ડાઇક (dyke) : વિસંવાદી પ્રકારનું આગ્નેય ખડકપટ રચતું અંતર્ભેદક. અંતર્ભેદકો જુદાં જુદાં સ્વરૂપો અને પ્રકારોમાં મળી આવે છે, જે પ્રાદેશિક ખડકો સાથે ચોક્કસ રચનાત્મક અને બંધારણીય સંબંધો ધરાવે છે. પ્રાદેશિક ખડકો સાથે જો તે સમાંતર વલણ ધરાવતા હોય તો સંવાદી અને આરપાર ભેદતા હોય તો વિસંવાદી અંતર્ભેદકો કહેવાય છે. વિવિધ આકારો અને સ્વરૂપો પરથી તેમને જુદા જુદા પ્રકારોમાં વર્ગીકૃત કરેલા છે. આ સંદર્ભમાં દળદાર અગ્નિકૃત ખડકો કે કોઈ પણ પ્રકારનું વલણ ધરાવતા જળકૃત–વિકૃત ખડકોમાં જ્યારે મૅગ્મા ઘૂસી જઈને ઊભા, ત્રાંસા કે ફાચર આકારમાં દીવાલ, સ્તંભ કે પટ રચે એવાં અંતર્ભેદકને ડાઇક તરીકે ઓળખાવી શકાય. વિરૂપતાનાં પ્રતિબળોને કારણે પ્રાદેશિક ખડકોમાં ઉદભવેલી ફાટો મૅગ્માદ્રવ્યને ઘૂસવા માટે પોલાણ પૂરું પાડે છે. આવાં અંતર્ભેદનો મોટેભાગે તો મૅગ્માજન્ય જ હોય છે. તેમ છતાં કણશ: વિસ્થાપનને પરિણામે ઉષ્ણજળજન્ય દ્રાવણો પણ આ જ પ્રકારની સ્તરભેદિત શિરાઓ બનાવતાં હોય છે. આ ઉપરાંત પ્રાદેશિક ખડકોમાં વિરૂપતાને કારણે ઉદભવેલી ઊભી કે ત્રાંસી ફાટો જ્યારે ઘસારા અને ધોવાણજન્ય શિલાચૂર્ણથી ભરાઈ જઈ ર્દઢ બની રહે ત્યારે રચાતી ડાઇક નિક્ષેપજન્ય ડાઇક (sedimentary dyke) કહેવાય છે. સિવિલ ઇજનેરો તેમની ઇજનેરી પરિભાષામાં ખાસ કરીને બંધસ્થાનો (damsites) નજીક વધારાના જલસંચય માટે સહાયકારી આડ કે અવરોધ બાંધે તેને પણ ‘ડાઇક’ તરીકે ઓળખાવે છે. મુખ્ય ડાઇકમાંથી વચ્ચે વચ્ચે સ્તરોમાં અન્ય ફાટો મળી જાય તો આડીઅવળી શાખા-ડાઇક રચાઈ શકે છે.
ડાઇકનું સ્વરૂપ અને લંબાઈ, પહોળાઈ, જાડાઈ જેવાં પરિમાણો મૅગ્માના પ્રકાર, વેગ, સ્નિગ્ધતા, તરલતા અને બંધારણ, પ્રાદેશિક ખડકોના પ્રકાર અને બંધારણ તેમજ ફાટના પ્રકાર જેવાં પરિબળો પર આધાર રાખે છે. સ્થાનભેદે અને પ્રકારભેદે ડાઇકની કણરચના અને બંધારણ ભિન્ન ભિન્ન હોય છે. લંબાઈ થોડાક મીટરથી અનેક કિલોમીટર સુધીની, પહોળાઈ અને અને જાડાઈ થોડાક સેમી.થી ઘણા મીટર સુધીની હોઈ શકે છે. કેટલાક દાખલાઓમાં સોથી હજાર મીટરની જાડાઈવાળી ડાઇક મળી આવ્યાની નોંધ પણ છે. સામાન્યત: મોટાભાગની ડાઇક ત્રણ મીટરની જાડાઈથી વધુ હોતી નથી. મોટાભાગની ડાઇકનું ખડક-બંધારણ ડોલેરાઇટ, પોર્ફિરી કે લેમ્પ્રોફાયર જેવા ખડકોથી બનેલું હોય છે. તેમ છતાં પ્રવિષ્ટ મૅગ્માના પ્રકારભેદે તે કોઈ પણ પ્રકારના અંત:કૃત, ભૂમધ્યકૃત કે બેઝિક બંધારણવાળી હોઈ શકે છે. તેમની કણરચના સામાન્ય રીતે તો મધ્યમ દાણાદાર હોય છે. નાના પરિમાણવાળી ડાઇક ઝડપથી ઘનીભવન પામી જતી હોવાથી સૂક્ષ્મદાણાદાર અને મોટા પરિમાણવાળી ડાઇક ધીમે ધીમે ઘનીભવન પામતી હોવાથી સ્થૂળદાણાદાર હોય છે. ડાઇકના કેન્દ્રવર્તી મધ્ય ભાગની કણરચના સૂક્ષ્મથી મધ્યમ દાણાદાર હોય છે, પરંતુ કિનારીના ભાગો પ્રાદેશિક ખડકના સંસર્ગને કારણે ત્વરિત ઘનીભવન થવાથી અતિસૂક્ષ્મ કે કાચમય બની રહે છે.
