ડાભ : એકદળી વર્ગમાં આવેલ તૃણાદિ (poaceae) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Desmostachya bipinnata stapf. syn. Eragrostis cynosuroides, Beauv. (સં. कुश, दर्भ; હિં. दाभ; ગુ. ડાભડો; મ. दर्भ) છે. તે બહુવર્ષાયુ 30થી 150 સેમી. ઊંચું ગુચ્છિત (tufted) તૃણ છે. ચળકતા પર્ણ-આવરકો સહિતના મજબૂત  ભૂસ્તારી (stolon) ધરાવે છે. ભારતનાં મેદાનોમાં બધે જ થાય છે અને રેતાળ (રણ)પ્રદેશોમાં તેનાં મોટાં ઝૂમખાં હોય છે. ઔષધ તરીકે ડાભનાં મૂળ પ્રાય: વપરાય છે. તે મધુર, સ્નિગ્ધ, તૂરો, ઠંડો, ત્રિદોષહર, રક્તસ્રાવ-સ્તંભક, તૃષાહર, ધાવણ ઉત્પન્ન કરનાર, મૂત્રલ તથા કોઢ (ત્વચારોગો), લોહીના ઝાડા, મરડો, બસ્તિના વિકાર, રક્તપિત્ત, રક્તદોષ, પ્રદર, મૂત્રકૃચ્છ્ર, પથરી, દાહ, વાતજ્વર, ગરમીની ખાંસી, હેડકી તથા સગર્ભા ઉદરશૂલ જેવાં દર્દો (અન્ય ઔષધો સાથે) મટાડનાર છે. તેનો કાગળ બનાવવા માટે કાચા માલ તરીકે, દોરડાં તેમજ ઘાસનું છાપરું બનાવવામાં અને ઘઉં અને ચણા સાથે ચારા તરીકે પણ ઉપયોગ થાય છે.

બળદેવપ્રસાદ પનારા