ડિકિન્ઝ, ચાર્લ્સ (જ. 7 ફેબ્રુઆરી 1812, પૉર્ટ્સમથ; અ. 9 જૂન 1870 કૅન્ટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી નવલકથાકાર, તેમના જન્મનાં બે વર્ષ બાદ કુટુંબ લંડન આવ્યું. તેમના પિતા નૌકાદળમાં એક સામાન્ય કારકુન હતા. પિતાની ગરીબાઈના કારણે 12 વર્ષની વયે ચાર્લ્સને આજીવિકા માટે કામ શરૂ કરવું પડ્યું. થોડા મહિના એમણે એક દુકાનમાં શીશી પર લેબલ લગાડવાનું કામ કર્યું. એમના સમગ્ર જીવન દરમિયાન એ કામના દુ:ખદ અનુભવોની છાયા એમના પર રહી હતી. 15 વર્ષે એમણે અભ્યાસ છોડી દીધો. સાહસકથાઓ, પરીકથાઓ તથા નવલકથાઓ વાંચવાના શોખીન હતા. વિલિયમ શેક્સપિયર, સ્મૉલેટ, ફીલ્ડિંગ જેવા અંગ્રેજી લેખકોની એમના પર ઘણી અસર થઈ. છતાં લેખક તરીકે એમણે જે જ્ઞાનનો ઉપયોગ કર્યો તે તો એમની આસપાસના સમાજજીવનના નિરીક્ષણ અને બારીક અવલોકનમાંથી જ નિષ્પન્ન થયું હતું.
1828–29માં એ વર્તમાનપત્રોના ખબરપત્રી બન્યા. એ રીતે વાસ્તવિકતા ઉપસાવવામાં નિષ્ણાત બન્યા અને સ્પષ્ટતાથી અને ત્વરાથી લખવાની તેમની કલાનો પણ વિકાસ થયો. 1836–37માં માસિક હપતા રૂપે ‘ધ પૉસ્ટ્યૂમસ પેપર્સ ઑવ્ ધ પિકવિક ક્લબ’ પ્રસિદ્ધ થયું. લંડનના અને ઇંગ્લૅન્ડના ગ્રામપ્રદેશનાં કંઈક અંશે તરંગી અને ચિત્રવિચિત્ર પાત્રોનાં સાહસો અને દુ:સાહસોનાં રમૂજી વર્ણનની આ કથાને પછી ‘પિકવિક પેપર્સ’ના નામથી પ્રકાશિત થયેલ પુસ્તક રૂપે અનન્ય લોકપ્રિયતા મળી અને ચાર્લ્સ 24 વર્ષની વયે એકાએક સુપ્રસિદ્ધ લેખક બની ગયા. ડિકિન્ઝે બે ઉત્તમ સામયિકોની સ્થાપના કરેલી અને 1850થી 1859 સુધી ‘હાઉસહૉલ્ડ વર્ડ્ઝ’નું અને 1859થી મૃત્યુ પર્યંત ‘ઑલ ધ યર રાઉન્ડ’નું તંત્રીપદ સંભાળ્યું.
‘ઑલિવર ટિવસ્ટ’(1837–1839)ની અનાથ કિશોરની સાહસકથામાં લંડનના ગુનાઇત સમાજનું તથા ગરીબ પ્રજા પ્રત્યેના સમાજના દુર્વ્યવહારનું તલસ્પર્શી બયાન છે. ‘નિકોલસ નિકલ્બી’ (1838–1839)માં ખાનગી શાળાઓના લોભી માલિકોના વિદ્યાર્થીઓ પ્રત્યેના અમાનુષી વર્તનનું નિરૂપણ છે. ‘ધ ઓલ્ડ ક્યુરિયોસિટી શૉપ’ (1840–1841), ‘બાર્નાબી રુજ’ (1841) અને ‘માર્ટિન ચુઝ્લવિટ’ (1843–1844) પછી 1840 તથા 1850ના ગાળામાં તેમણે ‘ક્રિસ્ટમસ બુક્સ’નાં પાંચ પુસ્તકો આપ્યાં.
ત્યારબાદ ડિકિન્ઝને જગતમાં રહેલાં અનિષ્ટ તત્વોનું દર્શન થવા માંડ્યું. તેમની વિનોદવૃત્તિમાં થોડી કડવાશ પણ આવી અને એમણે વેધક કટાક્ષની શૈલી પણ અપનાવવા માંડી. ‘ડેવિડ કૉપરફીલ્ડ’-(1849–1850)માં આત્મકથનાત્મક વસ્તુના આલેખન રૂપે ડિકિન્ઝના યૌવનકાળના સ્વાનુભવો ઝિલાયા છે. ‘બ્લીક હાઉસ’ (1852–1853) જેવી મહાન નવલકથામાં ગૂઢાર્થ, કટાક્ષ તથા સામાજિક સમાલોચના છે, ભાવોત્તેજક પ્રસંગો છે. તેમાં નિષ્ઠુર કાનૂની કાર્યવહી તેમજ જૂઠા માનવતાવાદીઓ, પાખંડી પાદરીઓ અને પ્રજાના આરોગ્ય પ્રત્યે દુર્લક્ષ સેવતા અધિકારીઓનું આલેખન છે. ‘લિટલ ડૉરિટ’(1855–1857)માં ભૌતિકવાદ અને મિથ્યાભિમાનમાં રાચતા સમાજ સામે જેહાદ છે, ઉપરાંત ‘સરકમલોક્યુશન ઑફિસ’ દ્વારા સરકારની બિનકાર્યક્ષમતાની હાંસી ઉડાવી છે.
