ડીફો, ડેનિયલ (જ. 1660, લંડન; અ. 24 એપ્રિલ 1731) : અંગ્રેજ નવલકથાકાર. સાવ મધ્યમ કુટુંબમાં જન્મ. પિતા ખાટકીનો ધંધો કરતા હતા. વડીલોની ઇચ્છા એમને પાદરી બનાવવાની હોવાથી એમણે ધાર્મિક સંસ્થામાં તાલીમ લીધી હતી; પણ ડૅનિયલને સમજાઈ ગયું કે એ પદ તેને માટે નથી.
એ શિક્ષણ પણ આછું-પાતળું પામ્યા, પરદેશમાં પ્રવાસ ખેડ્યો, વિવિધ પ્રકારના વેપારમાં કિસ્મત અજમાવી જોયું, નાદારી નોતરી અને કારાવાસ પણ વેઠ્યો. છેવટે એમને સાહિત્યલેખનની પ્રવૃત્તિ માફક આવી. નવલકથા અને પત્રકારત્વના ક્ષેત્રમાં તેમનું નામ ઝળકી ઊઠ્યું. એમણે 58 વર્ષની વયે લખેલી રોમાંચક નવલકથા ‘રૉબિન્સન ક્રૂઝો’ (1719)ને કારણે કેટલાકે તેમને નવલકથાના પિતા તરીકે ઓળખાવ્યા છે. એ જ રીતે ‘ધ રિવ્યૂ’(1704-1713)ના તંત્રી તરીકેની અપૂર્વ કામગીરીને કારણે પત્રકારત્વના સ્થાપક પણ લેખાયા.
ડીફોએ વિવિધ પ્રકારનું વિપુલ સાહિત્ય રચ્યું છે. 1688ની રક્તહીન ક્રાંતિથી નવો ધનિક વર્ગ – વેપારી વર્ગ પ્રકાશમાં આવ્યો. તેમની એષણાઓનો પ્રતિઘોષ એ જમાનામાં ડીફોએ પાડ્યો છે તેવો બીજા કોઈ લેખકે પાડ્યો નથી. ડીફો એ નવીન શક્તિશાળી મધ્યમવર્ગના પ્રવક્તા બની રહ્યા.
1697માં ‘એસે ઑન પ્રૉજેક્ટ્સ’નું પ્રકાશન કર્યું ત્યારથી જ એમના ફળદ્રૂપ ભેજાની સમાજને પ્રતીતિ થઈ ચૂકી હતી. તેમાં તેમણે વિવેકભર્યું શિક્ષણ, અંગ્રેજી ભાષામાં શિષ્ટતા વગેરેની વાત રજૂ કરી છે; પણ વિશેષ વાત તો તેમણે મહિલાઓ માટે શિક્ષણસંસ્થાની હિમાયત કરી તે છે.
1701માં તેમણે ‘ધ ટ્રૂ બૉર્ન ઇંગ્લિશમૅન’ નામની કટાક્ષકૃતિ રચી. તેમાં વિલયમ ઑરેન્જ જેવા એક પરદેશીને – ડચ રાજાને ઇંગ્લૅન્ડની ગાદીએ સ્થાપિત કરવામાં આવ્યો. તેનો વિરોધ કરનારા વર્ગને અંગ્રેજ પ્રજા કેવી કેવી પ્રજાઓના મિશ્રણમાંથી ઊતરી આવી છે તે કટાક્ષપૂર્વક દર્શાવ્યું છે.
1702માં ‘ધ શૉર્ટેસ્ટ વે વિથ ધ ડિસેન્ટર્સ’ નામના ચોપાનિયામાં તેમણે પ્રૉટેસ્ટંટ પંથીઓ પ્રત્યે કત્લેઆમના પગલાની ‘નમ્ર માગણી’ કરી છે. આ ચોપાનિયાને કારણે તેમને જેલવાસ વેઠવો પડેલો. પણ એમાંથી છૂટીને તરત તેમણે પત્રકારત્વના ક્ષેત્રમાં છલાંગ મારીને ‘ધ રિવ્યૂ’ સામયિક શરૂ કર્યું.
પણ ડીફોની સર્જક તરીકેની કીર્તિ ‘રૉબિન્સન ક્રૂઝો’ને કારણે છે. 1719માં તે રચાઈ. એ પછી તરત જ 1722માં તેમની બીજી નવલકથા ‘મોલ ફ્લૅન્ડર્સ’ પ્રગટ થઈ. ડીફોની સૂક્ષ્મ અવલોકનશક્તિનો તથા હેવાલને પ્રતીતિકર બનાવવાની કુશળતાનો પરિચય તેમની કૃતિઓમાં થાય છે. પહેલા પુરુષમાં લખાયેલી ‘રૉબિન્સન ક્રૂઝો’, સચ્ચાઈનો સ્પર્શ વરતાય તેવી સુવાચ્ય નવલકથા છે. એની ભાષા પણ એમના વિચારો જેવી જ અસંદિગ્ધ છે.
ડીફોનું બીજું એક ધ્યાનપાત્ર પુસ્તક ‘જર્નલ ઑવ્ ધ પ્લેગ ઇયર ઑવ્ 1665’ છે. કોઈ જીનગર(saddler)ની ડાયરી મળી ગઈ હોય અને તેમાંથી તેમણે એ વર્ણન ઉતાર્યું હોય એવી વાસ્તવિકતા આ પુસ્તકમાં ઊતરી આવી છે. લેખકે સ્વયં એ પ્લેગના વર્ષમાં પડેલી આપવીતીનો અનુભવ કર્યો હોય એવી સચ્ચાઈ એમાં વરતાય છે.
મધુસૂદન પારેખ