ડિંભ (larva) : જીવનચક્ર (life cycle) દરમિયાન અમુક પ્રાણીઓમાં ઉદભવતી એક પ્રકારની અપક્વ અવસ્થા (immature stage). આવાં પ્રાણીઓ સીધી રીતે ઈંડાંમાંથી પક્વાવસ્થા પ્રાપ્ત કરવાને બદલે એક કે વધુ અપક્વ અવસ્થામાંથી પસાર થતાં હોય છે. વિવિધ અવસ્થાઓમાંથી પસાર થતાં પ્રાણીઓના આ પ્રક્રમને રૂપાંતરણ (metamorphosis) કહે છે. રૂપાંતરણ દરમિયાન ડિમ્ભાવસ્થા ઉપરાંત કેટલાંક પ્રાણીઓ પ્યૂપા અને કોશેટો (cocoon) જેવી અવસ્થામાંથી પસાર થઈને છેવટે પક્વાવસ્થા પ્રાપ્ત કરે છે. મુખ્યત્વે કીટક (insect), સ્તરકવચી (crustacean), પૃથુકૃમિ, વલયકૃમિ, મૃદુકાય (mollusca), શૂળત્વચી (echinoderm), પ્રમેરુદંડી (protochordate) અને ઉભયજીવી (amphibian) જેવાં પ્રાણીઓ રૂપાંતરણ દ્વારા પ્રગલ્ભાવસ્થા પ્રાપ્ત કરતાં હોય છે. કોઈ પણ પ્રકારનાં ડિંભ પ્રજનનાંગો ધરાવતાં નથી હોતાં માટે પ્રજનન કરી શકતાં નથી. આ અવસ્થા પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા અને જીવનચક્ર ચાલુ રાખવા સર્જાયેલી છે.

દાખલા તરીકે, દેડકો ડિમ્ભાવસ્થા દરમિયાન પાણીમાં જીવન પસાર કરે છે. આ ડિમ્ભાવસ્થાને ટૅડપોલ કહે છે. ટૅડપોલને પગ હોતા નથી. તે પૂંછડીની મદદથી પાણીમાં તરે છે. તેને બાહ્ય ઝાલરો હોય છે. તેની મદદથી તે પાણીમાં ઓગળેલા પ્રાણવાયુનું શોષણ કરે છે. કાળક્રમે ટૅડપોલનાં ઝાલર અને પૂંછડી જેવાં અંગો લોપ પામે છે, જ્યારે ફેફસાં  અને પગ જેવાં અંગો  વિકસે છે. ટૅડપોલ શાકાહારી છે, જ્યારે પુખ્ત દેડકો પોતાની લાંબી જીભની મદદથી કીટકને પકડી તેનું ભક્ષણ કરે છે. ટૅડપોલ ઉપરાંત મોટાભાગનાં અન્ય  ડિમ્ભો વિપુલ પ્રમાણમાં ખોરાકનું પ્રાશન કરે છે. આ ખોરાક પક્વાવસ્થા કરતાં જુદો હોય છે. પરિણામે ડિમ્ભ અને પક્વ પ્રાણી વચ્ચે ખોરાક માટે હરીફાઈ હોતી નથી. પક્વ પ્રાણીઓ પ્રજનનશક્તિ ધરાવે છે.

કીટકોનાં ડિમ્ભોને ઇયળ (caterpillar) કહે છે. ઇયળો અત્યંત ખાઉધરી હોય છે. તે પાકને ઘણું નુકસાન પહોંચાડે છે. કેટલાંક સમુદ્રનિવાસી પ્રાણીઓ પક્વાવસ્થા દરમિયાન સ્થાયી જીવન પસાર કરતાં હોય છે પરંતુ તેનાં ડિમ્ભો તરી શકે છે. પ્રવાહને અનુરૂપ તેમનું સ્થાનાંતર થતું હોય છે. આ ડિમ્ભો યોગ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં આવતાં એકાદ વસ્તુને ચોંટીને ત્યાં સ્થાયી બને છે અને વિકાસ દ્વારા પક્વ અવસ્થા પ્રાપ્ત કરે છે. ઍક્સોલૉટલ ઉભયજીવી ડિમ્ભ પ્રજનનાવસ્થા દરમિયાન પણ પોતાનું સ્વરૂપ જાળવી રાખે છે તે પ્રજનનની ર્દષ્ટિએ પક્વ બને છે. તેથી આ અવસ્થામાં ઍક્સોલૉટલને વિકસિત પ્રજનનાંગો ધરાવતા ડિમ્ભ તરીકે વર્ણવી શકાય.

મ. શિ. દૂબળે