ડિફ્થેરિયા : કોરિનેબૅક્ટેરિયમ ડિફ્થેરી નામના જીવાણુથી થતો ચેપી રોગ. આ જીવાણુની ચેપી અને ઝેરી અસરોને કારણે રોગનાં લક્ષણો ઉદભવે છે. આધુનિક વિજ્ઞાનના વિકાસને કારણે તે આ સદીમાં સૌથી પ્રથમ કાબૂમાં આવેલો રોગ છે અને તેથી તેને કારણે થતા મૃત્યુનું પ્રમાણ ઘણું જ ઘટી ગયેલું છે. નાક, ગળું અને ચામડીમાં ચેપ કરતો, થૂંક અને સ્પર્શથી ફેલાતો, ગળું આવવું અને થોડો તાવ આવે એવાં સામાન્ય લક્ષણોવાળો આ રોગ ગળામાં ભૂખરું છીંકણી રંગનું પડ બનાવે છે અને ઘણી વખત તેની ઝેરી અસરથી ગળાનો લકવો અને હૃદયનો રોગ કરીને મૃત્યુ નિપજાવે છે. આ રોગને થતો અટકાવવા રસી ઉપલબ્ધ છે, જે ત્રિગુણી રસીના ઘટક તરીકે નાનાં બાળકોને અપાય છે.
ડિફ્થેરિયાના જીવાણુ : તે ગ્રામ-અભિરંજિત (gram-positive) પ્રકારના, વિવિધ સ્વરૂપવાળા, ઑક્સિજનની જરૂરિયાતવાળા, બીજાણુ (spore) તથા સંપુટિકા (capsule) વગરના હલનચલન ન કરનારા જીવાણુઓ છે. તેમને સિસ્ટીન-ટેલ્યુરાઇટવાળા રુધિર-અગરના માધ્યમ પર સહેલાઈથી ઉછેરી શકાય છે. તે તેના પર ભૂખરી-કાળી વસાહતો બનાવે છે. તેમના ત્રણે પ્રકાર – મંદ, મધ્યમ અને તીવ્ર ડિફ્થેરિયાનો – રોગ કરે છે. તે ડિફ્થેરિટિક વિષ (toxin) ઉત્પન્ન કરે છે. જે જીવાણુનો ઉપપ્રકાર આ વિષ ઉત્પન્ન કરે છે તે આ રોગનો વ્યાપક ઉપદ્રવ અથવા વાવર (epidemic) કરે છે. રસી આપવાની શિથિલતાને કારણે હાલ રશિયામાં તેનો વાવર ચાલે છે.
વસ્તીરોગવિદ્યા (epidemiology) : આ રોગના જીવાણુ ફક્ત માનવીની ચામડી અને અંદરના શ્લેષ્મસ્તર(mucous membrane)ની દીવાલ પર જ જીવે છે. તે થૂંકબિંદુઓ કે ગળું, શ્વસનમાર્ગ કે ચામડી પરના ઘામાંના પ્રવાહીના સંસર્ગ દ્વારા ફેલાય છે. મોટાભાગની વ્યક્તિઓને આ રોગનાં કોઈ લક્ષણો થતાં નથી અને તેઓ ફક્ત તેમના શરીરમાં ચેપકારક જીવાણુઓને ધારણ કરતી હોય છે. તેમને ચેપધારકો (carriers) કહે છે. તેઓ ચેપનો ફેલાવો કરે છે. ધૂળ અને વિષ્ટા પર આ જીવાણુઓ લગભગ 6 મહિના જીવી શકે છે પરંતુ તે ભાગ્યે જ ચેપ ફેલાવે છે. ક્યારેક પ્રદૂષિત દૂધ કે રસોઈ કરનારા/પીરસનારાઓ ચેપધારક હોય તો તે પણ આ રોગ ફેલાવે છે. પશ્ચિમના દેશોમાં વીસમી સદીના બીજા અને ત્રીજા દાયકામાં આ રોગનો ઉપદ્રવ ઘણો હતો અને તેથી તે સમયે અમેરિકામાં 10,000થી વધુ મૃત્યુ પણ નોંધાયાં