ડિવાઇન કૉમેડી, ધ

January, 2014

ડિવાઇન કૉમેડી, ધ : ઇટાલિયન કવિ ડૅન્ટી ઍલિગિરી(1265–1321)નું રચેલું વિશ્વસાહિત્યનું મહાકાવ્ય. 14000 પંક્તિનું આ કાવ્ય નરકલોક, શુદ્ધિલોક અને સ્વર્લોક નામક ત્રણ ખંડ તથા 100 સર્ગમાં વહેંચાયેલું છે. 1300થી 1320 દરમિયાન પોતાના આયુના ઉત્તરાર્ધમાં કવિએ આ કાવ્ય આરંભ્યું અને પૂરું કર્યું. કાવ્યનાયક તરીકે કવિ પોતે હોઈ, કેટલાકને મતે આ પરંપરાગત મહાકાવ્ય નથી તો વળી યુરોપની દેશ્ય ભાષામાં, એટલે કે ઇટાલિયનમાં લખાયેલું હોવાથી પણ કેટલાક તેને માટે ‘મહાકાવ્ય’ સંજ્ઞા વાપરતાં ખચકાય છે; પરંતુ એની મહાકાવ્યોચિત કથનશૈલી, સચોટ અને સવિગત પ્રસંગનિરૂપણપદ્ધતિ, વિપુલ અને વૈવિધ્યસભર પાત્રસૃષ્ટિ, સુશ્લિષ્ટ સંરચના, કલાપૂર્ણ આકારનિર્મિતિ, બહુવિધ રૂપકકથા(allegory)નું  આયોજન, ગહન દર્શન, સુબદ્ધ છંદોવિધાન – આ બધું એને સાહિત્યિક મહાકાવ્યની પરંપરામાં સ્થાપી આપે છે.

કાવ્યારંભે કાવ્યનાયક સ્વયં કવિ પોતાના આયુના અર્ધભાગે અઘોર ગિરિકંદરા પાસે અરણ્યમાં જઈ પહોંચે છે ત્યારે ત્યાં ગિરિશિખર પર રવિરશ્મિ ફૂટે છે ને ત્યાંથી આગળ વધતાં જ અનુક્રમે ચિત્તો, સિંહ અને માદા વરુ એનો માર્ગ આંતરીને ઊભેલાં જણાય છે. ભયભીત બનેલા કાવ્યનાયકને વર્જિલનો ભેટો થઈ જાય છે, જે એમને નરકલોક અને શુદ્ધિલોકનો પ્રવાસ કરાવે છે.

કાવ્યના પ્રથમ ખંડમાંનું નરક નવ પેટાવિભાગોમાં વહેંચાયેલું છે. પ્રથમ વિભાગમાં ખ્રિસ્તીથી અન્ય આત્માઓને સજા ભોગવતા દર્શાવ્યા છે. બીજા વિભાગમાં વિષયાંધ પ્રેમીઓ, તો ત્રીજા વિભાગમાં ખાઉધરાઓના પ્રેતાત્માઓ સજા ભોગવી રહેલા છે. ચોથા વિભાગમાં કંજૂસ અને ઉડાઉ લોકોનાં પ્રેતો જોવા મળે છે તો  પાંચમા વિભાગમાં ક્રોધી અને વિષણ્ણ પ્રેતાત્માઓ છે. આ સહુ અનુક્રમે હવામાં વીંઝાવાની, હિમવર્ષામાં થરથરવાની, ભારે વજન  ઉપાડીને આવજા કરવાની સજા ભોગવી  રહ્યા છે. આગળ જતાં કાવ્યનાયક ડૅન્ટી અને વર્જિલ ડિસ નગરીના દ્વારેથી છઠ્ઠા વિભાગમાં પ્રવેશે છે, જ્યાં પાખંડીઓના પ્રેતાત્મા અગનજ્વાળાથી ઘેરાયેલી કબરોમાં પડ્યા રહેવાની સજા ભોગવી રહ્યા છે. સાતમા નરકમાં તેઓ ગોળાકારે વહેતી રક્તસરિતાની પાસે આવી પહોંચે છે તો ત્યાં પૃથ્વીલોકમાં પોતાના પડોશીઓ પ્રત્યે હિંસા આચરનારાઓનાં પ્રેતો સજા ભોગવી રહેલાં જોવા મળે છે. આઠમા અને નવમા નરકમાં અનુક્રમે દગાખોરો અને વિશ્વાસઘાતીઓનાં પ્રેતો સજા ભોગવી રહેલાં જોવા મળે છે. નરકની આ લિમ્બોનગરી, જે પાતાળલોક છે તેમાંથી હવે ડૅન્ટી અને વર્જિલ બહાર આવે છે તો પર્ગેટરી નામનો પહાડ જોવા મળે છે. ઘણા લાંબા સમય બાદ અહીં ચોખ્ખી હવા અને આનંદદાયક પ્રકાશ અનુભવવા મળે છે. આ પર્ગેટરી પહાડનું આરોહણ કાવ્યનો સમગ્ર બીજો ખંડ રોકે છે. આ છે શુદ્ધિલોકની યાત્રા. અહીં પણ વિવિધ પ્રકારના પાપીઓ પ્રાયશ્ચિત્તની તક સાથે સજા ભોગવી રહ્યા છે. આ લોક દશેક અટારીઓમાં વહેંચાયેલો છે. પર્ગેટરી પહાડના શિખરે પહોંચતાં વર્જિલ કાવ્યનાયક ડૅન્ટીને બિઆટ્રિસને સોંપી દે છે.

હવે આરંભાય છે સ્વર્લોકનો પ્રવાસ. કાવ્યના આ ત્રીજા ખંડમાં સ્વર્લોકને દસ સ્વર્ગોમાં વહેંચી દેવામાં આવ્યો છે. બિઆટ્રિસ કાવ્યનાયકને ચંદ્રના પ્રથમ સ્વર્ગમાં લઈ આવે છે. અહીં એવાં સાધુસાધ્વીઓ છે કે જેમણે પૃથ્વી પર પોતાની ધર્મપ્રતિજ્ઞાનો ભંગ કર્યો હોવાથી અહીં અટક્યાં છે. આગળ વધતાં તેઓ બુધ નામક બીજા સ્વર્ગમાં જઈ પહોંચે છે. અહીં લોકૈષણા માટે પૃથ્વી પર સત્કાર્યો કરનારા જોવા મળે છે. ત્રીજા સ્વર્ગ શુક્રના ગ્રહમાં તેઓ પહોંચે છે તો ત્યાં પ્રેમપાગલ અસંયમીઓ જોવા મળે છે. ચોથા સ્વર્ગ સૂર્યમાં તેઓ પહોંચે છે ત્યારે બાર જ્ઞાની આત્મા એમને ઘેરી લે છે અને અપાર્થિવ સંગીતથી વધાવે છે. ત્યાંથી તેઓ પાંચમા સ્વર્ગ મંગળના ગ્રહ પર પહોંચે છે. અહીં તેઓ ધર્મયુદ્ધોમાં પ્રાણાર્પણ કરનારાઓને મળે છે. છઠ્ઠા સ્વર્ગ ગુરુના ગ્રહ પર થઈ તેઓ સાતમા સ્વર્ગ શનિના ગ્રહમાંથી પસાર થાય છે. છઠ્ઠા સ્વર્ગમાં ન્યાયી આત્માઓને મળે છે અને સાતમા સ્વર્ગમાં કેટલાક ચિંતનશીલ જીવન ગાળતા આત્મા એક સુવર્ણ-સીડી પર ચડઊતર કરતા દેખાય છે. બિઆટ્રિસ હવે  ડૅન્ટીને આઠમા સ્વર્ગ નક્ષત્રલોકમાં પહોંચાડે છે. પ્રચંડ તેજે ઝળહળી રહેલા આ ગ્રહ પરથી જોતાં પૃથ્વી  અત્યંત નાની અને નગણ્ય ભાસે છે. આ ગ્રહ પર માતા મેરીને અનેક સંતોથી ઘેરાયેલાં જુએ છે અને આ અલૌકિક ર્દશ્યથી મંત્રમુગ્ધ બની જાય છે. બિઆટ્રિસ સાથે તે નવમા સ્વર્ગ ‘પ્રાઇમમ મોબાઇલ’માં પહોંચે છે. સહુ આકાશી પદાર્થોને ગતિમાન કરનાર ગતિના આદિ સ્રોત સમાન આ સ્વર્ગમાં બિઆટ્રિસનું સ્વરૂપ ભવ્યોદાત્ત બને છે અને ડૅન્ટી મુગ્ધ અને મૂક બની બિઆટ્રિસને નિહાળતા હોય ત્યાં પોહ ફાટે છે અને તે દસમા અને અંતિમ સ્વર્ગ ‘એમ્પિરિયન’માં આવી પહોંચે છે. અહીં ડૅન્ટી તેજપુંજથી ઘેરાઈ જાય છે. એમને અહીં હિમધવલ ગુલાબનું દર્શન થાય છે. તે હવે બિઆટ્રિસને જોતા નથી, પણ તેને સ્થાને સંત બર્નાર્ડ તેમને પ્રાર્થનામાં પરોવી પ્રભુની ઝાંખી કરાવે છે. આ દિવ્યાનુભૂતિ સાથે કાવ્ય સમાપ્ત થાય છે.

દેખીતી રીતે આ બહિર્યાત્રાનું કાવ્ય આત્માની અન્તર્યાત્રા અને ઊર્ધ્વગમનનું કાવ્ય છે. ચિત્રાત્મકતાથી આરંભાતું આ કાવ્ય ચિંતનમાં અંત પામે છે, અવસાદથી આરંભાતું આનંદમાં ઉપશમે છે. તત્કાલીન રાજકીય-સામાજિક અને ભૂતકાલીન ધાર્મિક-રાજકીય-સામાજિક સંદર્ભો વચ્ચે પણ તે દિવ્ય પ્રેમની વિજયપતાકા લહેરાવે છે. ટેર્ઝારિમા છંદ અને સળંગ પ્રાસસાંકળીમાં સુબદ્ધ શૈલીમાં યુરોપની પ્રાદેશિક ઇટાલિયન ભાષામાં રચાયેલું વિશ્વનું આ એક વિશિષ્ટ મહાકાવ્ય છે. જ્યૉફ્રી ચૉસર અને જ્હૉન મિલ્ટને એનું અનુકરણ કરેલું. ઓગણીસમી સદીના હેન્રી લૉંગફેલો, શેલી, બાયરન, ટેનિસન, વિક્ટર હ્યૂગો, ફ્રેડરિક શ્લેગલ વગેરે ઉપરાંત વીસમી સદીના ટી. એસ. એલિયટ પર પણ તે કૃતિનો પ્રભાવ છે.

ધીરુ પરીખ