ડંડાસ, સર હેન્રી (જ. 28 એપ્રિલ 1742, આર્મસ્ટોન, સ્કૉટલૅન્ડ; અ. 28 મે 1811) : અગ્રગણ્ય સ્કૉટિશ રાજપુરુષ અને ઇંગ્લૅન્ડના પ્રધાનમંડળના સભ્ય. તેઓ એડિનબરો યુનિવર્સિટીમાંથી શિક્ષણ લઈ કાયદાની વિદ્યાશાખામાં જોડાઈને 1763માં ઍડ્વોકેટ બન્યા.

1794માં મિડલોધિયન વિસ્તારમાંથી પ્રથમ વાર ચૂંટાઈને પાર્લમેન્ટમાં લૉર્ડ નૉર્થના પક્ષમાં જોડાયા. 1802માં ઉમરાવપદ મળ્યું ત્યાં સુધીમાં પાર્લમેન્ટની આમસભામાં 45 સ્કૉટિશ સભ્યોના જૂથના અગ્રણી તરીકે અને કુશળ વક્તા તરીકે તેઓ જાણીતા થયા હતા.

માર્ક્વિસ ઑવ્ લૅન્સડાઉન અને ‘નાના પિટ’ તરીકે જાણીતા વિલિયમ પિટ હેઠળ તે શરૂઆતમાં નાના પદ પર રહ્યા. તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બૉર્ડ ઑવ્ કન્ટ્રોલના પ્રથમ સભ્ય અને પછીથી પ્રમુખ થયા હતા. 1791માં તેઓ કૅબિનેટમાં ગૃહમંત્રી બન્યા. 1794થી 1801 સુધી તે પિટના પ્રધાનમંડળમાં યુદ્ધમંત્રી હતા. ફ્રાન્સની ક્રાંતિ અને નેપોલિયનના પ્રતિકાર માટેના યુદ્ધમાં તેમના પ્રયત્નોને સારી સફળતા મળી હતી. 1802માં તેમને વાઇકાઉન્ટ મેલવિલ અને બૅરન ડુનીરા એમ ઉમરાવપદ આપવામાં આવ્યું હતું. 1804માં ફરી તેઓ નૌકામંત્રી બન્યા. તેમણે નૌકાદળમાં ઘણા સુધારા દાખલ કર્યા હતા; પરંતુ 1782થી 1800 વચ્ચે નૌકાખાતાના તેમના નાણાકીય વહીવટ દરમિયાન થયેલી ગેરરીતિ અંગે તેમના પર શંકા આવતાં 1806માં તેમના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. પરંતુ તેમાં તેઓ નિર્દોષ પુરવાર થયા. 1809માં તેમને અર્લ-પદ આપવા સરકારે ઇચ્છા વ્યક્ત કરી પરંતુ તેમણે તે નકારી હતી.

શિવપ્રસાદ રાજગોર