ડિંગલનો ઉપસાગર : આયર્લૅન્ડ દેશના કેરી પરગણામાં આવેલો ઉપસાગર. દેશના નૈર્ઋત્યના દરિયાકાંઠે આશરે 52° ઉ. અક્ષાંશવૃત્ત અને 10° પ. રેખાંશવૃત્ત પર આવેલો છે. આયર્લૅન્ડનો આ પહાડી સમુદ્રતટ ભૂતકાળમાં હિમનદીઓના લાંબા સમયના ભારે ધોવાણથી અત્યંત ખાંચાખૂંચીવાળો બનેલો છે અને ઍટલાન્ટિક મહાસાગરના એક ભાગ રૂપે એક ખાંચામાં તેની રચના થઈ છે.
ઉપસાગરની ઉત્તરમાં ડિંગલનો દ્વીપકલ્પ અનેક હિમઘર્ષિત પહાડી ટેકરીઓ ધરાવે છે, જે 600 મી.થી વધુ ઊંચી છે અને તેનું સર્વોચ્ચ શિખર બૉટ્રેગામ લગભગ 852 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની દક્ષિણે ડિંગલના ઉપસાગરને અડીને આવેલા ભાગોમાં કેટલીક અદભુત કરાડો (cliff) રચાયેલી જોવા મળે છે. ઉપસાગરના ઉત્તરના કિનારાના ભાગોમાં ડિંગલ, વેન્ટ્રી અને સ્મેરવિક બંદરો તેમજ સમુદ્રતરફી છેડા પર બ્લાસ્કેટ ટાપુ આવેલો છે, જ્યારે ઉપસાગરના દક્ષિણના કિનારે કાહિર્સિવીન નામની વસાહત તેમજ તેના સમુદ્રતરફી છેડા પર વેલેન્શિયા ટાપુ આવેલો છે. પૂર્વ તરફથી વહીને આવતી લૉન અને માઇન નદીઓનાં જળ આ ઉપસાગરમાં ઠલવાય છે.
બીજલ પરમાર