ડાયનેમાઇટ : સ્વીડિશ ભૌતિકશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલ દ્વારા 1867માં શોધાયેલ, નાઇટ્રોગ્લિસરીન ઉપર આધારિત, પ્રબળ વિસ્ફોટકો(high explosives)નો એક વર્ગ. તે અગાઉ, 1850 પહેલાં, નાઇટ્રોગ્લિસરીન અને નાઇટ્રોસેલ્યુલોઝની શોધ થઈ ચૂકી હતી. ત્યારબાદ મકર્યુરી ફુલ્મિનેટ [Hg(ONC)2] સ્ફોટન-ટોટીની શોધ થવાથી ઉચ્ચ વિસ્ફોટકોનો એક યુગ શરૂ થયો. 1867માં ધૂમ્રવિહીન પાઉડર બનાવવામાં આવ્યો ત્યારથી લગભગ એક સૈકા સુધી બ્લાસ્ટિંગ ઉદ્યોગ પર ડાયનેમાઇટનો પ્રભાવ રહ્યો. પણ હવે અન્ય વિસ્ફોટકો શોધાવાથી તેનો ઉપયોગ ઘટતો જાય છે.
59.5 % સલ્ફ્યુરિક ઍસિડ, 40 % નાઇટ્રિક ઍસિડ અને 0.5 % પાણીના મિશ્રણમાં તાપમાન 10° સે.થી વધે નહિ તેવી રીતે ધીરે ધીરે શુદ્ધ (99.9 % +) ગ્લિસરીન ઉમેરી નાઇટ્રોગ્લિસરીન બનાવવામાં આવે છે. તેને ગરમ કરવામાં આવે અથવા તેના ઉપર કોઈ વસ્તુ અફાળવામાં આવે તો તે પ્રચંડ વિસ્ફોટ પામે છે. નોબેલે ત્રણ ભાગ નાઇટ્રોગ્લિસરીનને એક ભાગ કીઝલગૂર (એક પ્રકારની છિદ્રાળુ માટી) સાથે મિશ્ર કરી શુષ્ક અને દાણાદાર પદાર્થ બનાવ્યો જે આઘાતરોધક પણ ગરમી અને પરિતાડન (percussion) વડે સહેલાઈથી ફોડી શકાય તેવો હતો.
ડાયનેમાઇટને નિશ્ચિત સ્ફોટભાર(charge)માં ભરી શકાય છે; તેનું સહેલાઈથી પરિવહન કરી શકાય છે અને ફોડવા માટે ડિટોનેટર વાપરવાથી તેનો સલામત વિસ્ફોટ કરી શકાય છે. પાછળથી કીઝલગૂરને બદલે લાકડાનો વહેર કે માવો ઉપયોગમાં લેવામાં આવ્યો જ્યારે વિસ્ફોટકની પ્રબળતા વધારવા તેમાં ઉપચાયક તરીકે સોડિયમ નાઇટ્રેટ ઉમેરવામાં આવ્યો. 1875માં નોબેલે બ્લાસ્ટિંગ જિલેટીન(નાઇટ્રોગ્લિસરીન અને નાઇટ્રોસેલ્યુલોઝનું મિશ્રણ)ની પણ શોધ કરી હતી.
કોલસાની ખાણોમાં વાપરવા માટે ડાયનેમાઇટ ખાસ ઉપયોગી છે, કારણ કે તેના ઝડપી વિસ્ફોટ અને પ્રમાણમાં ઓછી ગરમ જ્યોતને કારણે તે ખાણની ટનલોમાં મિથેન વાયુ અને કોલસાની બારીક રજને સળગાવતો નથી.
