ડિંડિગુલ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યનું શહેર. તે મદુરાઈ જિલ્લામાં આશરે 10° 11´ ઉ. અક્ષાંશવૃત્ત અને 77° 58´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું છે. ‘ટિન્ટુકલ’ શબ્દ પરથી તેનું નામ ઊતરી આવેલું છે. એનો અર્થ ‘ઉઘાડી કે ખુલ્લી ટેકરી’ થાય છે. આ ટેકરી પર વિજયનગર સામ્રાજ્યના સમયગાળા(1336–1565)માં કિલ્લો બંધાયેલો જેનો ઉપયોગ સત્તરમીથી ઓગણીસમી સદીઓ દરમિયાન ખેલાયેલાં યુદ્ધોમાં થયો હતો.
આ શહેર સુતરાઉ કાપડની વિશાળ મિલો ધરાવે છે. અહીંના કુટીર ઉદ્યોગોમાં રેશમ-વણાટ ઉદ્યોગ અગ્રસ્થાને છે. આ સિવાય ઝવેરાત અને સિગારેટ માટે તે પ્રખ્યાત છે.
ડિંડિગુલથી આશરે 11 કિમી. દૂર દક્ષિણમાં આવેલા ગાંધીગ્રામ ખાતે વિદ્યાર્થીઓની એક આશ્રમશાળા છે. આ ઉપરાંત અહીં શિક્ષકો માટેની તાલીમી કૉલેજ અને દવાખાનું પણ છે. ડિંડિગુલમાં મદુરાઈ યુનિવર્સિટીને સંલગ્ન આર્ટ્સ કૉલેજો છે. આ શહેર વાયવ્યે કોઇમ્બતુર, ઈશાને તિરુચિરાપલ્લી અને દક્ષિણે મદુરાઈ સાથે રેલમાર્ગે સંકળાયેલું છે. મદુરાઈ, તિરુચિરાપલ્લી અને સાલેમ સાથે તે રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલું છે. તેની વસ્તી આશરે 25,00,367 (2022) છે.
બીજલ પરમાર