પ્રાપ્તિસ્થિતિની ર્દષ્ટિએ જોતાં ક્યાંક માત્ર એક જ ડાઇક મળે, તો ક્યાંક શ્રેણી-સ્વરૂપે કે જૂથ-સ્વરૂપે પણ મળે. કોઈ પણ એક જ વિસ્તારમાં માત્ર એક જ ડાઇક હોય તો એકાકી ડાઇક, એક કરતાં વધુ સમાંતર ડાઇક હોય તો તેમને ડાઇક-શ્રેણી અને અન્યોન્ય કાપતી ડાઇક-શ્રેણીઓના સમૂહને ડાઇક-જૂથ કે ડાઇક-સંકુલ (dyke swarm) કહેવાય છે. ગોઠવણીના સંદર્ભમાં આ રીતે ડાઇકશ્રેણીઓ સમાંતર કે વિકેન્દ્રિત (radiated) હોઈ શકે.
મૅગ્માના અંતર્ભેદનનાં આવર્તનો મુજબ ડાઇકનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય :
1. સાદી ડાઇક (simple single dyke) : મૅગ્માના એક જ વખતના અંતર્ભેદનથી રચાતી એકલીઅટૂલી ડાઇકને સાદી ડાઇક કહે છે.
2. બહુમુખી ડાઇક (multiple dyke) : એક જ સ્થાનમાં આવશ્યકપણે એક જ પ્રકારના બંધારણવાળા મૅગ્માનાં બે કે તેથી વધુ વખત થયેલાં અંતર્ભેદનોથી બનતી ડાઇકને બહુમુખી ડાઇક કહે છે.
3. મિશ્ર ડાઇક (composite dyke) : એક જ સ્થાનમાં વારંવાર થયેલાં જુદા જુદા પ્રકારના બંધારણવાળા મૅગ્માનાં અંતર્ભેદનોથી બનતી ડાઇકને મિશ્ર ડાઇક કહે છે.
4. સ્વભેદિત ડાઇક (differentiated dyke) : મોટા પાયા પર થયેલા અંતર્ભેદન દ્વારા મૅગ્માજન્ય સ્વભેદનથી બનતી ડાઇકને સ્વભેદિત ડાઇક કહે છે.
આ ઉપરાંત વલય-ડાઇક અને શંકુપટ એ ડાઇકનાં જ વિશિષ્ટ સ્વરૂપો છે. વલય-ડાઇક એ ચાપ આકારનું – વીંટી આકારનું, ગોળાકાર સ્વરૂપમાં મળતું કેન્દ્રત્યાગી મૅગ્માજન્ય અંતર્ભેદન છે. તે બાજુબાજુમાં એક પછી એક, એક કરતાં વધુ શ્રેણીમાં પ્રાદેશિક ખડકથી અલગ પડતી ડાઇક-શ્રેણીના સ્વરૂપે ગોઠવાયેલું હોય છે, જે ક્યારેક એકલું જ હોય તો ક્યારેક અન્યોન્ય સમાંતર ગોળાકાર કે ચાપના સ્વરૂપે જૂથમાં ગોઠવાયેલું તેમજ ભિન્ન ભિન્ન વલણ ધરાવતું હોઈ શકે છે. ભૂપૃષ્ઠ પરની વિવૃત્તિથી ઊંડાણ તરફ 30°થી 40°નો નમનકોણ દર્શાવે અને તેમની ગોળાઈનો વ્યાસ 7 કિમી.થી 25 કિમી. સુધીનો હોઈ શકે છે. ઊંડાણથી ભૂપૃષ્ઠ તરફ જતાં તે એક કેન્દ્ર તરફ ભેગા મળવાનું વલણ ધરાવે છે. પ્રત્યેકની પહોળાઈ–જાડાઈ 150 મીટરથી 500 મીટર સુધીની હોઈ શકે છે. મૅગ્મા જ્યારે શંકુ આકારની નાળ પ્રકારની ફાટોમાં પ્રસરે ત્યારે આ પ્રકારનું અંતર્ભેદન બને છે.
