ડી ડુવે, ક્રિશ્ચિયન (De Duve, Christian) (જ. 2 ઑક્ટોબર 1917, થેમ્સ-ડિટન, ઇંગ્લૅન્ડ; અ. 14 મે. 2013, નેથેન બેલ્જિયમ) : કોષના રચનાલક્ષી અને ક્રિયાલક્ષી બંધારણ અંગે સંશોધનો કરીને 1974નો નોબેલ પુરસ્કાર મેળવનાર બેલ્જિયન વિજ્ઞાની. તેમના સહવિજેતાઓ હતા – આલ્બર્ટ ક્લૉડ અને જૉર્જ એમિલ પલાડી. ડી ડુવેએ લોન્વિએનની કૅથલિક યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કર્યો અને સ્વીડન તથા યુ.એસ.માં કામ કર્યું. ત્યારબાદ 1947માં તે લોન્વિએન પાછા આવ્યા. પાછળથી તેમણે ત્યાં તેમજ ન્યૂયૉર્કની રૉકફેલર યુનિવર્સિટીમાં – એમ બંને સ્થળે સાથે સાથે કામ કર્યું. 1955માં તેમણે ઇલેક્ટ્રૉન સૂક્ષ્મદર્શક વડે કોષમાંની લયનકાય (lysosomes) નામની પાચક ઉત્સેચકોવાળી અંગિકા (organelles)
શોધી કાઢી. 1949માં તેમણે સાબિતી આપીને દર્શાવ્યું હતું કે કેટલાક પાચક ઉત્સેચકોને કોઈ આવરણમાં અલગપણે રાખવામાં આવેલા છે. તેમના જનીનીય વિકૃતજન્ય વિકારથી સિસ્ટિનોસિસ નામનો લયનકાયી સંગ્રાહક રોગ (lysosomal storage disease) થાય છે. તેમાં સિસ્ટિન નામના ઍમિનોઍસિડનો કોષોમાં ભરાવો થાય છે. ડી ડુવેએ કૅન્સર પર પણ સંશોધનો કર્યાં છે.
શિલીન નં. શુક્લ