ડાયનોસૉર : મધ્યજીવ કલ્પ(mesozoic era)માં આજથી આશરે 20થી 22 કરોડ વર્ષો પૂર્વે અસ્તિત્વ ધરાવતો સરીસૃપોનો એક સમૂહ. ગ્રીક ભાષામાં ડાયનોસૉર એટલે ભીષણ ઘો (terrible lizard). જોકે ડાયનોસૉર ઘો નથી; પરંતુ ઘોની જેમ ડાયનોસૉર પણ એક સરીસૃપ છે. મોટાભાગનાં ડાયનોસૉર વિશાળકાય હતાં. ડિપ્લોડૉક્સ જેવા ડાયનોસૉરની લંબાઈ 27 મી. હતી અને વજન 77 ટન જેટલું હતું. પરિણામે તે પોતાનું વજન મહામુશ્કેલીથી ઊંચકીને પ્રચલન કરી શકતાં. આ મુશ્કેલી ટાળવા માટે આ પ્રાણીઓ મોટેભાગે નાનાં તળાવ કે કળણોમાં પ્રવેશીને ત્યાં સમય પસાર કરતાં. જોકે જૂજ ડાયનોસૉર (દા.ત., કૉમસૉમ્નાથસ) કબૂતરના જેવા સાવ નાના કદનાં પણ હતાં.

ડાયનોસૉરની ચાલવાની રીત હાલનાં સરીસૃપો કરતાં સાવ જુદી હતી. હાલનાં મોટાભાગનાં સરીસૃપોના પગ શરીરની બહારની બાજુએથી વિસ્તરેલા હોય છે, જ્યારે ડાયનોસૉરના પગ ઘોડા જેવાં સસ્તનોની જેમ શરીરની નીચે અંદરના ભાગમાં આવેલા હતા. પરિણામે તે પોતાના શરીરને સહેલાઈથી ઊંચકતાં અને વધુ ક્રિયાશીલ રહેતાં. કેટલાંક ડાયનોસૉર માત્ર પાછલા પગ વડે પ્રચલન કરતાં. ડાયનોસૉરનું વિશાળકાય શરીર અને શરીરની નીચે આવેલા પગ – આ બે વિશિષ્ટતાઓ બાદ કરતાં બાકીનાં લક્ષણો હાલનાં સરીસૃપોના જેવાં હતાં. તેમનાં દાંત, હાડકાં, શલ્ક (scales) જેવા અવશેષો હાલનાં સરીસૃપોના જેવા છે.

ડાયનોસૉરની આદતોમાં ઘણી વિવિધતા હતી, જે આધુનિક સરીસૃપો કરતાં જુદી પડે છે. દક્ષિણધ્રુવ પ્રદેશ બાદ કરતાં તે પૃથ્વી પર સર્વત્ર પ્રસરેલાં હતાં. આજથી લગભગ 15 કરોડ વર્ષ પૂર્વેના સમય દરમિયાન ડાયનોસૉરે પૃથ્વી પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું, પરંતુ ક્રિટેશિયસ યુગને અંતે તે ત્વરિત ગતિએ લુપ્ત થયાં.

ડાયનોસૉરના અસ્તિત્વ દરમિયાનનું પૃથ્વી પરનું પર્યાવરણ હાલના કરતાં સાવ જુદું હતું. પૃથ્વી પરની ભૂમિ લગભગ અખંડિત હતી અને તેની ફરતે વિશાળ દરિયો પ્રસરેલો હતો. મધ્યજીવ કલ્પ દરમિયાન કાળક્રમે ભૂમિનું ખંડન થવા માંડ્યું. તેના ટુકડાઓનું વિચલન થતાં હાલના ખંડો અસ્તિત્વમાં આવ્યા. દરમિયાન હિમાલય તથા આલ્પ્સ (Alpse) જેવા પર્વતો ઊપસી આવ્યા. જમીન પરની આબોહવા હાલના ઉષ્ણકટિબંધમાં છે તેવી હતી. વનસ્પતિસૃષ્ટિ મોટેભાગે અનાવૃત્ત ધારી અને અપુષ્પ(nonflowering) પ્રકારની હતી. મોટાભાગનાં જંગલો શંકુદ્રુમ (coniferous) પ્રકારનાં હતાં. ડાયનોસૉર ઉપરાંત જમીન પરની પ્રાણીસૃષ્ટિ કીટકો, દેડકાં, ગરોળી, મગર, કાચબા અને નાના કદનાં સસ્તનો જેવાં પ્રાણીઓની બનેલી હતી. મધ્યજીવ કલ્પના અંતે પક્ષીઓ અસ્તિત્વમાં આવ્યાં. દરિયાઈ પ્રાણીઓમાં જેલીપ્રાણી, પ્રવાળ, સેપિયા, સમુદ્રતારા, અસ્થિમીનો અને કાસ્થિમીનો જેવાંનો સમાવેશ થતો.

