ડાયૉરાઇટ : અંત:કૃત અગ્નિકૃત ખડકનો એક પ્રકાર. કણરચના સંપૂર્ણ સ્ફટિકમય, સ્થૂળદાણાદાર. મુખ્યત્વે તે ઑલિગોક્લેઝ કે ઍન્ડેસિન જેવા સોડિક પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારથી, 10 % સુધીના ક્વાર્ટ્ઝથી, કુલ ફેલ્સ્પારના 33 % પ્રમાણ સુધીના આલ્કલી ફેલ્સ્પાર ઑર્થોક્લેઝથી તેમજ એક કે વધુ લોહ-મૅગ્નેશિયમ ખનિજો પૈકી હૉર્નબ્લેન્ડ, બાયૉટાઇટ અથવા પાયરૉક્સીન જેવાં ખનિજોથી બનેલો હોય છે. આ ઉપરાંત ક્યારેક તેમાં સ્ફીન (ટિટેનાઇટ) પણ અનુષંગી ખનિજ તરીકે મળી આવે છે.
ડાયૉરાઇટ ખડકનો અર્થ તેની વ્યાખ્યાના સંદર્ભમાં ક્યાં સુધી વિસ્તારવો તે બાબતમાં ઘણા લેખકોએ આ પર્યાયને ચર્ચાની એરણ પર મૂકેલો. અનુષંગી ક્વાર્ટ્ઝનું ઠીક ઠીક પ્રમાણ ધરાવતા ડાયૉરાઇટને ટોનાલાઇટ કહેવાય. એ જ રીતે ગ્રેનોડાયૉરાઇટ તેમજ એડેમેલાઇટને પણ ડાયૉરાઇટની કક્ષામાં મૂકી શકાય. આલ્કલી ફેલ્સ્પારનું પ્રમાણ વધવાની સાથે ડાયૉરાઇટ મૉન્ઝોનાઇટમાં, જ્યારે ક્વાર્ટ્ઝનું પ્રમાણ વધવાની સાથે તે ગ્રેનોડાયૉરાઇટમાં ફેરવાય છે. એ જ રીતે જ્યારે પ્લેજિયોક્લેઝનું પ્રમાણ વધે તો તે ગૅબ્રોમાં ફેરવાય છે. સ્થૂળદાણાદાર ડાયૉરાઇટ સૂક્ષ્મદાણાદાર કણરચનામાં ફેરવાય તો તે માઇક્રોડાયૉરાઇટ, તો ક્યારેક લૅમ્પ્રોફાયર બની રહે છે. 70 %થી વધુ લોહ-મૅગ્નેશિયમવાળાં ખનિજોથી બનેલો આ ખડક મેલાડાયૉરાઇટ ગણાય, પરંતુ 100 % પ્રમાણ થઈ જતાં તે પર્કનાઇટ ગણાય. આથી ઊલટું, તેનું પ્રમાણ જો 20 % કે તેથી ઓછું થઈ જાય તો તેને લ્યુકોડાયૉરાઇટ કહેવાય. તે જ રીતે આ પ્રમાણ જો 50 % કે તેથી ઓછું થાય તો તેને ઑલિગોક્લેસાઇટ કે એન્ડેસિનાઇટ કહેવાય.
ઉત્પત્તિસ્થિતિના સંજોગો મુજબ તે સમદાણાદાર થવાનું વલણ ધરાવી શકે છે, પણ અર્ધસ્ફટિકમય કણરચનાવાળા પ્રકારો ભાગ્યે જ મળે છે. કોર્સાઇટ અથવા નેપોલિયનાઇટ તરીકે ઓળખાતા અને જાણીતા બનેલા ઑર્બિક્યુલર ડાયૉરાઇટમાં 2–15 સેમી. વ્યાસવાળા સ્ફટિકોની ગોઠવણી એક ઉપર એક એવા પડવાળી હોય છે. પાયરૉક્સીનધારક ડાયૉરાઇટમાં ઑગાઇટ હોય છે, તો ક્યારેક હાયપરસ્થીન પણ જોવા મળે છે. જોકે હૉર્નબ્લેન્ડ ડાયૉરાઇટ વધુ સામાન્ય હોઈ, મોટેભાગે મળે છે. અબરખધારક ડાયૉરાઇટમાં સામાન્યપણે થોડોક ક્વાર્ટ્ઝ પણ હોય છે.
ડાયૉરાઇટ અને ગ્રેનોડાયૉરાઇટ સમલક્ષણોવાળા હોવા છતાં બંને વચ્ચેનો તફાવત એ છે કે ડાયૉરાઇટમાં SiO2નું પ્રમાણ ઓછું હોય છે. એ જ રીતે ડાયૉરાઇટથી ગૅબ્રો તરફ જતાં SiO2નું પ્રમાણ ઘટે છે પણ Ca અને Mgનું પ્રમાણ વધતું જાય છે અને આલ્કલીનું પ્રમાણ ઘણું ઘટી જાય છે.
અસંતૃપ્ત ડાયૉરાઇટ અત્યંત ઓછા પ્રમાણમાં મળી આવે છે. આ સમૂહ પૈકી ઑલિગોક્લેઝ – કોરંડમથી બનેલો ખડક પ્લુમેસાઇટ તરીકે ઓળખાય છે. અનુષંગી નેફેલિન સહિતનો એન્ડેસાઇન-કોરંડમ ખડક ડંગેનોનાઇટ કહેવાય છે, જે નેફેલિન સાયનાઇટ સાથે સંકળાયેલો હોય છે.
માઇક્રોડાયૉરાઇટ ખડકો ડાઇક જેવાં અંતર્ભેદનો સ્વરૂપે સામાન્ય રીતે મળતા નથી. કહેવાતા ડાયૉરાઇટ-પૉર્ફિરી ખડકો ખરેખર તો જૂના પર્યાય પૉર્ફિરાઇટને મળતા આવે છે. બિનપૉર્ફિરિટિક માઇક્રોડાયૉરાઇટ માટે માલ્કાઇટ નામ ઉપયોગમાં લેવાયેલું છે. જોકે તે લેમ્પ્રોફાયર્સ માટે કેટલીક વાર ઉપયોગમાં લેવાતું રહ્યું છે. માર્કફિલ્ડાઇટને માઇક્રોડાયૉરાઇટ તરીકે વર્ણવવામાં આવેલો છે; પરંતુ આલ્કલી ફેલ્સ્પારનું પ્રમાણ મૉન્ઝોનાઇટ કે સાયનાઇટ સાથેનું સામ્ય સૂચવી જાય છે. ઘણા માઇક્રોડાયૉરાઇટ સ્પષ્ટપણે માઇક્રોગ્રાફિક કણરચનાવાળા હોય છે.
ડાયૉરાઇટ એ ઍન્ડેસાઇટનો અંત:કૃત સમકક્ષ ખડક છે. અન્ય ખડકોની અપેક્ષાએ આ ખડકો ઓછા પ્રમાણમાં મળે છે અને ભાગ્યે જ વિશાળ જથ્થાઓ રચે છે; તે નાનાં સ્વરૂપોમાં જ જોવા મળે છે, ક્યારેક મોટી ડાઇક કે સિલ તરીકે મળે ખરા; વળી ગ્રેનોડાયૉરાઇટ, ગૅબ્રો કે સાયનાઇટ સાથે કિનારીઓ રચતા પણ મળી આવે છે.
ગિરીશભાઈ પંડ્યા