હતાં. બીજા વિશ્વયુદ્ધ સમયે ડિફ્થેરિયાની વિષાભ (toxoid) રસી શોધાયા પછી તેનો ઉપદ્રવ ઘણો ઘટી ગયો છે. રસીના વધેલા ઉપયોગને કારણે અમેરિકામાં ઈ. સ. 2000ની સાલ સુધીમાં આ રોગને નાબૂદ કરવાની નેમ રખાય છે. જ્યારે ડિફ્થેરિયાનો વાવર ફેલાતો હતો ત્યારે તે 15 વર્ષથી નીચેનાં બાળકોમાં જોવા મળતો હતો. હાલ પુખ્ત વયની વ્યક્તિઓને પણ આ રોગ થાય છે કારણ કે બાળપણમાં મુકાયેલી રસી પુખ્ત વયે પૂરતું રક્ષણ આપતી નથી. પહેલાં કરતાં હવે વધુ ને વધુ ડિફ્થેરિયાજન્ય ચામડીના રોગ જોવા મળે છે. સામાન્ય રીતે તે સુષુપ્ત (indolent) ચાંદાં કરે છે. તેની ઝેરી અસરો ખાસ જોવા મળતી નથી. તેમાં વારંવાર અને લાંબા સમય સુધી લોહીમાં ડિફ્થેરિયાના જીવાણુઓ પરિભ્રમણ કરે છે. તેથી આવી વ્યક્તિની ચામડી કે થૂંકબિંદુના સંસર્ગ દ્વારા ડિફ્થેરિયાનો ચેપ ફેલાવાનો ભય વધે છે. રહેઠાણનો અભાવ, ગરીબાઈ, વસ્તીની ગીચતા, નબળું અંગત સ્વાસ્થ્ય, દારૂનું વ્યસન, પ્રદૂષણકારી વિષ્ટા તથા ચામડીના અન્ય રોગો – આ વિવિધ પરિબળો ડિફ્થેરિયાના ચેપના ફેલાવામાં મદદરૂપ બને છે. ચામડીનો ડિફ્થેરિયાજન્ય રોગ કરતા જીવાણુઓ ઘણી વખત વિષ પણ ઉત્પન્ન કરે છે. ગળાનો રોગ શ્વસનમાર્ગમાં અવરોધ કરીને ઘણો ભય ઉત્પન્ન કરે છે તેથી તેની તરફ વધુ ધ્યાન કેન્દ્રિત થાય તે હેતુથી 1979થી રોગનિયંત્રણ-કેન્દ્રો ચામડીના ડિફ્થેરિયાની નોંધણી કરતાં નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈશ્વિક આરોગ્ય વૃત્તાંત(1996)માં દર્શાવ્યું છે તે પ્રમાણે ભૂતપૂર્વ રશિયાના વિસ્તારના દેશો અને મૉંગોલિયામાં ડિફ્થેરિયાનો વાવર ચાલે છે. 1990થી શરૂ થયેલો આ વાવર અત્યારે સ્થિર સ્થિતિ પર લાવી શકાયો છે. 1995માં તેના 35,000 દર્દીઓ નોંધાયા હતા પરંતુ એમ મનાય છે કે ખરો આંકડો 1,00,000 દર્દીનો હશે. નોંધાયેલા દર્દીઓમાંના 25 % એટલે કે 8,000 મૃત્યુ પામ્યા છે. 1950 પહેલાં રસી હતી નહિ તે સ્થિતિ પર પાછા પહોંચી જવાયું છે તેનું કારણ રસી આપવાની પ્રક્રિયામાં શિથિલતા આવી ગઈ હતી તે છે. આ વાવર રશિયાના યુરોપીય ભાગથી શરૂ થઈને યુક્રેઇન, મૉંગોલિયા, ટર્કમૅનિસ્તાન સહિત પશ્ચિમી પૅસિફિક કિનારા સુધી વિસ્તરેલો છે. ટર્કમૅનિસ્તાનમાં 2 વર્ષથી નાના 50 % દર્દીઓ 1995માં મૃત્યુ પામ્યા છે. તેને કારણે