ડૂંડાનો અંગારિયો (ડૂંડાનો આંજિયો) : જુવાર અને બાજરીના પાકમાં ફૂગથી થતો રોગ. જુવારના પાકમાં ખાસ કરીને  સંકર  અને વધુ ઉત્પન્ન આપતી જાતોમાં આ રોગ વધુ જોવા મળે છે. Sphacelotheca sorghi દ્વારા જુવારને અને Tolyposporium penicillariae દ્વારા બાજરીને અંગારિયો રોગ લાગુ પડે છે.

વ્યાધિજન લક્ષણો : ડૂંડું આવે નહિ ત્યાં સુધી અન્ય ભાગમાં એની અસર  વરતાતી નથી. અસરયુક્ત છોડમાં પક્વતા વહેલી આવે છે. અપરિપક્વ અસરયુક્ત નીકળતું  ડૂંડું સફેદ ઝંડિકાના રૂપમાં બહાર નીકળે છે. અસરયુક્ત છોડનાં બધાં જ ડૂંડાં ઉપર રોગની અસર થાય છે. ડૂંડાંમાં બધા જ દાણા રોગયુક્ત બને છે. દાણા કાળા પડવાળી કોથળીના રૂપમાં ફેરવાઈ જાય છે, જે રૂપેરી પડથી આવૃત થયેલી હોય  છે. પડ તૂટતાં  તેમાંથી કાળા કણો વછૂટે છે. આથી એને અનાવૃત અંગારિયો પણ કહે છે.

ડૂંડાંના સમગ્ર દાણામાં અસર થતી હોવાથી તે ડૂંડાંના અંગારિયા તરીકે પણ ઓળખાય છે. કેટલીક વાર ઉપલા દાણામાં અસર થતી હોતી નથી તેથી અડધું ડૂંડું જ અંગારિયાયુક્ત હોય છે.

નિયંત્રણ : 1 કિગ્રા. બીજને 4થી 6 ગ્રામ 200 મેશ ગંધક અથવા 2.5 ગ્રામ એગ્રોસાનની ભૂકીથી 1 કિગ્રા. બીજનો પટ આપી બીજની વાવણી કરવાથી રોગમુક્ત છોડ પેદા થાય છે. આ સાથે સક્રિય કાર્બોફ્યુશનનો 5.0 %નો પટ આપવાથી વધુ ઉત્પાદન મળે છે અથવા 0.1 % થાયરમની સ્લરીનો પટ પણ ફાયદાકારક ગણાય છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