ડાયનોસૉરના બે પ્રકાર છે : સરીસૃપ-શ્રોણી (saurischia) અને વિહગશ્રોણી (ornithischia). પ્રથમ પ્રકારના ડાયનોસૉરની શ્રોણી (hip) સરીસૃપોના જેવી હતી અને બીજા પ્રકારના ડાયનોસૉરની શ્રોણી પક્ષીઓના જેવી હતી. આ બંને પ્રકારના પૂર્વજો ગર્તદંતી (thecodont) સરીસૃપ હતા એમ માનવામાં આવે છે. ડાયનોસૉરની ખાસિયત તેના ટટ્ટાર અંગવિન્યાસ(upright posture)માં રહેલી છે. તેને અનુરૂપ ત્રિકાસ્થિ(sacrum)નો વિકાસ થયો હતો. આ હાડકું સારી રીતે વિસ્તરેલું હતું. પરિણામે શ્રોણી-અસ્થિનું કરોડસ્તંભ સાથેનું જોડાણ સરળ અને મજબૂત બન્યું. અંગવિન્યાસને અનુરૂપ ફેરફારો ઉપાંગોનાં અસ્થિ તેમ જ સ્નાયુઓમાં પણ થયા. મોટાભાગનાં ડાયનોસૉર ચારેય પગોની મદદથી પ્રચલન કરતાં હતાં. કેટલાંક દ્વિપાદી (biped) બન્યાં. ઘણાં દ્વિપાદીઓના આગલા પગ ટૂંકા બન્યા અથવા તો અવશેષરૂપ બન્યા. દ્વિપાદિતા(bipedalism)ને ઉચ્ચ કોટિની ચપળતા અને ક્રિયાશીલતાની સૂચક માનવામાં આવે છે.

સરીસૃપ-શ્રોણીઓમાં ભારે, વિશાળકાય અને બિહામણા સ્વરૂપનાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમની વહેંચણી પ્રોસૉરોપૉડ, સૉરોપૉડ અને થેરોપૉડ – આમ ત્રણ ઉપશ્રેણીઓમાં થાય છે.

પ્રોસૉરોપૉડ આશરે 6 મી. લાંબાં હતાં. તેમની ડોક લાંબી અને માથું નાનું હતું. તે કોઈક વાર ચાર પગ વડે તો કોઈક વાર બે પગની મદદથી પ્રચલન કરતાં હતાં. તે 22 કરોડ વર્ષ પૂર્વે હસ્તીમાં આવ્યાં અને જ્યુરાસિક યુગના અંતિમ ચરણમાં અથવા ક્રિટેસિયસ-કાળમાં લોપ પામ્યાં.

સૉરોપૉડની ગણના ડાયનોસૉરસૃષ્ટિમાં, વિશાળ દેહધારી તરીકે થાય છે. તે આશરે 21 મી. લાંબાં, શ્રોણી પાસે 3થી 4 મી. ઊંચાં અને 10થી 27 મેટ્રિક ટન વજનવાળાં હતાં. બ્રાટોસૉરસ સૉરોપૉડ, જીવવિજ્ઞાનીઓમાં વધુ પરિચિત પ્રાણી તરીકે જાણીતું છે. દેખાવમાં તેના જ જેવું પરંતુ સહેજ લાંબા અને પાતળા શરીરવાળા પ્રાણી તરીકે ડિપ્લોડૉક્સની ગણના થાય છે. તેની લંબાઈ 27 મી. જેટલી હતી, જ્યારે વજનમાં સૌથી ભરાવદાર શરીરવાળું પ્રાણી એટલે બ્રકિયોસૉરસ. તેની ઊંચાઈ 12 મી. જેટલી અને વજન આશરે 77 ટન હતું. તેના આગલા પગ લાંબા હતા.

