ડાંડિયો (1864) : ઓગણીસમી સદીમાં ગુજરાતના સુધારક કવિ નર્મદ અને તેમના પાંચ સાથીઓએ કાઢેલું સામાજિક સુધારણાનું પત્ર. પ્રથમ પખવાડિક, પછી સાપ્તાહિક. નર્મદ અને તેમના સાથીઓ ગિરધરલાલ દયાળદાસ કોઠારી, નગીનદાસ તુલસીદાસ મારફતિયા, કેશવરામ ધીરજરામ, શ્રીધર નારાયણ અને ઠાકોરદાસ આત્મારામે મળીને એડિસનના ‘સ્પેક્ટેટર’ જેવું સામયિક કાઢવાનો વિચાર કરેલો તેના પરિણામે ‘ડાંડિયો’ પાક્ષિક શરૂ થયું. ‘મોટું નામ રાખી હલકું કામ કરવું તેના કરતાં હલકું નામ રાખી મોટું કામ કરવું તે વધારે સારું’ એવી માન્યતાથી ‘ડાંડિયો’ નામ રાખેલું. મોટેભાગે મુંબઈમાં નર્મદનું નિવાસસ્થાન ‘ડાંડિયો’નું કાર્યાલય રહેતું.
‘ડાંડિયો’ તર્કનિષ્ઠ બૌદ્ધિક ચર્ચાઓનું પત્ર હતું. તેનાં સમકાલીન પત્રો ‘બુદ્ધિવર્ધક’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘ગુજરાત શાળાપત્ર’, ‘સત્યપ્રકાશ’, ‘રાસ્ત ગોફતાર’, ‘ચંદ્રોદય’ આદિ હતાં. ‘ડાંડિયો’નું પ્રકાશન 1864ના સપ્ટેમ્બરથી પાક્ષિક તરીકે અને 1868ના ઑક્ટોબરથી સાપ્તાહિક તરીકે થયું હતું. 1869માં એ તત્કાલીન પત્ર ‘સન્ડે રીવીઉ’ સાથે જોડાઈ ગયું હતું. ડૉ. રમેશ શુક્લે ‘ડાંડિયો’ના અંકો પ્રસિદ્ધ થયાની ચાર શ્રેણી ગણાવી છે. (1) 1–9–1864થી 15–12–1865 (2) 15–3–1866થી 15–4–1867 (3) 1–8–1867થી 31–9–1868 (4) 18–10–1868થી 31–12–1869.
સૂરતના અરદેશર કોટવાળના સમયથી શરૂ થયેલી દાંડી પીટીને લોકોને સાવધાન રહેવાનું કહેતા રાત્રિ પહેરેગીરની પ્રથા પરથી ‘ડાંડિયો’ પત્રનું નામ અપાયું હતું. ચોરડાકુઓથી બચવા સૂતેલા નાગરિકોને ડાંડિયો, દાંડી ઢોલ પર પીટી, અર્ધી રાતે જાગ્રત રાખવાનું કામ કરતો. નર્મદના ‘ડાંડિયો’નું ધ્યેય વિવિધ સામાજિક અને રાજકીય ભ્રષ્ટાચાર, પાખંડો, કુરિવાજો, વહેમ, અંધશ્રદ્ધા, આડંબર, દંભડોળ, ઇજારાશાહી આદિ દૂષણોને પ્રગટ કરી પ્રજામાં ચેતનનો સંચાર કરવાનું હતું. એ રીતે ‘ડાંડિયો’એ પોતાના જમાનામાં દુરાચારીઓનાં કરતૂતોને ખુલ્લાં પાડી પ્રજાને સાચો રાહ ચીંધવાનું કામ કર્યું હતું. એમાંનાં લખાણો અત્યંત જલદ હતાં. ‘ડાંડિયો’ દંભને ખુલ્લો પાડવામાં દ્રવ્યની સહાય કરનારા, મિત્રો અને આશ્રયદાતાઓ સહિત કોઈની શેહશરમ રાખતું નહિ. એથી એનાં લખાણો સંજ્ઞા દ્વારા જ થતાં : નર્મદ પુ, લ, અને ત સંજ્ઞાથી લખતા. એ પત્ર એટલું પ્રામાણિક હતું કે પોતાની ભૂલનો એકરાર કરતું. તેમાં વ્યક્તિગત ટીકા, સામૂહિક વર્ગ કે સમાજ માટે ચેતવણીરૂપ રહેતી. એમાં આવતા લેખોની નોંધ અંગ્રેજ સરકાર પણ ગંભીરતાથી લેતી, લખાણોનાં ભાષાન્તર થતાં અને સેક્રેટરિયેટમાં એની ચર્ચા થતી. ‘ડાંડિયો’ની ધાકથી અનેક પ્રકારનાં કુકર્મો અને કુરિવાજો પર નિયંત્રણ આવ્યું હતું. એ ર્દષ્ટિએ આ પત્રે કરેલી સેવા ગુજરાતના સમાજસુધારાના ઇતિહાસમાં નોંધપાત્ર બની છે.
‘ડાંડિયો’ અંગે રામનારાયણ પાઠક, વિજયરાય વૈદ્ય અને રમેશ શુક્લે સંશોધન કર્યું છે. વિજયરાયે એને ‘ગુલામ પ્રજાનું આઝાદ પત્ર’ કહ્યું છે. રમેશ શુક્લે ‘ડાંડિયો’ના ઉપલબ્ધ 63 અંકોનું સંપાદન વિસ્તૃત સંશોધનાત્મક પ્રસ્તાવના સહિત કર્યું છે અને કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટે (સૂરત) તે પ્રકાશિત કર્યું છે.
મનોજ દરુ