ડીડીટી (DDT) : વ્યાપક રીતે જંતુનાશક તરીકે વપરાતું ક્લોરિનયુક્ત રંગહીન કાર્બનિક સંયોજન, ડાઇક્લોરોડાઇફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન. તે ડાઇકોફેન, ક્લોરોફિનોથેન તથા 1, 1, 1, ટ્રાઇક્લોરો 2, 2 બિસ (ક્લોરોફિનાઇલ) ઇથેન તરીકે પણ ઓળખાય છે. 1942માં તે ગાયગી નામની કંપની દ્વારા કીટનાશક તરીકે બજારમાં મુકાયું હતું. તેનું અણુસૂત્ર C14 H9 Cl5 છે તથા બંધારણીય સૂત્ર નીચે મુજબ છે :
તેનું ગ.બિં. 108.5° સે. છે. તે પાણીમાં અદ્રાવ્ય, આલ્કોહૉલ તથા ઍલિફૅટિક હાઇડ્રોકાર્બનમાં સાધારણ દ્રાવ્ય તેમજ ઍરોમૅટિક અને ક્લોરિનયુક્ત દ્રાવકોમાં અતિદ્રાવ્ય છે.
ડીડીટી ખૂબ જ સક્રિય છે અને વિવિધ અને વિસ્તૃત પ્રકારના કીટકોને મારી શકે છે. ખાસ કરીને વંદા, ફુદાં, પતંગિયાં, માખી તથા મચ્છર માટે ખાસ અસરકારક છે; પરંતુ સૂક્ષ્મકીટ (mite) તથા ચાંચડ માટે તે બિનઅસરકારક છે. ડીડીટીની જ્ઞાનતંતુઓ ઉપરની વિષાળુતાને લીધે તેની મારક અસર થાય છે.
ડીડીટીનું સૌપ્રથમ સંશ્લેષણ 1874માં જર્મનીમાં ઑથમર ઝાઇડ્લરે કર્યું હતું, પરંતુ તેની વિષાળુ અસર સ્વિટ્ઝર્લૅન્ડમાં 1939માં પૉલ મ્યૂલરે શોધી કાઢી હતી. જંતુઓ દ્વારા ફેલાતા મલેરિયા, પીળિયો તાવ, હાથીપગો, ટાઇફૉઇડ, પ્લેગ જેવા રોગોને નિયંત્રિત કરવા ડીડીટીનો અસરકારક ઉપયોગ પ્રયોજવા બદલ મ્યૂલરને 1948નો નોબેલ પુરસ્કાર અપાયો હતો. 1939માં કેટલાંયે સંધિપાદ (arthropod) જંતુઓ સામે તેનો સ્પર્શવિષ તરીકે અસરકારક ઉપયોગ કરાયો હતો; દા.ત., સ્વિસ સરકારે કૉલોરેડો પૉટેટો બીટલ સામે તે વાપર્યું હતું. 1943માં અમેરિકાની સરકારના કૃષિવિભાગે પણ તેનો ઉપયોગ કર્યો હતો. જાન્યુઆરી, 1944માં નેપલ્સમાં જૂ (lice) દ્વારા ફાટી નીકળેલા ટાઇફૉઇડને ડીડીટી દ્વારા અસરકારક રીતે અટકાવી શકાયો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નૈર્ઋત્ય પૅસિફિકમાં તથા ભૂમધ્ય સમુદ્ર ફરતા દેશોમાં જંતુઘ્ન તરીકેના છંટકાવમાં તેનો ભારે ઉપયોગ થયો હતો. યુદ્ધ પછીના યુરોપમાં અને એશિયા તથા ઓશિએનિયામાં ડીડીટીના છંટકાવથી ટાઇફૉઇડ તથા મલેરિયાનો ઉપદ્રવ ઘણો ઘટી ગયો છે. ત્યારબાદ સદીઓથી મલેરિયા પ્રબળ હતો તેવા એશિયા, આફ્રિકા, દક્ષિણ તથા મધ્ય અમેરિકાના દેશોમાં મલેરિયા માટે કારણભૂત મનાતા એનૉફિલિઝ મચ્છરોના ઉપદ્રવને ડીડીટીના છંટકાવ દ્વારા નિયંત્રણમાં લઈ શકાયો હતો.
