ડાઇનોફ્લેજલેટ્સ : બે અસમાન કશાઓ (flagella) અને વનસ્પતિ તેમજ પ્રાણી બંનેનાં લક્ષણો ધરાવતા એકકોષી જલીય સજીવો. તે સૂક્ષ્મ હોય છે અને ઘણુંખરું દરિયાઈ પ્લવકો (planktons) તરીકે ઉત્પન્ન થાય છે. વનસ્પતિશાસ્ત્રીઓ આ સજીવના જૂથને લીલના પાયરો-ફાઇટા વિભાગના ડાઇનોફાયસી વર્ગમાં મૂકે છે, જ્યારે પ્રાણીશાસ્ત્રીઓ પ્રજીવ સમુદાયના ડાઇનોફ્લેજેલીડા ગોત્રમાં મૂકે છે. તેમનું કદ તેમની જાતિઓને અનુલક્ષીને 5.0થી 2000 માઇક્રોન સુધીનું હોઈ શકે. તેમની પોષણપદ્ધતિ સ્વયંપોષી અથવા પ્રાણીસમ કે મૃતોપજીવી હોય છે. કેટલીક જાતિઓ પરોપજીવી કે સહભોજી (commensals) હોય છે. તે બધા વનસ્પતિ પ્લવકોનો મહત્વનો ઘટક હોવા ઉપરાંત ઠંડા દરિયાઓની પોષણજાળની અગત્યની કડી પણ છે. તે દરિયામાં સંદીપ્તિ (luminiscence) પણ ઉત્પન્ન કરે છે.
ડાઇનોફ્લૅજલેટ કોષ એક મધ્યસ્થ કે કુંતલાકાર ખાંચ ધરાવે છે, જેને વલયિકા (annulus) કહે છે. આ વલયિકા એક કશા ધરાવે છે અને તેમાંથી એક ઊભી ખાંચ (suleus) પશ્ચ દિશામાં લંબાયેલી હોય છે, જ્યાંથી બીજી કશા ઉદભવે છે. કવચધારી ડાઇનોફ્લેજલેટ્સ સેલ્યુલૉસ વડે પુષ્કળ પ્રમાણમાં જાડી તકતીઓ દ્વારા આવરિત હોય છે. આ તકતીઓ લાંબા કંટકીય પ્રવર્ધયુક્ત હોઈ શકે. કેટલીક જાતિઓમાં કવચ હોતું નથી. પરંતુ રક્ષણાત્મક સ્તર તરીકે છાદિ (pellicle) જોવા મળે છે.
તેમના કોષરસના પરિઘ તરફ એક કે તેથી વધારે વર્ણકોષાશયો (chromatophores) આવેલાં હોય છે અને તે દંડાકાર, તકતી આકાર કે અનિયમિત પટ્ટી આકારનાં હોય છે. કેટલીક જાતિઓમાં એક જ અક્ષીય તારાકાર વર્ણકોષાશય હોય છે, જેમાંથી કિરણ-સ્વરૂપે પ્રવર્ધો નીકળે છે. ઘણી જાતિઓમાં પ્રોભૂજકો (pyrenoids) વર્ણકોષાશયમાં કે તેની બહાર હોય છે. વર્ણકોષાશયનો પીળો બદામી રંગ તેમાં આવેલાં વિશિષ્ટ ઝૅન્થોફિલ્સની પ્રબળતાને કારણે હોય છે. તેમના કોષમાં ખોરાકસંગ્રહ સ્ટાર્ચ કે સ્ટાર્ચ જેવાં સંયોજનો કે મેદસ્વરૂપે થાય છે.
આ સજીવજૂથમાં અલિંગી પ્રજનન દ્વિભાજન (binary fission) કે બહુભાજન (multiple fission) દ્વારા થાય છે અને લિંગી પ્રજનન સંયુગ્મન પદ્ધતિથી થાય છે. ગ્લેનોડેનિયમમાં ચલિત જન્યુકોષોનું સંયુગ્મન થાય છે.
અનુકૂળ પરિસ્થિતિમાં એક લિટર પાણીમાં ડાઇનોફ્લેજલેટ્સની વસ્તી છ કરોડ જેટલી થાય છે. તેમના આકસ્મિક વસ્તીસ્ફોટથી દરિયાનાં પાણી લાલ થઈ જાય છે અને તેનો રંગ બગડે છે; એટલું જ નહિ, તેની ઝેરી અસરથી માછલીઓ તેમજ અન્ય દરિયાઈ પ્રાણીઓ નાશ પામે છે.
બળદેવભાઈ પટેલ