ડિમેલો, ઍન્થની

January, 2014

ડિમેલો, ઍન્થની (જ. 1900, કરાંચી; અ. 24 મે 1961, નવી દિલ્હી) : ત્રીસ વર્ષ સુધી ભારતીય રમતગમતના ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કુશળ આયોજક. ‘ટોની’ના હુલામણા નામે જાણીતા  ઍન્થની ડિમેલો પ્રથમ વિશ્વયુદ્ધના સમયે સિંધના સર્વશ્રેષ્ઠ ખેલાડી હતા. સ્કૂલ અને કૉલેજમાં ક્રિકેટ, ફૂટબૉલ અને હૉકીમાં સુકાનીપદ સંભાળનાર ઍન્થની ડિમેલોએ ખેલકૂદમાં પણ ઘણા ઍવૉર્ડ મેળવ્યા હતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ક્રિકેટ અને હોકી બંનેમાં ‘બ્લૂ’ મેળવવાની શક્યતા હતી, પરંતુ એમના મોટા ભાઈનું એકાએક અવસાન થતાં એમને ભારત આવવું પડ્યું. 1931માં ‘ધ રેસ્ટ’ ટીમ તરફથી વિજયનગરમ્ની ટીમ સામે ખેલતાં એમણે વિશ્વની સર્વોત્કૃષ્ટ ઓપનિંગ જોડી­જેક હોબ્સ અને બર્ટ સટક્લીફને ક્લિન બોલ્ડ કરેલી. એમની હિંમત અને દૂરંદેશીની સ્મૃતિ રૂપે ભારતને રમતગમતની બે વિખ્યાત ક્લબ પ્રાપ્ત થઈ. તે છે ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા. અને નૅશનલ સ્પૉર્ટ્સ કલબ ઑવ્ ઇન્ડિયા. અત્યંત ઉત્સાહી, ખૂબ પરિશ્રમ કરનાર અને બીજાને પણ કામમાં પ્રેરનાર ઍન્થની ડિમેલો જેવા રમતગમતના આયોજકો વિશ્વમાં વિરલ હશે. ઍન્થની ડિમેલોએ 1928માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડની સ્થાપના કરી.

ઍન્થની ડિમેલો

એમના પ્રયત્નોને પરિણામે 1929માં ઇમ્પીરીયલ ક્રિકેટ કૉન્ફરન્સમાં ભારતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલવાની માન્યતા મળી અને તેને કારણે ભારતની ધરતી પર વિદેશી ટીમો ક્રિકેટ ખેલવા આવી. 1933માં મુંબઈમાં ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયાની સ્થાપના બાદ ચારેક વર્ષે એમણે દેશનું સૌથી ભવ્ય સ્ટેડિયમ બાંધવાની  યોજના કરી. અનેક વિરોધ અને મુશ્કેલીઓ વચ્ચે એમણે મુંબઈમાં બ્રેબોર્ન સ્ટેડિયમ તૈયાર કર્યું. 1948માં એશિયન ક્રિકેટ કૉન્ફરન્સની સ્થાપના કરી. ડિમેલો એના પ્રથમ પ્રમુખ બન્યા. 1951માં દિલ્હીમાં નૅશનલ ક્લબ ઑવ્ ઇન્ડિયાની સ્થાપના કરી એ પછી એ જ વર્ષે દિલ્હીમાં નૅશનલ સ્ટેડિયમ તૈયાર કર્યું અને ત્યાં સર્વપ્રથમ એશિયાઈ રમતોત્સવનું સફળ આયોજન કરીને ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી. 1952માં મુંબઈમાં વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ તૈયાર કર્યું, જ્યાં વિશેષ રૂપે કુસ્તીનાં દંગલ ખેલાય છે. 1952માં મુંબઈમાં વિશ્વ ટેબલટેનિસ સ્પર્ધાનું આયોજન કર્યું અને ભારતને પહેલી વાર વિશ્વકક્ષાની સ્પર્ધા યોજવાનું ગૌરવ અપાવ્યું. રણજી ટ્રૉફી સ્પર્ધા, રોહિન્ટન બારિયા આંતર-યુનિવર્સિટી સ્પર્ધા અને કૂચબિહાર આંતર-સ્કૂલ સ્પર્ધા જેવી ક્રિકેટની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું તેમણે આયોજન કર્યું. ભારતમાં પ્રથમ ટેસ્ટમૅચના આયોજનમાં ડિમેલોનો ફાળો મહત્વનો રહ્યો. એમની ઇચ્છા ભારતમાં ઑલિમ્પિક સ્પર્ધાનું આયોજન કરવાની હતી. એ માટે એમણે વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરુને ઑલિમ્પિક વિલેજની યોજના આપી હતી, પણ એ સ્વપ્ન સિદ્ધ ન થયું. ઍન્થની ડિમેલોનું લખેલું પુસ્તક ‘પોટ્રેટ ઑવ્ ઇન્ડિયન સ્પૉર્ટ’ ભારતીય રમતગમતનો પ્રમાણભૂત દસ્તાવેજ છે. છેલ્લા સમયમાં કૅન્સરથી પીડાતા ઍન્થની ડિમેલોની તબિયત ઘણી ખરાબ હતી ત્યારે ડૉક્ટરે એમ પૂછ્યું કે ‘તમારી તબિયત કેમ છે ?’ એના જવાબમાં ઍન્થની ડિમેલોએ કહ્યું ‘રોમ ઑલિમ્પિકમાં હૉકીમાં ભારત હારી ગયું હોય પછી મારી તબિયત કઈ રીતે સારી હોય ?’ એમની ઇચ્છા મુજબ એમના અંતિમ સંસ્કાર એમ.સી.સી.ના પૂરા પોશાકમાં કરવામાં આવ્યા હતા.

કુમારપાળ દેસાઈ