ડી.સી. પ્રવાહ

January, 2014

ડી.સી. પ્રવાહ : હંમેશાં એક જ દિશામાં વહેતો  વિદ્યુતપ્રવાહ, જે દિષ્ટપ્રવાહ (direct current) કે ટૂંકમાં D.C. તરીકે ઓળખાય છે. આવો વિદ્યુતપ્રવાહ વિદ્યુતકોષ  (battery) કે ડી.સી. જનરેટરમાંથી મળતો હોય છે. ડી.સી. કરતાં વિરુદ્ધ એવો A.C. (alternating current) છે, જેની દિશા એકધારી ન રહેતાં, નિયત સમયગાળે ઊલટ-સૂલટ બદલાતી રહે છે. ડી.સી.નો ઉપયોગ મોટરગાડી, લોકોમોટિવ એન્જિન તથા ઉદ્યોગમાં વપરાતી વિશિષ્ટ પ્રકારની મોટરમાં થાય છે. રેડિયો, ટેલિવિઝન અને બીજાં ઇલેક્ટ્રૉનિક્સનાં ઉપકરણમાં એ.સી.નો ઉપયોગ થાય છે; પરંતુ તેમાં પણ અમુક આંતરિક રચનામાં ડી.સી.ની આવશ્યકતા રહેલી હોવાથી, દિષ્ટકારક (rectifier) વડે એ.સી.નું ડી.સી.માં રૂપાંતર કરવામાં આવે છે. ડી.સી. સર્કિટમાં વિદ્યુતપ્રવાહનું નિયંત્રણ રોધકતા કે અવરોધ (resistance) વડે થાય છે. પરંતુ તેમ કરતાં, અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્માના કારણે, વિદ્યુત ઊર્જાનો નોંધપાત્ર વ્યય થતો હોય છે. એ.સી. સર્કિટમાં ટ્રાન્સફૉર્મરની મદદથી એ.સી. વોલ્ટેજમાં ઘટાડો કરવાથી, વિદ્યુતપ્રવાહનું નિયંત્રણ કરવાથી ઊર્જાનો વ્યય ઘટાડી શકાય છે. ડી.સી. સર્કિટમાં ઉત્પન્ન થતી ઉષ્મા H નીચેના સૂત્રથી મળે છે :

H = I2 R t

અહીં, I = ડી.સી. વિદ્યુત પ્રવાહ, R = રોધકતા, t = સેકન્ડમાં સમય છે.

ડી.સી. વિદ્યુતપ્રવાહ માપવા માટેના ડી.સી. ઍમિટર તથા ડી.સી. વોલ્ટેજ માપવાના ડી.સી. વોલ્ટમીટરમાં, તેમના ગૂંચળામાંથી વિદ્યુતપ્રવાહ અમુક ચોક્કસ દિશામાં પસાર થાય તો જ દર્શક (pointer) સ્કેલ ઉપર આવર્તન આપે છે. તેને માટે ટર્મિનલ ઉપર +ve નિશાન કરેલું હોય છે, જ્યાં સર્કિટના +ve છેડાને જોડવામાં આવે છે. જો તેમ ન થાય તો સ્કેલ ઉપર આવર્તન મળતું નથી. અને દર્શક મીટરની ધાર સાથે અથડાઈને વંકાઈ જવાથી સાધન નકામું બને છે. આમ સર્કિટના +ve છેડાને +ve ટર્મિનલ સાથે જોડવાની આવશ્યકતા રહેલી છે. એ.સી.માં પ્રવાહનું પરિવર્તન થતું હોવાથી એ.સી. ઉપકરણમાં +ve નિશાન જણાવવાની આવશ્યકતા રહેતી નથી.

એરચ મા. બલસારા