ડિફ્થેરિયાના વાવરની સમસ્યાને ઘણાં આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ચર્ચવામાં આવી છે અને તેને અમેરિકા સિવાયના બધા જ દેશોમાં તથા વૈશ્વિક સ્તરે અગ્રતાક્રમ આપવાનું નક્કી કરાયેલું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના નિયંત્રણ માટે 3 મુદ્દાઓ સૂચવ્યા છે : (1) રસીકરણનો વ્યાપ વધારવો, (2) ડિફ્થેરિયાનું ઝડપથી નિદાન કરીને સારવાર આપવી તથા (3) દર્દીના સંસર્ગમાં આવતી નજીકની વ્યક્તિઓને ઓળખીને તેમની સારવાર કરવી. ક્યોટો જાહેરાત(1994)ને આધારે નવ-સ્વાધીન દેશોમાં રસીકરણના કાર્યને મહત્વની સહાય આપી શકાઈ છે. ભારત અને અગ્નિ એશિયાના દેશોમાં 1984ની સરખામણીમાં 1994માં ડિફ્થેરિયાના નવા દર્દીઓનું પ્રમાણ 77 % ઘટ્યું છે પરંતુ રસી આપવાની પ્રક્રિયામાં શિથિલતા ન આવે તે ખાસ જોવાની જરૂર ગણાય છે.
રોગજનન (pathogenesis) (આકૃતિ 1) : શરીરમાં પ્રવેશેલા વિષજનક (toxigenic) અને બિનવિષજનક (nontoxigenic) જીવાણુઓ ચામડીમાં, ગળાના શ્લેષ્મસ્તરમાં તથા લોહી દ્વારા ફેલાય તો અન્ય અવયવોમાં ચેપ લગાડે છે. તે સપાટી પાસેના પડમાં રહે છે અને સ્થાનિક શોથ (inflammation) ઉત્પન્ન કરે છે, તેઓ 62-KD નામનું બહિર્વિષ (exotoxin) બનાવે છે. જીવાણુઓમાંનું વિષ જીવાણુની બહાર નીકળીને તેની અસર ઉપજાવે છે માટે તેને બહિર્વિષ કહે છે. તે આસપાસના કોષોમાં પ્રોટીનનું ઉત્પાદન (સંશ્લેષણ) બંધ કરીને તેમનો નાશ કરે છે. જીવાણુ સપાટી પરના અધિચ્છદીય (epithelial) કોષો, ફાઇબ્રિન, શ્વેત કોષો અને રક્તકોષોનું એક સંગુલ્મ (coagulum) બનાવે છે, જે સપાટી પર ફેલાય છે અને ભૂખરા-છીંકણી રંગનું પડ બનાવે છે. આ પડને છદ્મપટલ (pseudomembrane) કહે છે. તેને ગળાની દીવાલની સપાટી પરથી ઉખાડવું મુશ્કેલ હોય છે અને જો ઉખાડવામાં આવે તો તેની નીચે લોહી ઝરતી સોજાવાળી સપાટી જોવા મળે છે. ઝેરને કારણે તાળવા અને ગળાના નીચલા ભાગનો લકવો થાય છે. જો ઝેર લોહી વાટે શરીરમાં પ્રસરે તથા પ્રતિરક્ષાલક્ષી વિકાર થાય તો મૂત્રપિંડમાં નલિકાઓનો પેશીનાશ (necrosis) થાય છે, લોહીમાંના ગંઠકકોષો (platelets) ઘટે છે તથા 2થી 10 અઠવાડિયાંમાં હૃદયમાં સ્નાયુરુગ્ણતા (cardiomyopathy) આવે છે અને ચેતાતંતુઓનું માયલિનનું આવરણ નાશ પામે છે.
