ડુવર્જર, મૉરિસ (જ. 5 જૂન 1917, એન્ગોલમ, ચાર્નેટ) : વિખ્યાત ફ્રેન્ચ સમાજવિજ્ઞાની. તેમના પક્ષપ્રણાલી અને રાજકીય પક્ષોના આંતરિક સંગઠન અંગેના શકવર્તી વિશ્લેષણે 1950 અને 1960ના દાયકામાં રાજકીય સમાજશાસ્ત્ર અને પક્ષોના રાજકારણના અભ્યાસ માટે નવી દિશા ખોલીને સંખ્યાત્મક અને ગુણાત્મક રીતે આ અભ્યાસોનું સ્તર વધાર્યું છે. 1951માં પ્રથમ ફ્રેન્ચમાં પ્રકાશિત અને ત્યારબાદ 1954માં બાર્બરા અને રૉબર્ટ નૉર્થ દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક ‘પોલિટિકલ પાર્ટીઝ ઍન્ડ ધૅર ઑર્ગેનાઇઝેશન ઍન્ડ ઍક્ટિવિટીઝ ઇન મૉડર્ન સ્ટેટ’માં પ્રથમ વાર જ રાજકીય પક્ષો વિશે વ્યાપક અને સર્વસાધારાણ સૈદ્ધાંતિક રૂપરેખા આપવાનો સફળ પ્રયત્ન થયો છે. ડુવર્જરનું આ પુસ્તક આ પહેલાં લેનિન, મિશેલ્સ, ઑસ્ટ્રોગૉર્સ્કી અને હર્મન ઇત્યાદિએ રાજકીય પક્ષ વિશે કરેલાં લખાણોથી તેના વ્યાપ અને સૈદ્ધાંતિક વિશ્લેષણ પરત્વે તદ્દન જુદું તરી આવતું હતું. તે બે ખંડમાં વહેંચાયેલું છે. પ્રથમ ખંડમાં પક્ષોની આંતરિક સંરચનાની વાત છે, જ્યારે બીજો ખંડ પક્ષપ્રણાલીની ચર્ચા કરે છે. ડુવર્જરનાં તારણો લોકશાહી અને બિનલોકશાહી બંને પ્રકારની પ્રથાના રાજકીય પક્ષોની વર્તણૂકના સંશોધન પર આધારિત હતાં.
ડુવર્જરે શાખા, એકમ, જૂથ અને પક્ષનું લશ્કરી દળ જેવા પક્ષના ઘટકો વિશે વિગતે લખ્યું. તેના નિષ્કર્ષ મુજબ લોકશાહી દેશોમાં પણ મોટાભાગના પક્ષોની આંતરિક સંરચના ઘણી આપખુદીભરી અને લોકતંત્રના પ્રમુખ સિદ્ધાંતોને બંધ બેસે નહિ તેવી હોય છે. પક્ષના નેતાઓ સભ્યો દ્વારા ચૂંટાયેલા નથી હોતા, પરંતુ પ્રભાવશાળી કેન્દ્રીય જૂથ દ્વારા નીમવામાં આવ્યા હોય છે. પક્ષના સંસદીય પ્રતિનિધિઓ પણ પક્ષના શક્તિશાળી આંતરિક વર્તુળને અધીન હોય છે અને તેના આદેશ મુજબ સંસદમાં મતદાન કરે છે. પક્ષ, સંસદ અને સરકાર પર અત્યંત નાના જૂથનું નિયંત્રણ રહે છે.
નાના જૂથના હાથમાં સત્તાનું કેન્દ્રીકરણ થવાને કારણે નેતાગીરી પર સભ્યોનો અંકુશ રહેતો નથી અને ખુશામતની સંસ્કૃતિ વિકસે છે. પક્ષનું સંચાલન લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતાઓ દ્વારા થતું હોય તો પણ તેને ખરી લોકશાહી માનવી ભૂલભરેલું લેખાય, કેમ કે સંચાર માધ્યમોના દુરુપયોગથી આ લોકશાહી નેતાગીરી પોતાનો મત પક્ષ અને રાષ્ટ્ર પર લાદતી હોય છે. આવી રીતે અસ્તિત્વમાં આવતાં બંધ શિસ્તબદ્ધ અને યાંત્રિક પક્ષીય સંગઠનો, આપખુદ પદ્ધતિઓ અપનાવી સભ્યોનું માનસિક એકમાર્ગીકરણ કરે છે. સર્વગ્રાહી વિચારસરણીનો અભાવ. અસહિષ્ણુતા અને ઝનૂન આવા પક્ષોમાં સાફ દેખાય છે. આ ર્દષ્ટિએ લોકશાહીમાં લોકોની બહુમતી રાજ્ય કરે છે, તે માત્ર શબ્દછલ અને કલ્પના લાગે; કારણ કે બહુમતીના નામે હંમેશાં એક નાનું જૂથ જ બહુમતી પર રાજ્ય કરતું હોય છે. જોકે ડુવર્જર માને છે કે આવા પ્રકારનાં જૂથોના અસ્તિત્વથી પ્રતિનિધિલોકશાહી વધુ બળવત્તર પણ બની શકે તેમ છે.
