ડાલી, સૅલ્વડૉર (જ. 11 મે, 1904, ફિગરસ, સ્પેન; અ. 23 જાન્યુઆરી, 1989, ફિગરસ, સ્પેન) : સ્પેનના ક્યૂબિસ્ટ ચિત્રકાર. માડ્રિડમાં એકૅડમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કર્યા પછી 1928માં પૅરિસ ગયા. ત્યાં બ્રેટન જેવા અગ્રણીએ તેમને સરરિયલિસ્ટ જૂથમાં આવકાર આપ્યો (1929). પરંતુ માર્કસવાદી સંબંધોનો અસ્વીકાર કરવા બદલ બ્રેટને જ તેમની હકાલપટ્ટી કરી. સ્પેનમાં તેમણે અસ્વાભાવિક મનોદશા ધરાવતી વ્યક્તિઓ સંબંધી મનોવિજ્ઞાનનો તથા સ્વપ્નસંકેતોનો ઊંડો અભ્યાસ કર્યો.
તેમની ચિત્રસૃષ્ટિ ભયાનક દુ:સ્વપ્ન જેવી છે; આ ચિત્રોની આદમકદ કીડીઓ તથા લચીલી ખિસ્સા-ઘડિયાળો જેવી ચિત્રવિચિત્રતાઓમાં વાસ્તવલક્ષી વિગતોની સૂક્ષ્મ ચોકસાઈની સાથોસાથ અનિવાર્ય ભયાનકતા ઝળૂંબ્યા કરે છે. તેમનાં ચિત્રોમાં અસંભવિત સહ-ઉપસ્થિતિ(Juxtaposition)નું અતિવિગતપૂર્ણ નિરૂપણ છે. તેની શૈલી અમુક અંશે અમૂર્ત પ્રકારની અને વિષયવસ્તુ મનોવિભ્રમને લગતું છે અને તે માટે અધોજાગ્રત મન:સ્થિતિમાંથી પ્રેરણા ઝિલાઈ છે; પરંતુ તેમની ઉત્તમ સર્જકતા વ્યક્ત થઈ છે ઝવેરાતના નમૂનામાં. તેમાં પ્રચંડ કલ્પકશક્તિ તથા ઝીણવટ અને ચોકસાઈભર્યા કૌશલનો અદભુત સમન્વય ગોઠવાયો છે.
1940થી 1955ના અમેરિકા વાસ દરમિયાન તેમણે કૅથલિક ધર્મ સ્વીકાર્યો અને પોતાની કલાશક્તિ પ્રતીકાત્મક ધાર્મિક ચિત્રો પરત્વે સમર્પી દીધી; પરંતુ ધર્મવિષયની આ ઉત્તરકાલીન કૃતિઓમાં પણ તે મનસ્વી અને કઢંગી ક્ષોભજનકતા નિવારી શક્યા નથી. ત્યાર પછી સ્પેન પાછા આવી ફ્રાન્કોના પ્રતિબદ્ધ સમર્થક બની રહ્યા. 1929 અને 1931માં તેમણે સમર્થ ફિલ્મસર્જક બનવેલના સાથમાં બે સરરિયલિસ્ટ ચલચિત્રો બનાવ્યાં. 1948માં હિચકૉકની પ્રખ્યાત ફિલ્મ ‘સ્પેલબાઉન્ડ’માં તેમણે એક સ્વપ્નર્દશ્ય પણ પ્રયોજ્યું. ‘ધ સિક્રેટ લાઇફ ઑવ્ સૅલ્વડૉર ડાલી’ (1942) નામની આત્મકથા તથા સરરિયલિસ્ટ નવલકથા ‘હિડન ફૅસિઝ’ (1944) – એ તેમનાં મહત્વનાં પ્રકાશનો છે. તેમની ઘણીખરી ચિત્રકૃતિઓ અમેરિકાનાં ચિત્રસંગ્રહાલયોમાં છે.
મહેશ ચોકસી