ડીઓક્લેશિયન થર્મે, રોમ : રોમન સ્થાપત્યશૈલીમાં લોકોપયોગી સ્થાપત્યનો એક પ્રકાર. થર્મે એટલે સ્નાનાગાર, જેમાં સ્નાન ઉપરાંત અનેક જુદી જુદી સગવડોનો સમાવેશ કરાતો. જેમ કે પુસ્તકાલય, સ્વાસ્થ્યને લગતી જુદી જુદી સગવડો, સભાઓ માટે પ્રાંગણ વગેરે.
રોમમાં તેના ઉપલબ્ધ અવશેષો પરથી તે સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાયેલ છે. સત્તરમી સદીના સ્થપતિઓએ આનો અભ્યાસ કરીને સ્થાપત્ય વિશે ઘણી પ્રેરણા તથા માર્ગદર્શન પ્રાપ્ત કરેલ. ડીઓક્લેશિયન થર્મેનું બાંધકામ ઈ. સ. 298માં મિૅક્સમિલિયનના સમય દરમિયાન શરૂ થયેલું અને ઈ. સ. 306માં કૉન્સ્ટાન્ટિયસ ક્લોરસના મૃત્યુ પછીના વખતમાં પૂરું થયેલું. રોમના પ્રચલિત કારાકાલ્લાના આવા સંકુલથી થોડી નાની જગ્યામાં પરંતુ તેના કરતાં ભવ્ય ઇમારતો ધરાવતું આ સંકુલ 244 મી. લાંબા અને 144 મી. પહોળા ઘેરાવામાં પ્રસરાયેલ. વચ્ચેનો મધ્યખંડ 30 મી.થી વધારે ઊંચાઈ ધરાવતો હતો જેના પરથી તેની ભવ્યતાનો ખ્યાલ આવે છે.
રવીન્દ્ર વસાવડા