ડૂરેન્ટા : દ્વિદળી વર્ગમાં આવેલ કુળ વર્બીનેસીની ક્ષુપ અને વૃક્ષની બનેલી નાની પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. Duranta repens, Linn. syn. D. plumieri, Jacq. (ગુ. દમયંતી) ભારતમાં પ્રવેશ પામેલી એકમાત્ર જાતિ છે અને વાડની શોભા વધારવા ઉગાડાય છે. તે લગભગ 2.0થી 5.0 મીટર ઊંચી હોય છે. તેની ઝૂકેલી ચતુષ્કોણીય શાખાઓ કક્ષીય પ્રકાંડકંટકો (thorns) વડે રક્ષણ મેળવે છે. D. macrophyllaને કંટકો હોતા નથી. તેનાં પર્ણો સાદાં, સમ્મુખ, અનુપર્ણીય, અંડાકાર કે ઉપવલયાકાર (elliptic) અને ચકચકિત લીલાં કે બહુવર્ણી (variegated) હોય છે. પુષ્પનિર્માણ લગભગ સમગ્ર વર્ષ દરમિયાન સંયુક્ત કલગી (raceme) કે સરળ કલગી  સ્વરૂપે થાય છે. પુષ્પો ભૂરો રંગ ધરાવે છે. ફળ અનષ્ઠિલા (berry) પ્રકારનું, ચળકતું, નારંગી રંગનું અને ગોળ હોય છે.

તેની વિવિધ જાતો પુષ્પના અને પર્ણના રંગ પર આધારિત છે. દા.ત., ‘આલ્બા’ જાત સફેદ પુષ્પ આપે છે. ‘વૅરીગેટા’ જાતનાં પર્ણો બહુવર્ણી હોય છે.

વનસ્પતિ બધા પ્રકારની ભૂમિમાં સારી રીતે થઈ શકે છે. તેનું પ્રસર્જન બીજ કે કટકારોપણ  (cutting) દ્વારા ચોમાસામાં કરવામાં આવે છે. જ્યારે વાડમાં તેનું સમાકૃન્તન (trimming) કરવામાં આવે છે ત્યારે તે મજબૂત ખીચોખીચ અને ઢોરો તેવી વાડમાં પ્રવેશી ન શકે તેવી હોય છે.

પર્ણો સેપોનીન અને ફળ નાર્કોટીનને સમધર્મી (analogous) આલ્કેલૉઇડ ધરાવે છે. તળાવો અને કળણભૂમિમાં ઇયળનાશક (larvicide) તરીકે ફળના રસનો  ઉપયોગ કરી શકાય. તેનું કાષ્ઠ ખરાદીકામ (turnery) માટે અનુકૂળ છે.

મ. ઝ. શાહ