લક્ષણો અને ચિહનો : 94 % કિસ્સામાં ગળા કે કાકડામાંથી રોગની શરૂઆત થાય છે. ક્યારેક નાક અને સ્વરપેટી પણ અસરગ્રસ્ત થાય છે. ચેપ લાગ્યા પછી ચિહનો–લક્ષણો દેખાવા વચ્ચેના ગાળાને જીવાણુનો ઉછેરકાળ (incubation period) કહે છે. તે સામાન્ય રીતે 2થી 4 અઠવાડિયાંનો હોય છે. ત્યારબાદ ગળામાં સોજો, દુખાવો અને રતાશ જોવા મળે છે. તાવ સામાન્ય રીતે 39° સે./102° ફે.થી વધતો નથી. શિશુઓ(infants)માં નાકમાં રોગ થાય તો લોહી, પરુ અને પાણીનો સ્રાવ થાય છે તથા નાકમાં ચાંદાં તથા છદ્મપટલ જોવા મળે છે. બહારનાં નસકોરાં (external nares) અને ઉપલા હોઠ પર આછાં ચાંદાં પડે છે. ગળા અને કાકડા પર ચેપ લાગ્યો હોય તો ગળાનો સોજો તથા દુખાવો થાય છે. લગભગ 50 %ને તાવ આવે છે અને તેથી પણ ઓછાં બાળકોને ખોરાક ગળવામાં તકલીફ, અવાજ બેસી જવો, થાક લાગવો કે માથાનો દુખાવો વગેરે થાય છે. સામાન્ય લાગતા ગળાના ચેપ પછી એક કે બંને કાકડા પર છદ્મપટલ બને છે. ક્યારેક મૃદુ તાળવું તેમજ ગળાના મોઢા તરફના કે નીચેના ભાગ તથા સ્વરયંત્ર પર પણ છદ્મપટલ ફેલાય છે. ગળાના સોજા તથા ગળામાંની લસિકાગ્રંથિઓ(lymph nodes)માં વેળ ઘાલવાથી તે સૂજે છે અને તેથી વૃષભડોક(bull-neck) જેવો આકાર થાય છે. છદ્મપટલ જેટલો મોટો તેટલો વૃષભડોકનો વિકાર, શ્વાસ લેવાની તકલીફ તથા ઝેરને કારણે ઉદભવતી તકલીફો વધુ થાય છે. તેને કારણે ગૂંગળામણ પણ થાય છે.
ચાપડા જેવો ચોંટેલો છદ્મપટલ, તાવની ગેરહાજરી તથા ખોરાક ગળવાની તકલીફ વડે આ રોગને ગળાનો સોજો કરતા અન્ય રોગોથી અલગ પાડી શકાય છે. અવાજ બેસી ગયો હોય, શ્વાસ ચઢે, ઘરેરાટી (stridor) થાય કે ખોખરી (croupy) ખાંસી આવે તો સ્વરપેટી પણ અસરગ્રસ્ત છે એવું મનાય છે. અન્ય લક્ષણો ન હોય ત્યારે સ્વરપેટી દર્શન(laryngoscopy)ની તપાસ વડે નિદાન શક્ય બને છે. સ્વરપેટીમાં રોગ હોય તો ગૂંગળામણથી મૃત્યુ થવાની સંભાવના વધે છે. તેથી કૃત્રિમ શ્વસનમાર્ગની વ્યવસ્થા અને જરૂર પડ્યે છદ્મપટલછેદન (resection) વડે સારવાર કરવી જરૂરી બને છે. આવા કિસ્સામાં ઝેરની વ્યાપક અસરોની સંભાવના વધુ રહે છે.
ચામડીનો ડિફ્થેરિયા : ચામડીના ઉપલા સ્તરમાં ન રુઝાતું એવું સુષુપ્ત ચેપવાળું ચાંદું પડે છે. તેના પર ભૂખરા-છીંકણી રંગનો છદ્મપટલ બને છે. તેને અન્ય જીવાણુઓથી થતા ચાંદાથી અલગ તારવવું મુશ્કેલ છે અને ક્યારેક તે બંને એકસાથે પણ હોય છે. મોટા ભાગના કિસ્સામાં કોઈ ચામડીના રોગને કારણે વિકારગ્રસ્ત થયેલા ચામડીના વિસ્તાર, ઘા, ઉઝરડા કે દાઝી જવાથી થયેલા ચાંદા પર પાછળથી ડિફ્થેરિયાનો ચેપ લાગે છે. માથા અને વક્ષ કરતાં હાથ-પગ પર તે વધુ થાય છે. ચાંદાની જગ્યાએ દુખાવો, સ્પર્શવેદના (tenderness), રતાશ થાય છે તથા પ્રવાહી ઝરે છે. તેની સાથે ગળામાં પણ ડિફ્થેરિયાનો ચેપ ભાગ્યે જ જોવા મળે છે.
