ડી ફૉરેસ્ટ, લી (જ. 26 ઑગસ્ટ 1873, કાઉન્સિલ બ્લફ્સ, આયોવા; અ. 30 જૂન 1961 હૉલિવૂડ, કૅલિફૉર્નિયા) : ટ્રાયોડ વાલ્વના શોધક અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વાયરલેસ ટેલિગ્રાફી અને રેડિયો-પ્રસારણના પ્રણેતા. 1907માં બે ઇલેક્ટ્રોડવાળા ડાયોડ વાલ્વમાં સુધારો કરીને ત્રણ ઇલેક્ટ્રોડવાળા ટ્રાયોડ વાલ્વની શોધ કરી. ટ્રાયોડ દ્વારા રેડિયો સંકેતોનું વિવર્ધન થઈ શકે છે તેમજ દોલનો ઉત્પન્ન કરી શકાય છે. તેથી તેના ઘણાબધા ઉપયોગ છે. ટ્રાયોડની શોધથી નબળા રેડિયો-સંકેતોને લાંબા અંતર સુધી પહોંચાડવાનું શક્ય બન્યું છે. તેમણે 1910માં ન્યૂયૉર્કના મેટ્રોપૉલિટન ઑપેરા હાઉસમાંથી પ્રથમ સંગીતીય રેડિયો–પ્રસારણનું આયોજન કર્યું હતું. યુ.એસ.ના પ્રથમ ઉચ્ચ-શક્તિ ધરાવતા નૌકા રેડિયો-સ્ટેશનની રૂપરેખા તૈયાર કરી અને તેના બાંધકામ અંગે માર્ગદર્શન આપ્યું. 1911માં પૅસિફિક કોસ્ટા ગયા.
અહીં તેમને ધ્વનિચિત્ર અને ઉષ્મોપચાર (diathermy) યંત્રોમાં રસ ઉત્પન્ન થયો. ફિલ્મ પર ધ્વનિનું મુદ્રણ કરવાની પદ્ધતિ પર કામ કર્યું. તેમના નામ ઉપર વાયરલેસ ટેલિગ્રાફી, રેડિયો, વાયરલેસ ટેલિફોન, ધ્વનિમુદ્રણ, પિક્ચર સંચારણ (transmission) અને ટેલિવિઝન ક્ષેત્રે 300 કરતાં પણ વધુ પેટન્ટ નોંધાયેલા છે.
રાજેશ શર્મા