બહાર નીકળવાને લીધે થયેલાં કાણાં હોય છે. ઉપદ્રવ વધારે હોય તો 70 % જેટલાં રીંગણને નુકસાન કરે છે. કોશેટો હોડી જેવા આકારનો હોય છે.

ઉપદ્રવની શરૂઆતમાં નુકસાન પામેલ ડૂંખો ઇયળ સહિત તોડી લઈ તેનો નાશ કરવાથી લાંબા અને પાતળા રીંગણવાળી જાતમાં આ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. રીંગણ ઉતારતાં ન હોય ત્યારે એન્ડો સલ્ફાન 0.09 %, કવીનાલફૉસ 0.05 % અને કાર્બારીલ 0.2 % પ્રવાહી મિશ્રણ પૈકી કોઈ પણ એકનો છંટકાવ કરાય છે. રીંગણ ઉતારવાનું ચાલુ હોય ત્યારે ડીડીવીપી 0.05 % પ્રમાણે પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો પડે છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