ડિવિડન્ડ અને વ્યાજ : કંપનીના શૅરહોલ્ડરને સભ્યપદના વળતર તરીકે કંપનીના નફામાંથી આપવામાં આવતો ભાગ તે લાભાંશ કે ડિવિડન્ડ અને કંપનીએ જાહેર જનતા પાસેથી ઉછીનાં લીધેલાં નાણાં ઉપર વળતર તરીકે આપવી પડતી રકમ તે વ્યાજ.
‘ડિવિડન્ડ’નો કોઈ સ્પષ્ટ અર્થ મળી શકતો નથી. 1956ના કંપનીધારામાં પણ કોઈ જોગવાઈ આ બાબતે નથી. ડિવિડન્ડ એ કંપનીના વહેંચણીપાત્ર નફાનો એવો હિસ્સો છે, જે સભ્યોની વાર્ષિક સભામાં વિધિસર જાહેર કરવામાં આવે છે. જો નફો ન થયો હોય તો સામાન્ય રીતે ડિવિડન્ડ જાહેર થઈ શકતું નથી.
ડિવિડન્ડ અંગે કંપનીધારાની અલગ જોગવાઈઓ છે, જેમાં ડિવિડન્ડ મૂડીમાંથી ન આપી શકાય, કારણ કે મૂડીઘટાડો યોગ્ય વિધિ વગર કાયદેસર ગણી શકાતો નથી. ડિવિડન્ડ વહેંચતાં પહેલાં ઘસારો કાપવો ફરજિયાત છે. નવી જોગવાઈ પ્રમાણે પાછલા વર્ષની ખોટ પ્રથમ બાદ લઈને જ ડિવિડન્ડ વહેંચવાનો નિર્ણય થાય છે. ડિવિડન્ડ રોકડમાં જ વહેંચાય છે; પરંતુ અનામતોનું મૂડીકરણ કરીને એટલે કે બોનસ શૅર જાહેર કરીને પણ ડિવિડન્ડ વહેંચી શકાય છે. ડિવિડન્ડ જાહેર થયા બાદ 52 દિવસમાં ચૂકવી આપવાનું હોય છે અથવા આ મુદત સુધીમાં ડિવિડન્ડ-વૉરંટ રવાના કરાય છે. નવા સુધારા અનુસાર અનામત ખાતે અમુક રકમ ફરજિયાત લઈ જવી પડે છે. નહિ ચૂકવાયેલ ડિવિડન્ડ અંગે 42 દિવસની મુદત પૂરી થયા બાદ આ રકમ 7 દિવસમાં શિડ્યુલ્ડ બૅંકમાં અલગ ખાતાથી જમા કરાવવાની રહે છે. જો તેમ ન થઈ શકે તો 12 % પ્રમાણે વ્યાજ ચૂકવવાનું થાય છે. આવું ડિવિડન્ડ 3 વર્ષ સુધી વણચૂકવાયેલું રહે તો મધ્યસ્થ સરકારના મહેસૂલી ખાતે જમા કરાવી દેવું પડે છે.
ડિવિડન્ડ જાહેર કરવાની વિધિ અને પ્રક્રિયા નીચે પ્રમાણે છે :
હિસાબો તૈયાર કરાય; વહેંચણીપાત્ર નફો નક્કી થાય; બૉર્ડની સભામાં ભલામણનો ઠરાવ પસાર કરાય; સભ્યોને સાધારણ સભાની નોટિસ અપાય; ડિવિડન્ડ યાદી તૈયાર થાય; ડિવિડન્ડ વૉરંટ તૈયાર થાય; સામાન્ય સભામાં જાહેરાતનો ઠરાવ મુકાય; ડિવિડન્ડ ચૂકવવા, વૉરંટ મોકલવામાં આવે; વણચૂકવાયેલ ડિવિડન્ડ અંગે નિર્ણય લેવામાં આવે.
પસંદગીના શૅર (preference share) પર ડિવિડન્ડનો દર પહેલેથી જ નક્કી કરેલો હોય છે; પરંતુ સામાન્ય શૅર (ordinary share) ઉપર ડિવિડન્ડ જાહેર કરવાનો કે ન કરવાનો હક બૉર્ડ ઑવ્ ડિરેક્ટર્સને જ હોય છે.
કંપની પોતાના લેણદારોને બાકી નીકળતી રકમ ઉપર અથવા જાહેર જનતા પાસેથી ઉછીનાં લીધેલાં નાણાં ઉપર જે વળતર અથવા બદલો આપે છે તેને વ્યાજ કહેવામાં આવે છે. ડિવિડન્ડ કંપનીના માલિક શૅરહોલ્ડરોને મળે છે, જ્યારે વ્યાજ કંપનીના લેણદારોને મળે છે. વ્યાજને નફા કે નુકસાન સાથે સંબંધ નથી અને તે ફરજિયાત આપવું પડે છે. વ્યાજની ચુકવણીની કોઈ પ્રક્રિયા ડિવિડન્ડની જેમ હોતી નથી. સમય થવાથી વ્યાજ ચડતું જાય છે. તેની તારીખ ચોક્કસ હોય છે. વ્યાજ એ કંપનીનું દેવું હોવાથી તેની જવાબદારીમાં વધારો થાય છે. વ્યાજ દ્વારા કંપનીનો નફો ઘટે છે અને તેના બોજમાં વધારો થાય છે.
સંદીપ ભટ્ટ