ડાયનેમાઇટની અનેક જાતો છે. તે બધી દ્વિતીયક (secondary) પ્રબળ વિસ્ફોટકોની છે. અતિસંવેદનશીલ વ્યાપારી વિસ્ફોટક તરીકે વપરાતા સાદા ડાયનેમાઇટ 5 %થી 60 % નાઇટ્રોગ્લિસરીન, 40 %થી 95 % સોડિયમ નાઇટ્રેટ ઉપરાંત વધારામાં કાર્બનયુક્ત ઈંધણો અને અવશોષકો ધરાવે છે. જ્યાં ઊંચી સંવેદનશીલતાની જરૂર હોય ત્યાં આવા વિસ્ફોટકોનો ઉપયોગ મર્યાદિત છે. સાદા જિલેટીન-ડાયનેમાઇટનું સંઘટન પણ સાદા ડાયનેમાઇટ જેવું જ હોય છે. પણ તેમાંના નાઇટ્રોગ્લિસરીનનું 2 %થી 8 % નાઇટ્રોસેલ્યુલોઝ વડે જિલેટીનીકરણ કરેલું હોય છે. તે સાદા ડાયનેમાઇટ કરતાં ઓછાં સંવેદી પણ વધુ શીર્ણનશક્તિવાળાં (brisant) હોય છે. ખાસ કરીને પાણીની નીચે આવેલા બહુ સખત ખડકોને તોડવા માટે તે વપરાય છે. એમોનિયા ડાયનેમાઇટ પણ સાદા ડાયનેમાઇટ જેવાં હોય છે પણ તેમાં સોડિયમ નાઇટ્રેટને બદલે ઓછેવત્તે અંશે અથવા સંપૂર્ણપણે એમોનિયમ નાઇટ્રેટ વપરાય છે. વિસ્ફોટકોને સલામત અને સસ્તા બનાવવા તેમાંના નાઇટ્રોગ્લિસરીનનું પ્રમાણ ઓછું કરી તેમાં એમોનિયમ નાઇટ્રેટ ઉમેરવામાં આવે છે. તેને એક્સ્ટ્રા ડાયનેમાઇટ કહે છે. એમોનિયમ જિલેટીન ડાયનેમાઇટ એવી રીતે બનાવેલાં હોય છે કે તેમાં એમોનિયા અને જિલેટીન ડાયનેમાઇટનાં ઉત્તમ લક્ષણો હોય, સસ્તાં હોય અને સાદા જિલેટીન ડાયનેમાઇટ કરતાં ઓછા સંવેદનશીલ હોય. અર્ધજિલેટીન ડાયનેમાઇટ એ તાત્વિક રીતે એમોનિયા ડાયનેમાઇટ જ છે પણ તેમાં કઠણ લૂગદી (stiff gel) ન ઉદભવે તેટલા પ્રમાણમાં સેલ્યુલોઝ નાઇટ્રેટ ઉમેરેલો હોય છે. ઠંડી ઋતુમાં વાપરવા માટે અશીતક (nonfreezing) ડાયનેમાઇટની માગ રહેતી હોવાથી તેમાં ડાયઇથિલીન ગ્લાયકોલ ડાયનાઇટ્રેટ ઉમેરવામાં આવે છે, જે પોતે પણ વિસ્ફોટક છે પણ ઠારબિંદુ અવનમક (depressant) તરીકે કામ આપે છે. ડાયનેમાઇટમાંના ઍસિડને ટાળવા કૅલ્શિયમ કાર્બોનેટ જેવા પ્રતિઅમ્લ (antacid) પણ જરૂરી ગણવામાં આવે છે.
1960 પછી ઓછા વ્યાસના ભૂગર્ભ સ્ફોટન માટે ડાયનેમાઇટને બદલે આઇરેમાઇટ(Iremite – કૅપ-સંવેદી સ્લરી પ્રકારનો ઉચ્ચ વિસ્ફોટક)નો ઉપયોગ શરૂ થયો છે. ડાયનેમાઇટ સૈન્યના ઉપયોગ માટે જરૂરી ઉચ્ચ શીર્ણનશક્તિ ધરાવતા નથી. હાલમાં મોટા પાયા ઉપરની કાર્યવાહી માટે નાઇટ્રોગ્લિસરીન વિનાના બ્લાસ્ટિંગ પદાર્થો વપરાય છે તેમ છતાં નાના પાયા ઉપરના સ્ફોટન માટે અથવા અન્ય શક્તિશાળી વિસ્ફોટકોના ડિટોનેટર તરીકે હજુ પણ નાઇટ્રોગ્લિસરીન વપરાય છે.
જ. દા. તલાટી