થેરૉપૉડ માંસાહારી હતાં. તેઓ પાછલા પગનો ઉપયોગ પ્રચલન માટે કરતા. આગલા પગ સાવ નાના અને બારીક હતા. પૂંછડી લાંબા–ભરાવદાર સ્નાયુઓની બનેલી હતી. તે શરીરની સમતુલા જાળવવામાં મદદરૂપ હતી. તેમની ડોક નાની અને માથું લાંબું હતું. જડબાં મજબૂત અને દાંત તીણા હતા. ટાયરૅનોસૉર થૅરોપૉડ તે વખતના એક અત્યંત ભયંકર માંસાહારી પ્રાણી તરીકે જાણીતું છે. શ્રોણી સુધીની તેની ઊંચાઈ 3 મી. જેટલી હતી. તેનું માથું એક મી. લાંબું, અને દાંત તીણા અને 15 સેમી. જેટલા લાંબા હતા. સૌથી નાનું થૅરોપૉડ, કૉમ્પ્સોગ્નાથસ, કબૂતરના કદનું હતું.

વિહગશ્રોણી ડાયનોસૉરના દાંતની આગળ ચાંચ જેવા આકારનું એક હાડકું હતું, જ્યારે ઘણાં વિહગશ્રોણીઓનાં શરીર પર શલ્કનું આવરણ હતું. તે ક્રિટેશિયસ યુગનાં, વનસ્પતિનો આહાર કરનારાં પ્રાણીઓ તરીકે જાણીતાં છે. ઑર્નિથોપૉડ, સ્ટેગૉસૉર, ઍન્કાયલોસૉરસ અને સેરાટોપ્સિયા – આમ ચાર પેટાવિભાગોમાં તેમનું વર્ગીકરણ થાય છે.

ઑર્નિથોપૉડ ચાર અથવા બે પગની મદદથી પ્રચલન કરતાં હતાં. તે સૌથી લાંબા સમય સુધી એટલે કે આખા સરીસૃપ કાળ દરમિયાન વાસ કરતાં હતાં. આશરે 9 મી. લાંબા આ  પ્રાણીના આગલા પગના અંગૂઠા પર તીક્ષ્ણ કંટકો હતા. બતક-ચાંચ (duck-bill) ઑર્નિથોપૉડ ચાંચયુક્ત હતાં અને મુખપ્રદેશમાં સેંકડોની સંખ્યામાં દાંત ધરાવતાં હતાં. તેમના પગની આંગળી વચ્ચે પડદા હતા.

સ્ટેગોસૉરસ વનસ્પત્યાહારી હતાં અને એમની પીઠ પર સીધી રીતે ગોઠવાયેલ શલ્કો હતા. તેમના પાછલા પગ આગલા પગના પ્રમાણમાં ઘણા લાંબા હતા. પરિણામે માથું જમીનની સાવ નજદીક આવેલું હતું.  પીઠ 1 અથવા 2 શલ્કોની હારમાં ગોઠવાયેલી હતી. પૂંછડી બે જોડમાં આવેલા કંટકોથી સધાયેલી હતી. કદાચ શલ્કોનો  ઉપયોગ લોહીને ઠંડું રાખવામાં થતો હશે તેમ માનવામાં આવે છે.

ઍન્કાયલોસૉરસ કવચધારી ડાયનોસૉર તરીકે જાણીતાં છે. તેમનું શરીર સહેજ  નીચું પરંતુ પહોળું અને 5થી 6 મી. લાંબું હતું. માથાની લંબાઈ 0.5 મી. હતી. શલ્કો ધાર (ridges) કે કંટકયુક્ત હતા. ખભા પર અને માથા પર શૂળો વિકાસ પામેલી. કેટલાંક ઍન્કાયલોસૉરસની પૂંછડીનો છેડો ગદા જેવા આકારનો હતો.

શિંગડાંવાળાં ડાયનોસૉરને સેરાટોપ્સિયા કહે છે. તે દેખાવમાં ગેંડા જેવાં, 1થી 8 મી. લાંબાં હતાં. માથું ભરાવદાર હતું. માથા અને ગરદન પર ઝાલર જેવી કિનારી કંટકમય હતી. ટ્રાઇસેરાટૉપ્સના માથા પર ત્રણ શિંગડાં હતાં. નાક પાસે આવેલું શિંગડું નાનું, જ્યારે આંખની ઉપર આવેલાં શિંગડાં 1 મી જેટલાં લાંબાં હતાં.