‘ટેલ ઑવ્ ટૂ સિટીઝ’(1859)ની ઐતિહાસિક નવલકથામાં લંડન અને પૅરિસ વચ્ચે અટવાતા સિડની કાર્ટનની વીરતાની ગાથા ફ્રેન્ચ વિપ્લવની પશ્ચાદભૂમિકામાં આલેખાઈ છે. તેમની જાણીતી નવલ ‘ગ્રેટ એક્સ્પેક્ટેશન્સ’(1860–1861)માં ચરિત્રનાયક પીપ સદગૃહસ્થનું જીવન જીવી શકે એ માટે તેને એક અજાણ્યો માણસ પૈસાની મદદ કરે છે; પરંતુ વાસ્તવિકતા સમજાતાં જીવનમૂલ્યો બદલાય છે અને મિથ્યાભિમાન, પરિગ્રહ અને સામાજિક મોભાને બદલે તે સંવેદનાના પાયા પર જીવનને સ્થાપિત કરે છે. ‘અવર મ્યુચ્યુઅલ ફ્રેન્ડ’ (1864-1865) સામાજિક જીવનનું પ્રતિબિંબ પાડતી ડિકિન્ઝની કૃતિ છે. ‘ધ મિસ્ટરી ઑવ્ એડવિન ડૂડ’ અધૂરી નવલકથા છે.
અંગ્રેજી સાહિત્યમાં તેમણે ઘણાં પ્રસિદ્ધ પાત્રો રચ્યાં છે. તેમાં તેમણે વર્ણવેલાં સ્થળો તથા ર્દશ્યોએ વાચકોને સદા આનંદ આપ્યો છે. તેમનામાં માનવજીવનનું સૂક્ષ્મ અવલોકન કરવાની અને તેને સમજવાની અપાર શક્તિ હતી. અસહાય અને દરિદ્ર મનુષ્યો તરફ એમને હંમેશાં સહાનુભૂતિ હતી. પરિણામે તેમણે લોભી, સ્વાર્થી અને નિર્દય મનુષ્યોની સતત ટીકા કરીને એમની હાંસી ઉડાવી છે.
હાસ્યપ્રધાન પાત્રોનું નિરૂપણ કરવાની તેમનામાં અદભુત મૌલિક શક્તિ હતી. તેમની કલાકૃતિઓમાંથી એમના વ્યક્તિત્વની સંવેદનશીલતા અને ઉષ્મા ઊપસી આવે છે. સ્વાનુભવ તથા પરિચિત વ્યક્તિઓના આધારે રચાયેલાં એમનાં કથાપાત્રોમાં ‘ડેવિડ કૉપરફીલ્ડ’નું વિલ્કિન્સ મિકૉબરનું પાત્ર એમના પિતા સાથે સામ્ય ધરાવે છે. એમના પિતાને દેવાના કારણે કેદમાં જવું પડેલું. ‘લિટલ ડૉરિટ’માં એ પ્રસંગનું એમણે નિરૂપણ કર્યું છે.
નાટકોનો એમને ઘણો શોખ હતો. એ પ્રખ્યાત અને શ્રીમંત બન્યા ત્યારે એમણે અવેતન રંગભૂમિ પર કામ કર્યું અને કેટલીક નાટ્યકૃતિઓ પેશ કરી. તેમની કૃતિઓના જાહેર વાચનમાં તથા તેમની નવલકથાનાં ર્દશ્યોના નાટ્યરૂપાંતરમાં તેઓ ઘણા સફળ નીવડ્યા તે આ નાટ્યશોખને કારણે.
વ્યક્તિગત જીવનની વેદના એમની સફળતા માટે થોડી બાધક બની રહી. 1836માં એમનું લગ્ન કૅથરિન હોગાર્થ સાથે થયું. કૅથરિનની બહેન મેરીનું 1837માં અવસાન થવાના કારણે ડિકિન્ઝે જે આઘાત અનુભવ્યો તેનાથી ઘણા વિદ્વાનો એમ માનવા પ્રેરાયા કે ડિકિન્ઝને કૅથરિન કરતાં મેરી પર સવિશેષ પ્રેમ હતો. ડિકિન્ઝ અને કૅથરિન બંને 1858માં છૂટાં પડ્યાં.
ડિકિન્ઝની ગણતરી મહાન સાહિત્યકારોમાં થાય છે. એમની બારીક અવલોકનશક્તિ અને કથાવસ્તુ પ્રમાણે ર્દશ્યો સર્જવાની ક્ષમતાએ એમને મહત્તા બક્ષી છે.
રશ્મિકાન્ત મહેતા