અન્ય સ્થળોનો ચેપ : તે ક્યારેક કાનના બહારના ભાગ, આંખ તથા જનન અવયવોમાં પરુવાળાં ચાંદાં કરે છે. તેમાં પણ છદ્મપટલ થાય છે તથા સપાટીની નીચે લોહી ઝમે છે. ચેપને કારણે ક્યારેક પરુ આખા શરીરમાં ફેલાય છે. તેને સપૂયરુધિરતા (septicaemia) કહે છે. તેનાથી મોટેભાગે મૃત્યુ નીપજે છે. ક્યારેક બાળકોમાં સાંધાનો ચેપ પણ જોવા મળે છે.
હૃદય પર ઝેરી અસર : ડિફ્થેરિયાના 10 %થી 25 % દર્દીઓમાં તે થાય છે અને ડિફ્થેરિયાથી મૃત્યુ પામતા 50 %થી 60 % દર્દીઓને તે હોય છે. હૃદયના સ્નાયુમાં ચેપને કારણે વિકાર થાય તેને હૃદ્-સ્નાયુશોથ (myocarditis) કહે છે. તે મોટી ઉંમરના ઘણા દર્દીઓમાં જોવા મળે છે. જેમ મૂળ ગળાનું ચાંદું મોટું તેમ હૃદય પર ઝેરી અસર થવાની શક્યતા વધુ રહે છે. હૃદયના સ્નાયુ પર ઝેરી અસર થાય ત્યારે તેમાં ચેપ પ્રસર્યો હોતો નથી. આ પ્રકારના વિકારને હદ્-સ્નાયુ રોગ અથવા હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardiomyopathy) કહે છે. મોટાભાગના કિસ્સામાં બીજા કે ત્રીજા અઠવાડિયામાં જ્યારે ગળાનું ચાંદું રુઝાતું હોય ત્યારે હૃદયનો વિકાર થાય છે. જો તે પહેલા અઠવાડિયામાં પણ થઈ આવે તો તે ક્યારેક મૃત્યુકારક હોય છે. તાવના પ્રમાણમાં વધારે પડતો હૃદયના ધબકારાનો દર, ઇલેક્ટ્રૉકાર્ડિયોગ્રામમાં વિવિધ વિકારો, પહોળું થયેલું હૃદય, ક્યારેક હૃદયના ધબકારામાં અનિયમિતતા, શરીરમાં સોજા કરતી હૃદયની કાર્યનિષ્ફળતા અથવા જલભારિત હૃદીય અપર્યાપ્તતા (congestive cardiac failure) વગેરે વિવિધ વિકારો જોવા મળે છે. ક્યારેક તે સંપૂર્ણપણે મટે છે; પરંતુ કેટલાક કિસ્સામાં કાયમી ધોરણે ધબકારાની અનિયમિતતા રહી જાય છે. ડિફ્થેરિયાના બહિર્વિષની ઝેરી અસરને કારણે હૃદયના સ્નાયુનો કેટલોક ભાગ નાશ પામે છે.