ડાયનોસૉરનું જીવન અને વિલોપન : અગાઉની માન્યતા મુજબ ડાયનોસૉરનું વર્ણન અણઘડ અને મંદબુદ્ધિવાળા પ્રાણી તરીકે કરવામાં આવતું; પરંતુ હાલમાં મળેલા જીવાશ્મો પરથી તેની ગણના ચપળ પ્રાણી તરીકે થાય છે, થેરૉપૉડ સમૂહનાં પ્રાણીઓ ઘણાં સક્રિય હતાં તેમ માની શકાય. મોટાભાગનાં ડાયનોસૉર હાલનાં સરીસૃપો કરતાં પક્ષીઓ સાથે વધુ સાર્દશ્ય ધરાવે છે. તેથી પક્ષીઓના અભ્યાસ પરથી, ડાયનોસૉરોએ, કઈ રીતે જીવન પસાર કર્યું હશે અને કયાં પરિબળોને કારણે તે લુપ્ત થયાં હશે તેની અટકળ બાંધી શકાય.

હાલનાં સરીસૃપો  સ્થાયી ઉષ્ણતામાન (poikilothermal) ધરાવે છે. પક્ષીઓ સ્થાયી ઉષ્ણતામાનવાળું (homeothermal) જીવન વિતાવે છે. ઘણા વિજ્ઞાનીઓના અભિપ્રાય મુજબ ડાયનોસૉર સ્થાયી ઉષ્ણતામાનવાળાં પ્રાણીઓ હોવાં જોઈએ. તેને કારણે તે સક્રિય જીવન પસાર કરતાં હતાં એમ તે માને છે. અન્ય વિજ્ઞાનીઓના અભિપ્રાય મુજબ, ડાયનોસૉર વિશાળકાય હોવાને કારણે સહેલાઈથી સ્થાયી ઉષ્ણતામાન જાળવી શકતાં હતાં. ડાયનોસૉર સ્થાયી ઉષ્ણતામાન ધરાવતાં હોય તો તે ઝડપથી વિકાસ પામે છે. ઉષ્ણતામાન સ્થાયી હોય તો 25થી 30 મે. ટન વજનવાળા શરીરના વિકાસ માટે 200 વર્ષ અથવા વધારે સમય જોઈએ. સ્થાયી ઉષ્ણતામાનવાળાં આ કદનાં પ્રાણીઓ આશરે 50 વર્ષમાં વિકાસ પામી શકે છે.

વિશાળકાય ડાયનોસૉર જળાશયોમાં અથવા તેની આસપાસ રહી જીવન વિતાવતાં હતાં. તે તળાવો કે છીછરાં જળાશયોની વનસ્પતિ ખાતાં હશે તેમ માની શકાય. બતકચાંચ ડાયનોસૉરનાં જડબાં તે ખોરાક ગ્રહણ કરવા માટે ખાસ અનુકૂલન પામેલાં હતાં. અન્ય વનસ્પત્યાહારી ડાયનોસૉર જળાશયોના કિનારાની આસપાસ અથવા ખુલ્લાં મેદાન કે જંગલમાં ઊગતી વનસ્પતિનો આહાર કરતાં હોવાં જોઈએ.

મોટા કદનાં થેરોપૉડ વનસ્પત્યાહારી ડાયનોસૉરનો શિકાર કરી ખોરાક મેળવતાં હતાં. તેમાંનાં કેટલાંક મરેલાં પ્રાણીઓના માંસનું ભક્ષણ પણ કરતાં હશે. નાનાં ડાયનોસૉર ઈંડાં કે કીટકોનું ભક્ષણ પણ કરતાં હતાં. અન્ય કેટલાંક ડાયનોસૉર તત્કાલીન નાનાં સસ્તનો અને સરીસૃપોનો શિકાર કરતાં હતાં.

થેરોપૉડ માંસભક્ષી પ્રાણીઓ કવચ, કંટક, ગદા રક્ષણાત્મક તેમ જ આક્રમણાત્મક પ્રવર્ધો ધરાવતાં હતાં. એન્કાયલૉસૉર પ્રાણીઓ પોતાના રક્ષણ માટે શિંગડાં અને કંટકોનો ઉપયોગ કરતાં. બતકચાંચ જેવાં પ્રાણીઓ પાણીમાં તરીને જમીનવાસી માંસાહારી પ્રાણીઓથી રક્ષણ મેળવી શકતાં હતાં.