આ કાર્યક્રમ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (W.H.O.) તથા યુ.એસ. એજન્સી ફૉર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા જે તે દેશની સ્થાનિક સરકારના સહકારથી પ્રયોજવામાં આવ્યો હતો. આને લીધે કુલ 1 અબજની વસ્તી ધરાવતા 20 જેટલા દેશોમાંથી મલેરિયા લગભગ નાબૂદ કરી શકાયો. ભારતમાં વર્ષે 750 લાખ જેટલા કેસોમાંથી લગભગ 10 લાખ જેટલાં મૃત્યુ થતાં હતાં તે આંક ડીડીટીના કારણે ઘટીને 50 લાખ કેસોમાં 5000 જેટલાં મૃત્યુનો થયો છે. 1930ના દાયકામાં યુ.એસ.માં વર્ષે 2,50,000 મલેરિયાના કેસ થતા તે ઘટીને 1950માં લગભગ 10 કેસ જ થતા જણાયા.
ખરીફ પાક ઉપર તથા જાનવરો ઉપર પણ ડીડીટી છાંટવાથી પાકનું પ્રમાણ અને ઉત્પાદકતા વધતાં જણાયા છે અને કેટલીક વાર તે બમણાં થયાનું જણાયું છે. ચિકિત્સાશાસ્ત્રની ર્દષ્ટિએ ડીડીટીને કારણે માંદગી, કૅન્સર કે મૃત્યુ થયાં હોવાનું નોંધાયું નથી. ડીડીટીની વિષાળુતા માટે તેના અણુમાં રહેલા ક્લૉરોબેન્ઝિન–એકમ શ્વસન–વિષ તરીકે તથા ક્લૉરોફૉર્મ-એકમ માદક દ્રવ્ય (narcotic) તરીકે કાર્ય કરે છે. માનવ માટે ડીડીટી વિષાળુ છે. (મારક માત્રા 500 મિગ્રા./કિગ્રા.) તથા પક્ષીઓના જીવનચક્રમાં તે ખોફનાક ભાગ ભજવે છે.
1962માં ડીડીટી ઉપર પ્રતિબંધ મૂકવા માટે અમેરિકામાં વ્યવસ્થિત અભિયાન શરૂ થયું તથા રાચેલ કારસનનું ‘સાઇલન્ટ સ્પ્રિંગ’ પુસ્તક પ્રકાશિત થતાં કીટનાશકોના ઉપયોગ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો. પેશીમાં ડીડીટીના અવશેષો રહી જતા હોવાથી નાના જીવોનું મોટા જીવો દ્વારા ભક્ષણ થાય ત્યારે ડીડીટીનું પ્રમાણ વધી જવાની સંભાવના રહેલી છે. ડીડીટી પ્રજનનપક્રિયાને નુકસાનકારક છે તે પણ ધ્યાનમાં આવ્યું. તેનાથી પક્ષીઓનાં ઈંડાંમાં વિકૃતિ દેખાવા માંડી. આથી 1973માં અમેરિકામાં ડીડીટીના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકાયો છે.
સલ્ફ્યુરિક ઍસિડની હાજરીમાં ક્લોરલ અને ક્લૉરોબેન્ઝિન વચ્ચેની પ્રક્રિયાથી ડીડીટી બનાવાય છે. તેમાં 15 % 2, 4´ સમઘટક પણ હોય છે. મોટાભાગના છોડ માટે તે બિનવિષાળુ છે. જાનવરો તથા પક્ષીઓના શરીરમાં તે જળવાઈ રહે છે. જે કીટકો ડીડીટીથી નાશ ન પામે તેને બેન્ઝિન હેક્ઝાક્લોરાઇડ(BHC)થી મારી શકાય છે. કેટલાક કીટકોમાં ડીડીટી ડીહાઇડ્રોક્લોરિનેઝ નામનો ઉત્સેચક હોય છે જે ડીડીટીનો HCl દૂર કરીને તેને બિનવિષાળુ બનાવે છે.
ડીડીટીને મળતાં આવતાં દ્રવ્યો પણ બનાવાયાં છે. તેમાં મિથૉક્સિક્લૉર [1,1,1–ટ્રાઇક્લૉરો 2, 2, બિસ ( p – મિથૉક્સિ-ફિનાઈલ) ઇથેન] ડીડીટી કરતાં વધુ અસરકારક છે તથા શાકભાજી, પાક તથા ઘરમાંના કીટકો વગેરે ઉપર તે અસરકારક રીતે વાપરી શકાય છે. ડીડીડી [1, 1 – ડાઇક્લૉરો – 2, 2 – બિસ (p ક્લૉરોફિનાઈલ) ઇથેન] ઓછું અસરકારક છે. તે ડીડીટી કરતાં ઓછી વિષાળુતા ધરાવે છે તેથી મચ્છરની ઇયળ (larva) સામે તથા રેડ-બૉન્ડેડ લીફ રોલર સામે અસરકારક છે. ડીડીટીની અવેજીમાં ઇમ્પીરિયલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ તરફથી 1945માં BHCનું ઉત્પાદન શરૂ કરાયું હતું.
જ. પો. ત્રિવેદી