ડુવર્જરે સપ્રમાણ પ્રતિનિધિત્વપ્રથા, એક મત સાદી બહુમતી ચૂંટણીપ્રથા અને દ્વિમત સાદી બહુમતી ચૂંટણીપ્રથાનો પણ ઊંડો અભ્યાસ કર્યો છે.
દેશની ચૂંટણીપ્રથા અને પક્ષપ્રણાલી વચ્ચે પણ ગાઢ સંબંધ છે, તેવું ડુવર્જરને જણાયું. તેમના મતે અમેરિકામાં જોવા મળે છે તેવી દ્વિપક્ષીય પ્રણાલી સમાજની સ્વાભાવિક વૃત્તિમાંથી જન્મે છે અને કેટલાંક અન્ય પરિબળો પેદા થાય તો જ આ પ્રથા એકપક્ષીય કે બહુપક્ષીય પ્રથામાં પરિણમે છે. એક મત – સાદી બહુમતી પ્રથા સાધારણ રીતે દ્વિપક્ષી પ્રણાલીને બળ આપે છે. ડુવર્જરના મતે બહુપક્ષીય પ્રથા સ્વાભાવિક રીતે જોવા મળતી દ્વિપક્ષીય પ્રણાલીમાં વિભાજન અને અતિવ્યાપ્તિ – (overlapping)ની ઘટનાઓને કારણે અસ્તિત્વમાં આવે છે. ચૂંટણીપ્રથાને કારણે મૂડીવાદી અને સમાજવાદી – એમ બંને પ્રકારના પક્ષોમાં વિભાજન થઈ શકે છે.
ડુવર્જર બે પ્રકારની બહુપક્ષીય પ્રણાલીઓનું વર્ગીકરણ કરે છે. જ્યારે વિદ્યમાન પક્ષો નવાં ઉદભવતાં સમાજવાદી હિતોનું પ્રતિનિધિત્વ કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે પ્રથમ પ્રકારની બહુપક્ષીય પ્રણાલી અસ્તિત્વમાં આવે છે. બીજા પ્રકારની પ્રણાલીમાં જ્યારે સમાજવાદી અને મૂડીવાદી બંને પક્ષોમાં કૃષિસંબંધી વર્ગોનાં હિતો સચવાતાં નથી ત્યારે કિસાનો પોતાનો અલગ પક્ષ સ્થાપે છે.
ડુવર્જરના મતે એકપક્ષ પ્રણાલી આપખુદી ભરેલી હોય જ તેવું જરૂરી નથી. ક્યારેક આમાં સત્તા પરનું સરમુખત્યાર જૂથ જ સમયાંતરે પક્ષમાં રૂપાંતરિત થઈ જતું હોય છે. બીજા કેટલાક કિસ્સાઓમાં સત્તાધારી જૂથ પ્રણાલિકાઓ અને વિચારધારાની ર્દષ્ટિએ વિશેષ વિકસિત હોય છે. જ્યારે ફાસીવાદી પ્રકારની એકપક્ષી પ્રથા રાષ્ટ્રીય એકતાના મૂલ્ય પર આધારિત હોય છે.
ડુવર્જરનું રાજકીય પક્ષો અંગેનું વિશ્લેષણ તેના પોતાના જ મત મુજબ કામચલાઉ, અનુમાનાત્મક અને પ્રયોગાત્મક હતું. આલોચકો અનુસાર ડુવર્જરના અમેરિકા અને એશિયાની પક્ષપ્રથા વિશેના મર્યાદિત જ્ઞાનને કારણે તેનાં તારણો ખૂબ જ સીમિત પ્રસ્તુતતાવાળાં જણાય છે. વળી, કેટલીક જગાએ પોતાની સંકલ્પનાઓ અને નિષ્કર્ષો વિશે ડુવર્જર પોતે જ અસ્પષ્ટ છે. આલોચકોને મતે ડુવર્જરે પક્ષોને સમજવા માટે કોઈ પથદર્શક અને નવો સિદ્ધાંત આપ્યો નથી, પરંતુ જે સ્વયંસ્પષ્ટ હતું તેને પદ્ધતિસરના વર્ગીકરણમાં રજૂ કર્યું.
આ મર્યાદાઓ છતાં ડુવર્જરનું આવું વર્ગીકરણ તુલનાત્મક રાજકારણના અભ્યાસમાં ઘણું ફળદાયી સાબિત થયું. તેના પુસ્તકના પ્રકાશન પહેલાં પક્ષોનો અભ્યાસ માત્ર વ્યક્તિઓ અને વિચારધારાઓ પૂરતો મર્યાદિત હતો, જે ડુવર્જર બાદ વધુ વૈજ્ઞાનિક અને પદ્ધતિસરનો થયો. રાજકારણના અભ્યાસમાં સમાજશાસ્ત્રીય કાયદાઓ લાગુ પાડવાનો આ પ્રથમ સફળ અને વિશદ પ્રયત્ન હતો.
અમિત ધોળકિયા