ડાઇકનાં શંકુપટ એ જૂથ ડાઇકનાં અંતર્ભેદનોનાં કેન્દ્રગામી સ્વરૂપો ગણાય. ભૂપૃષ્ઠથી ઊંડાણ તરફ જતાં તે એક કેન્દ્ર તરફ ભેગા મળવાનું વલણ ધરાવે છે. તે પણ ચાપ કે કમાનાકારનું હોય છે. પ્રત્યેક શંકુપટ 10–12 મીટરની જાડાઈવાળું હોય છે. એક જૂથમાં રહેલાં શંકુપટ પૈકી બહારનું પટ અંદરના પટ કરતાં ઓછા નમનવાળું હોય છે.
મૅગ્માજન્ય દ્રવ્યના દાબના પરિણામરૂપ પ્રાદેશિક ખડકમાં પ્રવિષ્ટ થવાની અને પાછા ખેંચાવાની ક્રિયાને કારણે વલય-ડાઇક અને શંકુપટ તૈયાર થતાં હોય છે. મૅગ્માસંચયમાંથી થતી દાબવૃદ્ધિથી શંકુપટ માટેની ફાટો અને દાબ ઘટવાથી વલય-ડાઇક માટેની ફાટોની ઉત્પત્તિ થતી હોય છે. ઉત્પત્તિના સંદર્ભમાં જોતાં એમ કહી શકાય કે મૅગ્મામાંથી આ પ્રકારનાં અંતર્ભેદન થવા માટે પ્રાદેશિક ખડકસ્તરોમાં વિદ્યમાન ફાટો ભૂતકાળમાં તણાવનાં બળોથી ઉત્પન્ન થયેલી હોવી જોઈએ. અંતર્ભેદનની પ્રારંભિક કક્ષાએ એ ફાટો જેટલી પહોળાઈની હોય તેમાં મૅગ્માના દબાણ અને પ્રાદેશિક ખડક સાથેના આત્મસાતીકરણ(assimilation)ને કારણે ઠર્યા પછી ડાઇકની જાડાઈ વધી જાય છે. પ્રાદેશિક ખડક સાથેના તેમના સંપર્કો ઊભા કે ત્રાંસા પણ સીધા ઢોળાવવાળા હોય છે.
ડાઇક જ્યારે પ્રાદેશિક ખડક કરતાં વધુ સખત અને ઘનિષ્ઠ હોય ત્યારે પ્રમાણમાં ઓછી ઘસાય છે. પરિણામે લાંબી ધાર કે ખુલ્લી દીવાલના સ્વરૂપે બહાર રહી જાય છે; પરંતુ જો તે નરમ, મૃદુ ખડકબંધારણવાળી હોય તો પ્રાદેશિક ખડક કરતાં ઝડપથી ઘસાઈ જાય છે અને લાંબી ખાઈ જેવાં સ્વરૂપોની રચના કરે છે (આકૃતિ 1).
પ્રાદેશિક ખડક કરતાં અંતર્ભેદન પામતો મૅગ્મા ગરમ હોવાથી પ્રાદેશિક ખડકનો મૅગ્માના સંપર્કમાં આવતો કેટલોક ભાગ શેકાતો જઈ સખત – ર્દઢ બની જાય છે. ક્યારેક પ્રાદેશિક ખડકના કેટલાક ભાગ તૂટી પડી ડાઇકમાં આત્મસાત્ થઈ જાય છે અથવા ઓગળતાં બાકી રહી જાય તો આગંતુક વિભાગ-સ્વરૂપો અવશેષ તરીકે મળે છે. પ્રાદેશિક ખડકની અને ડાઇકની સંપર્ક સપાટીઓનું મૂળ બંધારણ બદલાઈ જઈ શકે છે, સંકર ખડકરચના પણ થઈ શકે છે (આકૃતિ 1).
ગિરીશભાઈ પંડ્યા