ડિસોઝા, સ્ટેફી

January, 2014

ડિસોઝા, સ્ટેફી (જ. 26 ડિસેમ્બર 1936, ગોવા; અ. 11 સપ્ટેમ્બર 1998, જમશેદપુર) : ભારતની 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડની અને હૉકીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારી મહિલા ખેલાડી. 1954માં મનિલાના એશિયાઈ રમતોત્સવમાં 4 × 100 મીટર ટપ્પા-દોડ ટીમના એક ખેલાડી તરીકે 49.5 સેકન્ડમાં દોડ પૂરી કરી સુવર્ણચંદ્રક અને 1958માં ટોકિયો મુકામે આયોજિત એશિયાઈ રમતોત્સવમાં આ જ સ્પર્ધા 49.4 સેકન્ડમાં પૂર્ણ કરી કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ટોકિયોમાં યોજાયેલા એશયાઈ રમતોત્સવમાં 200 મીટરની દોડ 26.2 સેકન્ડમાં પૂર્ણ કરી રૌપ્ય ચંદ્રક મેળવ્યો હતો અને 100 મીટર દોડ 12.8 સેકન્ડમાં પૂર્ણ કરી ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1958માં રાષ્ટ્રસમૂહ સ્પર્ધામાં 100 વારનું અંતર 12.0 સેકન્ડમાં અને 220 વારનું અંતર 26.2 સેકન્ડમાં પૂર્ણ કરી ટૂંકી દોડમાં પોતાની શ્રેષ્ઠતા

સ્ટેફી ડિસોઝા

સિદ્ધ કરી હતી. 1964માં ટોકિયો ઑલિમ્પિકમાં 400 મીટર દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી આ દોડ 53.0 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. હૉકી ખેલાડી તરીકે 1953માં ઇંગ્લૅન્ડમાં આયોજિત હૉકી વિશ્વકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 1960માં શ્રીલંકા સાથેની સ્પર્ધા વખતે તેમની પસંદગી  ભારતીય મહિલા હૉકી ટીમના સુકાની તરીકે થઈ હતી. 1963માં તેમને ‘અર્જુન ઍવૉર્ડ’ તથા 1975માં આંતરરાષ્ટ્રીય વીમેન્સ ઇન્ટરનેશનલ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રભુદયાલ શર્મા