ચેતાતંત્ર પર ઝેરી અસર : ગળામાં ચાંદું થયા પછી બે કે ત્રણ અઠવાડિયાંમાં ચેતાતંત્ર (nervous system) પર ઝેરી અસરો જોવા મળે છે. તેને કારણે મૃદુ તાળવા પર અલ્પસંવેદના (hypoesthesia) તથા તેના સ્નાયુઓનો લકવો થાય છે. અલ્પસંવેદનાને કારણે તે સ્થળે અડવાથી સ્પર્શનું ભાન ઓછું થાય છે. ત્યારબાદ ગળાનો પાછલો ભાગ, સ્વરપેટી તથા મોંના સ્નાયુઓમાં અશક્તિ અને લકવો થવા માંડે છે. તેને કારણે નાકમાંથી બોલાય છે. ખોરાક ગળવામાં તકલીફ પડે છે અને શ્વાસનળીમાં ખોરાક જાય તો મૃત્યુ નીપજે છે. પાંચમા અઠવાડિયાથી આંખમાં હલનચલનના સ્નાયુઓ તથા કીકીને નાની-મોટી કરતા સ્નાયુઓનો લકવો થાય છે. તેથી બેવડું દેખાય, આંખ ત્રાંસી થાય, ઝાંખું દેખાય, વાંચવામાં તકલીફ પડે વગેરે લક્ષણો થઈ આવે છે. ક્યારેક હાથપગમાં બંને બાજુએ ચેતાતંતુઓમાં એકસરખી રુગ્ણતા (વિકાર) આવે છે. તેને બહુચેતારુગ્ણતા (polyneuropathy) કહે છે. ક્યારેક ઉરોદરપટલ(diaphragm)નો લકવો થાય છે. ક્યારેક હૃદય અને નસોનું નિયંત્રણ કરતો વાહિનીચાલક (vasomotor) કેન્દ્ર નામનો મગજનો ભાગ અસરગ્રસ્ત થાય તો લોહીનું દબાણ ઘટે છે અને હૃદયનો વિકાર સર્જાય છે.
નિદાન : નાક કે ગળામાં આગળ ઉપર વર્ણવેલું ચાંદું તથા તેનો છદ્મપટલ નિદાનસૂચક છે. ગળામાંના પ્રવાહીને રૂના પૂમડા પર લઈને સૂક્ષ્મદર્શક વડે તપાસી શકાય છે કે જીવાણુનો પ્રયોગશાળામાં ઉછેર કરી શકાય છે. જીવાણુની ઝેર ઉત્પન્ન કરવાની ક્ષમતા ચકાસવાનું સૂચવાય છે.
સારવાર : ઝેરનું મારણ, જીવાણુનાશક દવાઓનો ઉપયોગ તથા શ્વાસની તકલીફ કે લકવો થયો હોય તો તેનો લક્ષણલક્ષી ઉપચાર એમ ત્રણ રીતે સારવાર કરવામાં આવે છે. સારવારનો મુખ્ય આધાર ચોક્કસ પ્રકારનું પ્રતિવિષ (antitoxin) છે. તે ફક્ત મુક્તઝેરને જ નિષ્ક્રિય બનાવે છે માટે શારીરિક તપાસને અંતે નિદાન થાય કે તરત જ તે આપવું જરૂરી ગણાય છે. જેમ જેમ સમય જાય તેમ તેમ તેની અસરકારકતા ઘટે છે. ઘોડાના લોહીમાંથી બનાવેલું અશ્ર્વીય (equine) પ્રતિવિષ ઉપલબ્ધ હોય છે જે ચાંદાં અને છદ્મપટલના કદ અને સ્થાનને આધારે તથા ઝેરી અસરની તીવ્રતાને આધારે અનુભવજન્ય માત્રા(empiric dose)માં નસ વાટે 30થી 60 મિનિટ સુધી ધીમે ધીમે અપાય છે (સારણી 1). 8 % દર્દીઓમાં તેની ઍલર્જી રૂપે રસવ્યાધિ (serum sickness) નામનો વિકાર થાય છે તથા 10 % દર્દીઓ પહેલેથી જ ઍલર્જિક હોય છે. તેથી દરેક દર્દીમાં પ્રતિવિષ આપતાં પહેલાં તેને ઍલર્જી છે કે નહિ તેની તપાસ કરાય છે. ઍલર્જિક દર્દીઓમાં સૌપ્રથમ અસંવેદીકરણ (desensitization) કરાય છે. તેના દ્વારા ઍલર્જી થવાની સંભાવના ઘટાડી શકાય છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન વડે જીવાણુઓની ઝેરી અસરની સારવાર કરવાની પદ્ધતિ સ્વીકૃતિ પામેલી નથી તેથી ફક્ત પ્રતિવિષનો ઉપયોગ જ કરાય છે.
સારણી 1 : ડિફ્થેરિયાના પ્રતિવિષની માત્રા
ચાંદાંની ફેરતપાસ કરીને જીવાણુનો સંપૂર્ણ નાશ થયો છે તેની ખાતરી કર્યા બાદ જ દવા બંધ કરવાનું સૂચન કરાય છે.જીવાણુનાશક સારવાર : તે માટે પેનિસિલિન, એરિથ્રોમાયસિન, ક્લિન્ડામાયસિન, રિફામ્પિન તથા ટેટ્રાસાઇક્લિન ઉપયોગી છે. આ ઍન્ટિબાયૉટિકના ઉપયોગથી દર્દીના શરીરમાં ઝેરનું ઉત્પાદન ઘટે છે, તેનો સ્થાનિક રોગ (ગળાનો કે ચામડીનો) મટે છે અને ચેપનો ફેલાવો અટકે છે. પેનિસિલિન અને એરિથ્રોમાયસિનનો બહોળો ઉપયોગ થાય છે. એરિથ્રોમાયસિન મોં વાટે આપી શકાતું હોવાથી તેનો ઉપચાર સરળ રહે છે; પરંતુ ક્યારેક તેની, તે જ કારણે, અસરકારકતા ઘટે છે. પ્રતિવિષની સારવારને બદલે ઍન્ટિબાયૉટિક આપી શકાતી નથી, ઍન્ટિબાયૉટિક 14 દિવસ માટે અપાય છે. ચામડીના રોગમાં તે 7થી 10 દિવસ માટે અપાય છે.
અન્ય ઉપચારો : ગળાના ડિફ્થેરિયાના દર્દીને સંપૂર્ણપણે અલગ રાખવામાં આવે છે. ચામડીના દર્દીનો સંસર્ગ ઘટે તે જોવામાં આવે છે. ચામડીના ઘાને સાબુ અને પાણીથી બરાબર સાફ કરાય છે. રોગના ઉગ્ર તબક્કામાં સંપૂર્ણ આરામ અપાય છે. અપોષણ તથા હૃદયની કાર્યનિષ્ફળતા કે ગળા કે અન્ય ભાગનો લકવો થયો છે કે નહિ તેની સતત કાળજી લેવાય છે. ગળાનો સોજો કે હૃદયરોગ થતો અટકાવવા કે તેની સારવાર માટે સ્ટીરૉઇડની દવા ન આપવાનું સૂચવાયેલું છે. તેવી જ રીતે ડિજિટાલિસના ઉપયોગથી હૃદયના ધબકારા અનિયમિત થાય છે એવું પણ નોંધાયેલું છે. જો શ્વસનમાર્ગમાં અવરોધ ઉદભવવાથી ગૂંગળામણ થાય તો તેની તાત્કાલિક સારવાર આપવી પડે છે. આવી સ્થિતિમાં મૃત્યુ થવાનો ભય ઘણો જ છે. ડિફ્થેરિયા મટ્યા પછી તેની રસી અપાય છે.
ડિફ્થેરિયા ફેલાતો અટકાવવો એ સરળ અને અસરકારક ઉપાય છે. ડિફ્થેરિયાનું નિદાન થાય એટલે તેની જાણ સ્થાનિક જાહેર આરોગ્યવિભાગને કરવી જરૂરી છે. ચેપનું સ્રોતમૂળ (source) તથા તેની ચેપધારક વ્યક્તિને શોધીને તેની સારવાર કરવી પડે છે. આવી વ્યક્તિને 7 દિવસ માટે સતત ધ્યાનપૂર્વક તપાસવામાં આવે છે. જેથી કરીને ડિફ્થેરિયાના આ સંભવિત ઉછેરકાળ પછી તેનો રોગ તેમનામાં થઈ આવે નહિ. તેમનાં નાક, ગળા અને ચામડી પરના કોઈ પણ ઘા કે ચાંદામાંથી પ્રવાહી મેળવીને તેમાંના જીવાણુનું સંવર્ધન (culture) કરાય છે. તેમને એરિથ્રોમાયસિન અથવા પેનિસિલિન વડે સારવાર અપાય છે. તેમને ડિફ્થેરિયાની રસી પણ અપાય છે.
