ડિકિન્સન, એમિલિ (જ. 10 ડિસેમ્બર 1830, એમ્હર્સ્ટ, મૅસેચૂસેટ્સ; અ. 15 મે 1886) : અમેરિકન કવયિત્રી. તેમનો જીવનકાળ વીત્યો ઓગણીસમી સદીમાં, પરંતુ કવિ તરીકે પ્રસિદ્ધિ મળી વીસમી સદીમાં. પરબીડિયાંની પાછળ અને કાગળની કોથળીઓ પર લખાયેલાં અનેક કાવ્યોની થપ્પીઓ મૃત્યુ પછી એમના ટેબલનાં ખાનાંમાંથી મળી આવેલી. કુલ 1775 કાવ્યોમાંથી સાતેક જ એમના જીવનકાળ દરમિયાન છપાયેલાં.
ડિકિન્સન કુટુંબ પેઢીઓથી મૅસેચૂસેટ્સમાં વસ્યું હતું અને સત્તરમી સદીથી જ મૅસેચૂસેટ્સ સખ્તાઈવાળી પ્યૂરિટન વિચારશ્રેણી અને જીવનશૈલીનું કેન્દ્ર રહ્યું હતું. કાળક્રમે એ પકડ ઢીલી પડેલી, તેમ છતાં એમિલિનો જન્મ થયો ત્યારે લોકોના રોજિંદા જીવન પર એની અસર હતી. એમાં વળી એમિલિના પિતા એમ્હર્સ્ટના ફર્સ્ટ ચર્ચ(પ્યૂરિટન દેવળ)ના સ્તંભ જેવા હતા એટલે ઘરનું વાતાવરણ પણ કડક અને ધર્મપરાયણ હતું. એમિલિના ઘડતરમાં આ પ્યૂરિટન પરંપરાનો મોટો ફાળો હતો. સાથોસાથ આ પરંપરાને પડકારરૂપ એમર્સનનો અગોચરવાદ (transcendentalism) અને રોમૅન્ટિસિઝમ પણ નવાં સ્પંદનો જગાવી રહ્યાં હતાં. એમિલિ એનાથી પણ પ્રભાવિત થયાં અને આ બંને વિરોધાભાસી પ્રવાહો વડે તેમનું ઘડતર થયું. પરિણામે એમની કવિતામાં કુદરતનાં તત્વો – ફૂલ, પંખી, પ્રકાશ, અવાજ, બરફ માટે તીવ્ર હર્ષોલ્લાસ વ્યક્ત થયો છે અને સાથે સાથે લાગણીઓને દાબી દેવાની પ્યૂરિટન પ્રણાલિકાની શિસ્ત પણ આલેખાઈ છે. આવા ભિન્ન પ્રકારનાં બળોના ટકરાવમાંથી એમની ચમત્કૃતિઓ જન્મે છે. કુદરતનાં તત્વો ઉપરાંત ડિકિન્સનની કવિતાનો મુખ્ય વિષય છે મૃત્યુ. મૃત્યુ માટે એમને ઊંડું કુતૂહલ છે. એમનું ઉત્તમ કાવ્ય ‘બીકૉઝ આઇ કુડ નૉટ સ્ટૉપ ફૉર ડેથ, હી કાઇન્ડલી સ્ટૉપ્ડ ફૉર મી’ – આ જ વિષય પર છે.
સ્વભાવે ડિકિન્સન એકાકી હતાં. આસપાસના સમાજ સાથે ઓછો સંબંધ રાખતાં. છેલ્લાં કેટલાંક વર્ષ તો સફેદ વસ્ત્રો જ પહેરતાં અને 23 વર્ષની વયે ઘરની બહાર નીકળવાનું પણ બંધ કર્યું. જીવનભર એ અપરિણીત રહ્યાં. જોકે ફિલાડેલ્ફિયાના એક પરિણીત પાદરી ચાર્લ્સ વૉડ્ઝવર્થ સાથે સ્નેહસંબંધ બંધાયેલો અને વૉડ્ઝવર્થના સાનફ્રાન્સિસ્કો ચાલ્યા જવાથી એમણે વિરહભાવ અનુભવેલો. એમનાં પ્રેમવિષયક કાવ્યોમાં એની જ સચોટતા છે.
ડિકિન્સનનાં કાવ્યો ટૂંકાં છે; ભાગ્યે જ કોઈ કાવ્ય 30 લીટી ઉપરનું હશે. કાવ્યના ઉઠાવમાં જબરી પકડ હોય છે. અલબત્ત, બધાં કાવ્યો એકસરખાં નથી કે બધી કૃતિઓ સફળ બની રહે છે એવું પણ નથી છતાં અંગ્રેજીનાં સોએક શ્રેષ્ઠ ઊર્મિકાવ્યોમાં ગણના થાય તેવાં છે. કાવ્યવિચાર અને કાવ્યબંધ એમ બંને ર્દષ્ટિએ અનેકગણી મૌલિકતા દર્શાવતાં અને ઠસોઠસ અંગતતાથી તથા રહસ્યવાદથી રંગાયેલાં તેમનાં કાવ્યોનો આધુનિક કવિતા પરત્વે– ખાસ કરીને અમેરિકામાં ગણનાપાત્ર પ્રભાવ પડ્યો.
એમિલિ ડિકિન્સનનાં કાવ્યો એકત્ર કરીને તેમનાં બહેન લેવિનિયાએ 1891થી 1896 દરમિયાન ત્રણ ગ્રંથ રૂપે પ્રગટ કર્યાં. વિશેષ કાવ્યસંગ્રહો ‘ધ સિંગલ હાઉન્ડ’ 1914માં અને ‘બૉલ્ટ્સ ઑવ્ મૅલડી’ 1945માં પ્રગટ થયા. એમના પત્રો ટી. એચ. જૉન્સને થિયોડોરા વૉર્ડના સહકારથી ત્રણ પુસ્તકો રૂપે 1958માં પ્રકાશિત કર્યા.
રશ્મિકાન્ત મહેતા