(ડિપ્ટી) નઝીર એહમદ (જ. 6 ડિસેમ્બર 1836, બિજનોર, ઉત્તરપ્રદેશ; અ. 19 ઑક્ટોબર 2008, અલીગઢ) : ઉર્દૂના વિખ્યાત નવલકથાકાર, દિલ્હી કૉલેજના અરબી ભાષા-સાહિત્યના અધ્યાપક, ભારતીય ફોજદારી ધારો(Indian Penal Code)ના સર્વપ્રથમ ઉર્દૂ-હિન્દી અનુવાદક. પંજાબમાં Deputy Inspector of Schools અને અલ્લાહાબાદમાં Inspector of Schools તથા છેવટે નિઝામ હૈદરાબાદમાં Revenue Officerના ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચીને નિવૃત્ત જીવન દિલ્હીમાં પસાર કર્યું હતું. નઝીર એહમદ ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લાના એક ગરીબ પરંતુ શરીફ ખાનદાનના હતા. તેઓ નાનપણમાં ધાર્મિક શિક્ષણ મેળવવા માટે દિલ્હી આવ્યા હતા અને ઘણી મુશ્કેલીઓ સહન કરીને પણ પોતાની મહેનતથી અભ્યાસમાં આગળ વધીને જૂની દિલ્હી કૉલેજમાં પ્રવેશ મેળવી અરબી ભાષામાં પ્રવીણતા પ્રાપ્ત કરી. તેમણે શરૂઆતમાં સરકારી શાળામાં શિક્ષક તરીકે સેવા આપી કારકિર્દીનો પ્રારંભ કર્યો. આ ક્ષેત્રમાં તેમણે ઘણી ખ્યાતિ તથા માન-મરતબાઓ મેળવ્યાં. તેમણે કાયદો (Law) અને ડૉક્ટરી (Medicine)ની ડિગ્રીઓ મેળવી હતી. તેમણે ઇન્ડિયન પીનલ કોડનો જે અનુવાદ તાઝીરાતે હિન્દના નામે કર્યો હતો તે આજે પણ ફોજદારી અદાલતોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગુજરાતીમાં તે ફોજદારી ધારો કહેવાય છે. દિલ્હી કૉલેજમાં તેમણે અરબી ઉપરાંત તત્વજ્ઞાન અને ગણિતની પણ તાલીમ લીધી હતી. દિલ્લી કૉલેજના તે વખતના આચાર્ય મિસ્ટર ટેલર (Mr. Taylor) નઝીર એહમદની બુદ્ધિમત્તા અને ધગશથી ઘણા પ્રભાવિત હતા અને તેમણે મૌલાનાને અંગ્રેજીનું શિક્ષણ લેવાની પણ પ્રેરણા આપી હતી.
1897માં અંગ્રેજી સરકાર તરફથી શમ્સુલઉલેમા(વિદ્વાનોમાં સૂર્ય સમા તેજસ્વી)નો ખિતાબ મળ્યો હતો. તેઓ મૌલવી હતા; પરંતુ સરકારી શાળાઓના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર બન્યા ત્યારથી તેઓ ડિપ્ટી નઝીર એહમદ તરીકે પ્રખ્યાત થયા અને તેમણે આ જ નામે ઉર્દૂ નવલકથાઓ લખી. તેમણે અડધો ડઝન જેટલી નવલકથાઓ દ્વારા ઉર્દૂ ગદ્ય-સાહિત્યમાં આગવું પ્રદાન આપ્યું છે. તેમણે ઓગણીસમા સૈકાના પૂર્વાર્ધમાં જ્યારે સ્ત્રી-શિક્ષણનો રિવાજ હતો નહિ અને ભારતીય સમાજમાં મહિલાઓનું સ્થાન નિમ્ન કક્ષાનું ગણવામાં આવતું હતું ત્યારે સ્ત્રી સશક્તીકરણ અને મહિલાઓના સામાજિક ઉદ્ધાર જેવાં વિષય-વસ્તુઓ પસંદ કરીને સરળ અને સંસ્કારી ભાષામાં એવી નવલકથાઓની રચના કરી જે મહિલા વર્ગમાં જોરદાર સ્વીકૃતિ પામી. જોકે જુનવાણી પુરુષપ્રધાન સમાજમાં વિરોધ પણ થયો. દિલ્હીમાં કેટલાક મૌલવીઓએ મળીને ડિપ્ટી નઝીર એહમદની એક કૃતિની હોળી પણ કરી હતી. તેમની નવલકથાઓ ઉર્દૂ વાંચકોમાં આજે પણ ઘણી લોકપ્રિય છે તથા તેના હિન્દીમાં અનુવાદ થયા છે તે નઝીર એહમદના આદર્શોની સત્યતા અને સફળતાના પુરાવા છે. આવા બહુઆયામી વિચારક તથા લેખકે ઉર્દૂ ભાષા તથા સાહિત્યને સમૃદ્ધ કરવા ઉપરાંત ઓછામાં ઓછું ઉત્તર ભારતમાં સામાજિક ક્રાંતિ લાવવામાં પણ શાશ્વત ફાળો આપ્યો છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી