ડિકેડન્સ, ધ : સાહિત્ય કે કલાનો અવનતિકાળ, કોઈ દેશના કોઈ અમુક સમયની સાહિત્ય કે કલાની પ્રવૃત્તિ કોઈ અગાઉના યુગનાં સર્જનોને મુકાબલે નિકૃષ્ટ કોટિની હોય ત્યારે આ શબ્દપ્રયોગ થાય છે. મોટેભાગે ઍલિક્ઝેન્ડ્રિન યુગ (ઈ. સ. પૂ. 500થી 50) તથા ઑગસ્ટસ(ઈ. સ. 14)ના અવસાન પછીના સમયગાળા માટે આ શબ્દ વપરાય છે.
ઓગણીસમી સદીના ફ્રાન્સની પ્રતીકવાદી (symbolist) ઝુંબેશ અને ખાસ કરીને કવિતા માટે આ શબ્દપ્રયોગ થયો છે. આ ઝુંબેશમાં કલાની સર્વોપરીતા, સનસનાટી, રોમાંચકતા તથા ઉત્તેજનાની અનિવાર્યતા, અહંકેન્દ્રિતા, ચિત્રવિચિત્ર શૈલીમિશ્રણ, કૃત્રિમતા, કલા ખાતર કલા, સમાજમાં – ખાસ કરીને મધ્યમવર્ગીય સમાજમાં કલાકારનું લોકોત્તર વ્યક્તિ તરીકે ચડિયાતું સ્થાન જેવા આગ્રહો-દુરાગ્રહો મુખ્ય હતા. મોટાભાગની ડિકેડન્ટ કવિતા અંગત અનુભવો, આત્મ-પરીક્ષણ, કુટિલતા તેમજ ઉત્તેજક અને ક્ષોભજનક ભાવોનું વિસ્તૃત નિરૂપણ જેવી લાક્ષણિકતામાં રાચતી હતી. આ વાદના ‘મઠાધીશ’ હતા બૉદલેર. તેમના અગ્રણી અનુયાયીઓમાં વિલિયર્સ, રૅમ્બો, વર્લેન તથા લાફોર્ગ વગેરેનો સમાવેશ થતો હતો.
ઇંગ્લૅન્ડમાં આ વાદને ઝાઝું કે જોશીલું સમર્થન મળ્યું જણાતું નથી. અંગ્રેજી સાહિત્ય અને સંસ્કૃતિના ઇતિહાસમાં ઓગણીસમી સદીનો છેલ્લો દસકો (1890–1900) ‘ધ ડિકેડન્સ’ અને ‘નૉટી નાઇન્ટીઝ’ વગેરે નામે ઓળખાય છે. તે સમયનું સાહિત્ય અને સમાજજીવન વિક્ટોરિયન યુગની દાંભિકતા અને આધુનિક યુગની અપ્રિય છતાં સત્ય હકીકત ખુલ્લી પાડવાની વૃત્તિ એ બંને વચ્ચેના સંધિકાળ જેવું હતું. વિક્ટોરિયન યુગનાં સામાજિક અને નૈતિક જીવનમૂલ્યોનો હ્રાસ, દંભી જીવનશૈલી વિરુદ્ધનો આક્રોશ, નવી પેઢીનું મોજશોખપરસ્ત ઉચ્છૃંખલ જીવન, જીવનમૂલ્યોથી અલિપ્ત એવા ‘કલા ખાતર કલા’વાદ ઉપર ભાર, ભોગવિલાસ અને જાતીય જીવનનું કાવ્ય અને વાર્તાસાહિત્યમાં ખુલ્લું ચિત્રણ વગેરે આ યુગનાં લક્ષણ છે.
આ યુગના પત્રિકાચિત્રકાર ઑબ્રી બિયર્ડઝલી ‘યલો બુક’ના સંપાદક હતા. આર્થર સાઇમન્ઝ, જૉન ડેવિડસન, અર્નિસ્ટ ડાઉસન, લાયનેલ જૉન્સન, ફ્રાન્સિસ ટૉમ્પસન, ઑસ્કર વાઇલ્ડ, રોઝેટી તથા સ્પિનબર્ન જેવા લેખકોની કૃતિઓમાં આવાં લક્ષણો જોવા મળે છે. આ પેઢીના કવિઓ સર્જક પ્રતિભા દાખવતાં પહેલાં યુવાવયમાં જ મૃત્યુ પામે છે. તેમને મળેલી જીવનવ્યવસ્થામાં તેમણે આસ્થા ખોઈ નાખી હતી પણ તેની વિરુદ્ધ ગજગ્રાહ ખેડવાની તેમનામાં સૂઝ કે તાકાત ન હતી. ગિલ્બર્ટ અને સલિવને ‘પૅશન્સ’(1881)માં ડિકેડન્સ ઝુંબેશની સખત ઝાટકણી કાઢી હતી.
રજનીકાન્ત પંચોલી
મહેશ ચોકસી