ડિબેંચર : કરાર દ્વારા કંપનીએ ઉછીનાં લીધેલાં નાણાં/ઊભાં કરેલાં દેવાં અંગે પોતાની મહોર સાથે આપેલો સ્વીકૃતિપત્ર. એમાં દેવાની ચોક્કસ રકમની ચુકવણી ભવિષ્યમાં ચોક્કસ તારીખે થાય ત્યાં સુધી ચોક્કસ દરે વ્યાજની ચુકવણી કરવા અંગેની બાંયધરી આપેલી હોય છે. કંપનીના આ પ્રકારના દેવાની જામીનગીરી તરીકે સામાન્ય રીતે કંપનીની મિલકતો ઉપર તરતો બોજ ઊભો કરવામાં આવ્યો હોય છે, પરંતુ કોઈ કોઈ વાર આવો બોજ ઊભો કર્યો હોતો નથી. ‘ડિબેંચર’ શબ્દમાં ડિબેંચર સ્ટૉકનો પણ સમાવેશ થાય છે. જોકે ડિબેંચર અંગે 1956ના કંપનીધારામાં સ્પષ્ટ વ્યાખ્યા આપેલી નથી. ‘ડિબેંચર’ શબ્દ લૅટિન ભાષાના ‘ડિબેર’ (debere) શબ્દમાંથી આવેલો છે. તેનો સીધોસાદો અર્થ ‘દેવું’ થાય છે.
અમેરિકામાં ‘બૉન્ડ’ અને ‘ડિબેંચર’ શબ્દોના અર્થ જુદા જુદા છે. કંપનીએ દેવા અંગે જો કાયમી જામીનગીરી આપી હોય તો સ્વીકૃતિપત્રને બૉન્ડ તરીકે, પરંતુ જો તેણે જામીનગીરી આપી ન હોય તો સ્વીકૃતિપત્રને ડિબેંચર તરીકે ઓળખવામાં આવે છે.
ઇંગ્લૅન્ડમાં બૉન્ડ અને ડિબેંચર વચ્ચે આવી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. ભારત અને ઇંગ્લૅન્ડમાં ડિબેંચર અંગે સમાન વિચારસરણી પ્રચલિત છે.
ડિબેંચરના વિવિધ પ્રકારો છે : (1) બૅરર ડિબેંચર, (2) રજિસ્ટર્ડ ડિબેંચર, (3) જામીનગીરી વગરનાં ડિબેંચર, (4) જામીનગીરીવાળાં ડિબેંચર, (5) પરત કરી શકાય તેવાં ડિબેંચર અને (6) પરત ન કરી શકાય તેવાં ડિબેંચર.
ચલણી નોટની જેમ હેરફેર થઈ શકે તેવાં ડિબેંચરને બૅરર ડિબેંચર કહેવાય છે. તેમાં ફેરબદલી સમયે કંપનીને જાણ કરવાની જરૂર હોતી નથી. જે વ્યક્તિ ધારણ કરે છે તે તેનો માલિક છે. રજિસ્ટર્ડ ડિબેંચર કંપનીના ચોપડામાં ડિબેંચર ધારકના નામે નોંધાયેલાં હોય છે. આ માટે લે-વેચ સમયે વ્યવસ્થિત પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જામીનગીરી વગરનાં ડિબેંચર ધરાવનાર કંપનીનો સામાન્ય લેણદાર કહેવાય છે અને આવાં ડિબેંચર ધરાવનારને કોઈ જ જામીનગીરી આપવામાં આવતી નથી. ભારતમાં આવાં ડિબેંચર વધુ પ્રચલિત બન્યાં નથી, કારણ કે આમાં જોખમનું પ્રમાણ વધુ જોવા મળે છે. મિલકતો ઉપર બોજ ઊભો કરીને કે મિલકતોને ગીરવી મૂકીને ડિબેંચર બહાર પાડવામાં આવે ત્યારે તે જામીનગીરી સહિતનાં (secured) ડિબેંચર કહેવાય છે. જો કોઈ સંજોગોમાં કંપનીનું વિસર્જન થાય તો તેના ધારકનો મિલકતો ઉપર પ્રથમ હક રહે છે. પરત કરી શકાય તેવાં ડિબેંચરમાં ચોક્કસ સમયે નાણાં પરત કરવાની સ્પષ્ટ ખાતરી આપેલી હોય છે. પરત ન કરી શકાય તેવાં ડિબેંચરનાં નાણાં પરત તો થાય જ છે, પરંતુ તેના માટે કોઈ ચોક્કસ સમય નક્કી હોતો નથી. નાણાં પરતનો હક કંપનીની ઇચ્છા, વિસર્જન કરવાની થાય અથવા વ્યાજ ન ચૂકવાય તેવા પ્રસંગોએ ઊભો થાય છે અને તે સમયે નાણાં ફરજિયાતપણે ચૂકવવાં પડે છે.
ડિબેંચરના ઘણા ફાયદા છે. તેમાં મુખ્યત્વે સામાન્ય રોકાણકારો અને સંસ્થાકીય રોકાણકારોને નિયમિત વ્યાજની આવકનો, મૂડીની સલામતીનો અને શૅરબજારના લિસ્ટિંગ દ્વારા તરલ રોકડતા(liquidity)નો લાભ મળે છે તથા કંપનીઓને મંદીના સમયમાં પણ ઝડપથી નાણાં પ્રાપ્ત થાય છે.
સંદીપ ભટ્ટ