જો કોઈ વ્યક્તિ ચેપધારક છે એમ જાણમાં આવે તો તેને એરિથ્રોમાયસિનની 7થી 10 દિવસની સારવાર તથા રસી અપાય છે અને તેને અલગ રાખવામાં આવે છે. તેના ગળા કે ચામડીના ઘામાંથી 24 કલાકમાં લેવાયેલા બે નમૂનાઓમાં જીવાણુઓ ન હોય એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી તેને અલગ રાખવાનું સૂચવાય છે. બે અઠવાડિયાં પછી ફરીથી આ જ તપાસ કરાય છે.
પૂર્વનિવારણ (prevention) : આખા વિશ્વમાં લગભગ બધાંને આખી જિંદગી દરમિયાન રસીની મદદથી લોહીમાં પ્રતિવિષનું પ્રમાણ ઊંચું રાખવાથી જ રક્ષણ મળી શકે તેમ છે. રસીને કારણે ચેપ લાગવા કે ચેપધારણ (carriage) સામે રક્ષણ મળતું નથી, પરંતુ તેને કારણે તેનો ફેલાવો તથા ઝેરી અસરો ઘટે છે. જો 70 %થી 80 % વસ્તીને રસી આપવામાં આવી હોય તો ‘જૂથ-પ્રતિરક્ષા’ (herd immunity) વડે સમગ્ર વસ્તીને રક્ષણ મળે છે. ડિફ્થેરિયાના જીવાણુના બહિર્વિષ પર ફૉર્માલ્ડિહાઇડ વડે પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી તેનું ઍલ્યુમિનિયમના ક્ષાર પર અધિશોષણ (adsorption) કરાય છે. આ પદ્ધતિથી તેની પ્રતિરક્ષાક્ષમતા (immunogenicity) વધે છે. આ રીતે તૈયાર થયેલા દ્રવ્યને વિષાભ કહે છે. તેની નાનાં બાળકો માટે (D) તથા પુખ્તવયની વ્યક્તિ માટે (Td) એમ અલગ અલગ રસી બનાવાય છે. બાળકોને ત્રિગુણી કે દ્વિગુણી રસી રૂપે તે મૂકવામાં આવે છે. ત્રિગુણી રસી વડે ડિફ્થેરિયા, ધનુર્વા (tetanus) અને ઉટાંટિયા (pertusis) સામે પ્રતિરક્ષા મળે છે. તેને DPT રસી પણ કહે છે. દ્વિગુણી રસીમાં ઉટાંટિયાની રસી હોતી નથી, તે ડિફ્થેરિયા તથા ધનુર્વા સામે રક્ષણ આપે છે અને તેથી તેને DT રસી પણ કહે છે. 7 વર્ષથી ઉપરની વ્યક્તિને પુખ્તવયવાળા માટેની રસી અપાય છે. સામાન્ય રીતે જીવનના પ્રથમ વર્ષમાં 2, 4 અને 6 મહિને DPTની ત્રિગુણી રસી અપાય છે. ચોથી માત્રા ત્યારબાદ 6થી 12 મહિને અપાય છે અને એક ક્ષમતાવર્ધક (booster) માત્રા 4થી 6 વર્ષે અપાય છે.
જો અગાઉ રસી ન અપાઈ હોય તો 7 વર્ષ કે તેથી વધુ ઉંમરે D વાળી રસીની 4થી 8 અઠવાડિયાંના અંતરે 2 માત્રા અપાય છે. ત્યારબાદ ત્રીજી માત્રા 6થી 12 મહિના પછી અપાય છે. પુખ્ત વયે આખી જિંદગી માટે દર 10 વર્ષે Td રસીની ક્ષમતાવર્ધક માત્રા આપવાનું સૂચવાય છે.
મુમતાઝ વોરા
શિલીન નં. શુક્લ
દીપા સુબ્રમનિયમ