પૃથ્વી પર આશરે 20 કરોડ વર્ષ પૂર્વેથી માંડીને 6.5 કરોડ સુધી સફળ જીવન વિતાવનાર ડાયનોસૉર મધ્યજીવ કલ્પને અંતે અચાનક લુપ્ત થયાં તેનાં કારણો કયાં ? પર્યાવરણિક ફેરફારે તેમાં અત્યંત મહત્વનો ભાગ ભજવ્યો હશે. ક્રિટેશિયસ કાળને અંતે વાતાવરણનું ઉષ્ણતામાન ઘટ્યું. પક્ષીઓ અને સસ્તનો વિષમ ઠંડીનો સામનો પીંછાં કે વાળની મદદથી કરે છે. કદાચ આવા રક્ષણાત્મક આવરણના અભાવે ડાયનોસૉર વિષમ ઠંડીથી રક્ષણ મેળવવા અસમર્થ નીવડ્યાં હશે તેને પરિણામે તેમનો વિનાશ સર્જાયો હોય.

એક અટકળ મુજબ ક્રિટેશિયસ યુગના અંત્યકાળમાં  અવકાશમાં વિસ્ફોટ થયો અને વિનાશકારી કિરણો પૃથ્વી પર પ્રસર્યાં. વિશાળકાય શરીર ધરાવતાં ડાયનોસૉર કોઈ પણ રીતે આવાં વિનાશસર્જક કિરણોથી અને ઠંડીથી પોતાનો બચાવ ન કરી શક્યાં અને નાશ પામ્યાં એમ અનુમાન કરવામાં આવે છે.

ક્રિટેશિયસ યુગમાં નવી વનસ્પતિસૃષ્ટિનું સર્જન થયું હતું, જે વનસ્પત્યાહારી ડાયનોસૉરને માફક નહિ આવતાં ખોરાકના અભાવે વનસ્પત્યાહારી ડાયનોસૉર મૃત્યુ પામ્યાં હોય. પરિણામે ખોરાકના અભાવે માંસાહારી ડાયનોસૉર પણ જીવી ન શકયાં હોય. કેટલાક નિષ્ણાતોના અભિપ્રાય મુજબ નવો વનસ્પતિજન્ય ખોરાક તે વખતનાં સસ્તનો માટે લાભદાયક નીવડ્યો. સસ્તનોના વિકાસ સાથે ડાયનોસૉરની સંખ્યા સાવ ઘટી ગઈ અને છેવટે ડાયનોસૉર લોપ પામ્યાં.

બીજી એક માન્યતા મુજબ ક્રિટેશિયસ કાળને અંતે એક લઘુ ગ્રહપિંડ (asteroid) પૃથ્વી સાથે અથડાયો. પરિણામે ધૂળના ગોટેગોટા ઊછળ્યા અને બરફના ટુકડા જ્યાં ત્યાં પ્રસર્યા. આવી વસ્તુઓ પૃથ્વીની ફરતે પ્રસરી જતાં, પૃથ્વી મહિનાઓ સુધી સૂર્યકિરણથી વંચિત રહી. પ્રકાશસંશ્લેષણ અશક્ય કે સાવ ધીમું બન્યું. વનસ્પતિઓની વૃદ્ધિ અટકી. બીજ અને મૂળ ખાઈને નાનાં સસ્તનો જેવા સજીવો જીવંત રહી શક્યા, જ્યારે વિશાળકાય સ્વરૂપનાં ડાયનોસૉર લુપ્ત થયાં.

ઉપર કહેલા અથવા અન્ય કોઈ કારણસર યોગ્ય પર્યાવરણિક પરિબળોના અભાવે ડાયનોસૉર પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યાં નહિ, જ્યારે નાનાં સસ્તનો જેવાં પ્રાણીઓ પર્યાવરણિક ફેરફારનો સામનો સફળતાપૂર્વક કરી શક્યાં. પરિણામે સસ્તનોએ પ્રગતિ કરી અને ડાયનોસૉર ત્વરિત ગતિએ નાશ પામ્યાં.

મ. શિ. દૂબળે