ડીડલેકેન્થસ

January, 2014

ડીડલેકેન્થસ : વનસ્પતિના દ્વિદળી વર્ગના એકેન્થેસી કુળની એક પ્રજાતિ. Daedalacanthus roseus T. Anders. syn. Eranthemum roseum R. Br. (હિ. गुलशाम ; મ. दसमूलि; તા. નીલમૂલી) લગભગ 1.8 મીટર ઊંચી ક્ષુપ જાતિ છે. તેનાં પર્ણો સાદાં એકાંતરિક લંબચોરસ ભાલાકાર (lanceolate) હોય છે. ઊબકા આવે તેવી તીવ્ર વાસ ધરાવતાં વાદળી કે ગુલાબી રંગનાં પુષ્પો શુકિ પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલાં હોય છે. તે ભારતના પશ્ચિમ અને દક્ષિણના પ્રદેશોમાં થાય છે. તેનાં ત્રાકાકાર સાકંદ (tuberous) મૂળ દૂધમાં ઉકાળી શ્વેત પ્રદર (leucorrhoea) રોગોના ઉપચારમાં વપરાય છે અને ગર્ભની વૃદ્ધિ ઉત્તેજવા ગાભણાં (pregnant) ઢોરને આપવામાં આવે છે.

D. nervosus 1.0 – 1.5 મીટર ઊંચો થાય છે પણ મોટે ભાગે બગીચામાં અંદરની વાડ તરીકે કાપીને 40થી 50 સેમી. ઊંચો રખાય છે. આ છોડ ઉપર આછા ભૂરા રંગનાં પુષ્પ શુકિ સ્વરૂપે ઝૂમખાંમાં આવે છે. ઘેરા લીલા રંગનાં પર્ણો વચ્ચે આ પુષ્પો સુંદર ખીલી ઊઠે છે. આ જાત સહેલાઈથી કલમ અને બીજ દ્વારા ઉછેરી શકાય છે. આછો છાંયો આ જાતને વધારે અનુકૂળ હોય છે.

મ. ઝ. શાહ