ડુકોમન, એલી (જ. 19 ફેબ્રુઆરી 1833; અ. 7 ડિસેમ્બર 1906) : સ્વિટ્ઝર્લૅન્ડમાંના બર્ન ખાતેના પીસ બ્યૂરો સંસ્થાના નિયામક તથા શાંતિ અને ન્યાય માટે વિશ્વમતને નેતૃત્વ પૂરું પાડનાર 1902ના શાંતિ નોબેલ પુરસ્કારના વિજેતા, નીડર આગેવાન. તેમણે શાંતિ અને ન્યાય માટેની લડત સંસદભવનો, ધારાસભાઓ અને સરકારી માળખાંઓનાં માધ્યમો મારફત અસરકારક બનાવી. પિતા ઘડિયાળ બનાવવાનો વ્યવસાય કરતા હતા. 19 વર્ષે અભ્યાસ પૂરો કરી એક ધનાઢ્ય કુટુંબમાં ટ્યૂટર તરીકે રહ્યા અને જર્મન ભાષાનો અભ્યાસ કર્યો. બે વર્ષ જિનીવાની પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો. રિવ્યૂ ડી જિનીવા નામની એક રાજનૈતિક પત્રિકાના તંત્રી રહ્યા પછી આ ક્ષેત્રે અનેક પત્રિકાઓ અને સંસ્થાઓમાં સક્રિય રહ્યા. તેમણે કાવ્યો પણ લખ્યાં. 1862માં જિનીવા રાજ્યના ચાન્સેલર નિમાયા. બદલાતા સમયમાં આધુનિક માહિતી – સંદેશાવ્યવહાર, આંતરરાષ્ટ્રીય કૉપીરાઇટ કાયદાઓ વગેરે મારફત પોતાની વિશેષ ઓળખ અને હાજરી અસરકારક બનાવવામાં આવે છે. તે જ સાધનો વડે શાંતિ તથા ન્યાયના ક્ષેત્રમાં ડુકોમનના પ્રયાસ રૂપે આ ક્ષેત્રનાં અનેકવિધ પ્રકાશનો એકત્ર કરવામાં આવ્યાં. માહિતીઓ એકઠી કરવામાં આવી, સમાચારોનું સંકલન કરવામાં આવ્યું. સંદેહવાળાને અટપટા જણાતા સવાલો હાથ ધરવામાં આવ્યા. મંતવ્યો પ્રગટ થયાં ને અભિપ્રાયો જાગ્રત થયા. આમ એક નવી દિશાનો પાયો તેમણે નાખ્યો.
તેમણે અનેક પત્રિકાઓનું સંપાદન કર્યું અને લેખો લખ્યા. રાષ્ટ્રોએ અનિવાર્ય ગણેલું યુદ્ધ એ તો એક અલ્પકાલીન ઘટના છે એવા ભ્રમનો તેમણે વિરોધ કર્યો. ટૂંકું દેખાતું યુદ્ધ તેમાં આગળ વધનાર અને પાછળ હઠનાર બંને પ્રજાજીવનને લાંબા ગાળાની યાતનામાં વેરવિખેર કરી દેનાર લાંબું યુદ્ધ બની જાય છે, એવી ભવિષ્યવાણી તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જ કરી હતી. તેમણે અન્ય 19 સભ્યો સાથે ઇન્ટરનેશનલ પીસ કૉંગ્રેસ યોજી અને તેના નિષ્કર્ષોનો સ્વીકાર કરાવ્યો. 1899માં હેગમાં છ રાષ્ટ્રોએ કરેલા શાંતિકરારના પાલનમાં જ શાંતિમય સંઘર્ષનિવારણની પદ્ધતિ રહેલી છે એમ તેમણે ભારપૂર્વક જણાવેલું.
સાધના ચિત્તરંજન વોરા